અમલદારશાહીની જડતાએ ભાનુભાઈનો ભોગ લીધો!

આત્મવિલોપન કરીને જાત હોમી દીધાની ઘટના પાટણમાં ઘટી છે. આ તમામ ઘટનાઓમાં સૌથી વધુ કોઈ જવાબદાર દેખાતું હોય તો એ અમલદારશાહી છે.

પાટણ કલેક્ટર કચેરીમાં જમીનના એક ટુકડા માટે જાત જલાવી દેનાર ભાનુભાઈ વણકરનો કિસ્સો કોઈ પણ વ્યક્તિની સંવેદનાને ઝંઝોળી મૂકે તેવો છે, પણ સોૈથી મોટી કમનસીબી એ છે કે સામાન્ય લોકોની વેદનાને અમલદારશાહીની જડતા સમજી શકતી નથી. સવાલ એ થાય છે કે આવા કેટલા લોકોના ભોગ લેવાશે….?

 

ગુજરાતમાં વધુ એક વાર આત્મવિલોપનનો મામલો ચર્ચામાં આવ્યો છે. અગાઉ રાજકોટમાં એક આખા પરિવારે આત્મવિલોપન કરી જાત હોમી દીધી હતી આ ઘટના બાદ જસદણ નજીક ગઢડિયા ગામમાં રહેતા એક ગૌ ભક્તે રાજકોટ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પી લીધી હતી. ફરી એક વાર એક દલિત કાર્યકરે આત્મવિલોપન કરીને જાત હોમી દીધાની ઘટના પાટણમાં ઘટી છે. આ તમામ ઘટનાઓમાં સૌથી વધુ કોઈ જવાબદાર દેખાતું હોય તો એ અમલદારશાહી છે. કોઈ સમસ્યાના મુદ્દે આવા અંતિમ પગલાં સુધી કોઈને જવું પડે તે જ બતાવે છે કે અમલદારશાહીએ ભૂતકાળની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. જમીનના એક ટુકડા માટે દલિત કાર્યકર ભાનુભાઈએ અગાઉથી તા. ૭મી ફેબ્રુઆરીએ પાટણ કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે તા.૧પ સુધીમાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરવા સુધીનું જલદ પગલું ભરીશ. ભાનુભાઈ વણકરની આ દર્દભરી રજૂઆત હતી, પણ તંત્રએ તેને ગંભીરતાથી ન લીધી અને એક સાચા સમાજસેવીનો ભોગ લેવાઈ ગયો.

સામાન્ય માનવીની રજૂઆત વહીવટી તંત્રના બહેરા કાન સુધી ન સંભળાઈ અને ન થવાનું થઈ ગયંુ. એક પરિવારે મોભી ગુમાવવો પડ્યો છે. મૂળ બહુચરાજી તાલુકાના ગાંભુ ગામના વતની પણ વર્ષોથી મોસાળ ઊંઝામાં રહેતા દલિત કાર્યકર ભાનુભાઈ વણકર દલિત સમાજની સમસ્યાઓને વાચા આપવા સરકાર સામે લાંબા સમયથી લડત આપતા હતા. ભાનુભાઈ દલિત સમાજના એક સાચા કાર્યકર હતા જે માત્ર દેખાવ પૂરતા જ રજૂઆતો કરતા ન હતા, પણ ખરા અર્થમાં સમાજની સાથે રહીને લડત આપતા હતા. મૂળ મુદ્દો હતો સમી તાલુકાના દુદખા ગામની દલિત પરિવારોની જમીન દબાણમાં જતી હતી તેને સરકારી ચોપડે નિયમિત કરી પરિવારોને હક આપવાનો હતો. ગામ લોકોએ આ અંગે પાટણ કલેક્ટર સહિતના સ્થાનિક સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી. ભાનુભાઈ વણકર ગામના તલાટી રહી ચૂક્યા હતા એટલે તેઓ દલિત પરિવારને ન્યાય અપાવવા આ લડતમાં જોડાયા હતા.

ભાનુભાઈ વણકરની આત્મવિલોપનની ચીમકી બાદ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ આ મામલે ઘટતાં પગલાં લેવા જિલ્લાના વહીવટીતંત્રને આદેશ અપાયા હતા, પણ આ આદેશો અમલદારશાહીમાં અટવાઈ ગયા. તા.૧પ મીએ ભાનુભાઈએ પાટણ કલેક્ટર કચેરીમાં જ આત્મવિલોપન કર્યું. પોતાની જાતને જલાવી દીધી ત્યાં સુધી વહીવટી તંત્ર ન જાગ્યંુ. ભાનુભાઈને અમદાવાદની એક મોટી ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પણ તેમનો જીવ બચાવી ના શકાયો. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું થયું. આ ઘટનાની આગે આખા ગુજરાતને દઝાડ્યું. ઠેર-ઠેર દલિત કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા ત્યારે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પ૪ કલાક પછી સરકાર સાથે સમાધાન થયંુ આમ આદમીની સંવેદનાઓને એસી ચેમ્બરમાં બેઠેલાઓ સમજી શકતા નથી પછી જ્યારે પરિણામ ગંભીર આવે છે ત્યારે અધિકારીઓ પીડિતોની માગણીઓ સ્વીકારવા માટે દોડાદોડી કરે છે.

જેમ દરેક ઘટનામાં બને છે તેમ આ ઘટનાને પણ રાજકીય રંગ આપવાનો પ્રયાસ થયો. કોંગ્રેસના આગેવાનોને ભાનુભાઈના મોત પાછળ સરકારને દોષિત ગણી હતી તો ભાજપના  આગેવાનોએ પરિવારને મળીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દલિત આગેવાન અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શરૂઆતથી જ આ મામલામાં પીડિત પરિવારની સાથે રહીને તેમને ન્યાય મળવો જોઈએ તેવી માગણી કરી હતી. ટૂંકમાં એવંુ કહી શકાય કે ગુજરાતને જો વિકાસનું મોડલ કહેવામાં આવતું હોય તો અમલદારશાહીમાં પણ તેનો પ્રભાવ દેખાવો જોઈએ. સામાન્ય જનની સાચી વાતને અધિકારીઓ સમજીને ત્વરિત નિકાલ કરે તો ભાનુભાઈ જેવા અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાતા બચી જશે અને આ જ ભાનુભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે!

 

——————————–.

You might also like