ભક્તિ માર્ગનો ઉત્તમ પ્રકાર જપ યજ્ઞ

‘જપ’ શબ્દ એક સંસ્કૃત ક્રિયાપદનું મૂળ સ્વરૂપ છે. જેનો સામાન્ય અર્થ છે ઃ ‘ધીમે સાદે બોલવું તે’. આથી જ જપ ધીમે સાદે કોઇ ન સાંભળે તેમ કરવાની પ્રથા છે. જપ કરતી વખતે હોઠ કે જીભ હાલવાં જોઇએ નહીં. અંતઃકરણમાં નિરંતર જપની ક્રિયા ચાલવી જોઇએ.

ભક્તિ માર્ગના અનેક પ્રકાર છે. જેમાં સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ પણ છે તો સાથે સાથે મૂર્તિ પૂજા, એકેશ્વરવાદ વગેરે પણ છે. આ બધા પ્રકાર જુદા જુદા મત ધરાવતા લોકો માટે છે. જેવી આકાંક્ષાથી જે તે પૂજન-અર્ચન કરે છે. તે તેના માટે શ્રેષ્ઠ છે. જપના ત્રણ પ્રકાર કે વર્ગ છે. પ્રથમ પ્રકાર છે વાચિક. વાચિક જપ એટલે વૈખરી વાણીથી ધીમું ધીમું ઉચ્ચારણ તે રીતે જપ કરવા. આ પ્રકારને વાચિક જપ કહેવાય છે. બીજો પ્રકાર છે માનસિક આ જપમાં ફક્ત તેનું ઉચ્ચારણ મનોમન કરાય છે. ત્રીજો પ્રકાર છે ઉપાંશુ જપ. જપના આ પ્રકારમાં બે હોઠ હળવે હળવે હલાવતાં હલાવતાં બહુ જ ધીમે સ્વરે બીજા કોઇને સંભળાય નહીં તેવા સ્વરથી હોઠમાંને હોઠમાં જપ કરવા તેનું નામ ઉપાંશુ જપ છે.

જો કોઇ મનુષ્ય ખૂબ ઝડપથી જપ કરે તો તેના ધનનો નાશ થાય છે. અતિશય મંદ ગતિથી જપ કરનારને રોગ થાય છે. જેમ મોતીની માળામાં મોતી એક એકને સહારે રહ્યા હોય છે છતાં એકબીજાથી ભિન્ન હોય છે. તેમ મોતીની માળા પ્રમાણે જ જપ કરવા જોઇએ. જપ કરતી વખતે મનનો સંયમનું ખૂબ મહત્વ છે. શ્રીરામ જય રામ જય જય રામ આ તેર અક્ષરના મંત્રના જો કોઇ સાધક કે ઉપાસક તેર કરોડ જપ તેની જિંદગી દરમિયાન કરે તો સાક્ષાત અયોધ્યાપતિ ભગવાન શ્રીરામ તેને દર્શન આપે છે. આ બાબતમાં કોઇ સંશય રાખવો નહીં.

ઉપરોક્ત જપ તેર કરોડ સમર્થ સ્વામી શ્રી રામદાસજીએ કર્યા હતા. ફળસ્વરૂપ ભગવાન શ્રીરામે તેમને આ વરદાન આપ્યું છે. જપ કરતી વખતે આસન પર બેસવું જરૂરી નથી. અન્ન પાણી છોડવાં જરૂરી નથી. ધંધો કરતાં કરતાં જપ કર્યા કરવા. ફક્ત એક બાબત ધ્યાનમાં લેવી કે જપ કરતી વખતે ચિત્ત સાફ હોવું જોઇએ. તેર કરોડ જપ કરવાથી જન્મ જન્માંતરનાં પાપ નાશ પામે છે. ક્યા દેવના કેટલા જપ કરવાથી તે દેવ પ્રસન્ન થાય ?•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like