જે ગમે જગદગુરુ જગદીશને

નરસિંહ મહેતાના પુત્ર શામળિયાનું મૃત્યું થયું, પુત્રના અગ્નિસંસ્કાર વગેરે તમામ વિધિ પૂરી થયા બાદ નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઇ કીર્તન કરવા લાગ્યા.
જે ગમે જગદગુરુ જગદીશને; તે તણો ખરખરો ફોક કરવો.
આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ઘરવો. જે…
નરસિંહ મહેતાને પુત્રના મરણના પ્રસંગે કીર્તન કરતા જોઇ માણસો કહેવા લાગ્યા કે, ‘મહેતાજી તમે આટલી સ્વસ્થતા કઇ રીતે રાખી શકો છો ? પુત્રના દુઃખદ અવસાનના દિવસે તમે હાથમાં કરતાલ લઇ કઇ રીતે ગાઇ શકો છો ?’
ત્યારે મહેતાજીએ એટલું જ કહ્યું કે, ‘ભાઇ ! આ જગત દ્વંદ્વમય છે, હર્ષ અને શોકનો દ્વંદ્વ છે. કાં તો હું શોકમાં રડી શકું અથવા તો ભગવત્ ઇચ્છા માનીને આનંદમાં રહી હાથમાં કરતાલ લઇ પ્રભુને ભજી શકું. બીજી કોઇ વ્યવસ્થા જ નથી. અને તેથી જ હું પ્રભુને સ્મરું છું.
વળી, આગળ નરસિંહ મહેતાએ ખૂબ સાદી અને સરળ દરેકને સમજવા જેવી વાત કરી કે, ‘તમારે ત્યાં કોઇ વ્યક્તિએ કોઇ વસ્તુની થાપણ મૂકી હોય અને જ્યારે તે વ્યક્તિ વસ્તુ પાછી લેવા અને તમે એને પાછી આપવામાં આનાકાની કરો તો તે અયોગ્ય ગણાય. તેનો તમે વિશ્વાસઘાત કર્યો કહેવાય. એ જ રીતે આપણા કુટુંબમાં પણ દીકરા, દીકરી, પત્ની, ભાઇ, બહેન એ સર્વે ભગવાનની આપણા પાસે મૂકેલી થાપણ છે.
મારો દીકરો શામળિયો એ ભગવાનની થાપણ હતી. મારા કૃષ્ણે જ્યારે તેને માગી ત્યારે મેં એવા જ ભાવની પાછી આપી.
જો હું આ દેવામાં આનાકાની કરું, મારો વિરોધી સૂર પુરાવું, તો મેં ભગવાન કૃષ્ણનો અપરાધ કર્યો કહેવાય. માટે જ્યારે ભગવાન મારી પાસે માગે ત્યારે મારે થાપણ પાછી સોંપી જ દેવી જોઇએ. હા, મારી ફરજ હતી કે એ થાપણને મારે સાચવવી. મારું કર્તવ્ય મારે નિભાવવું.તેથી જ્યાં સુધી શામળિયાની જિંદગી રહી ત્યાં સુધી એ થાપણને મેં સાચવી.મેં મારું કર્તવ્ય બજાવ્યું.
મેં તેને મારો પ્રેમ આપ્યો. કૃષ્ણ ભક્તિના સંસ્કાર પણ મેં તેને આપ્યા અને જ્યારે કૃષ્ણને એની જરૂર પડી ત્યારે એમણે લઇ લીધો. માટે ભગવાનને જે ગમે છે તેનો ખરખરો ન કરાય.’ ભક્ત નરસિંહ મહેતાની સમજણ આવી ઉચ્ચ કોટિની હતી ઃ ‘જે ગમે જગદ્ગુરુ જગદીશને…’
વહાણ તો બીજું પણ થશે…
માણેકચંદ શેઠ પૈસા કમાવવા આફ્રિકા ગયેલા. ર૦ વર્ષ પછી પૈસા કમાઇ પોતાને વતન સુરત આવી રહ્યા છે ત્યાં જ કિનારા પાસે જે વહાણમાં સર-સામાન, મિલકત આવતાં હતાં તે વહાણ ડૂબ્યું. ર૦ વર્ષની કમાણી પાણીમાં ગઇ.
તેઓ પોતાને ઘેર આવ્યા. ઘરના સહુ સભ્યો આનંદમાં ગરકાવ હતા. થોડીવાર પછી શેઠે વાત કરી કે મિલકત બધી પાણીમાં ડૂબી ગઇ. શેઠનાં પત્ની તથા પરિવારના માણસો રડવા બેઠા. શેઠ કહે, અરે ! રડો છો શું કરવા ? કમાણી ગઇ છે. હું તો એમને એમ છું ને ! ભગવાનની કેવી દયા કે મને કાંઇ આંચ આવી નથી. હું જીવતો રહ્યો છું તો પૈસા તો કાલે પણ કમાઇ લઇશું.
આ શેઠનો સંત-સમાગમમાં ઉછેર થયો હતો. સંત-સમાગમ કરી જીવમાં ઉતારિયું હતું કે ભગવાન જે કરતા હશે તે મારા સારા માટે. ભગવાને મને જો જીવતો રાખ્યો છે ને એ જ ભગવાનની મોટી કૃપા છે અને આવી સમજણ ન હોય તો ભલભલા શેઠને હાર્ટએટેક આવી જાય. માટે સંત સમાગમ કરી આવી સમજણ કેળવાય તે જ સંત સમાગમ કરવાનંું ફળ છે.•
http://sambhaavnews.com/

You might also like