શુ પુત્રી અને પત્ની વચ્ચે સંપત્તિના વિવાદને કારણે ભય્યુજી મહારાજે આત્મહત્યા કરી ?

ઈન્દોર: આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે (ઉં.વ. ૫૦) મંગળવારે અત્રે સિલ્વર સ્પ્રિંગ સ્થિત નિવાસસ્થાને સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આજે બપોરે ઈન્દોરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેની પુત્રી કૂહુ દિવંગત પિતાને મુખાગ્નિ આપશે. તેમના રૂમમાંથી જે સ્યુસાઈડ નોટ પ્રાપ્ત થઈ છે તેમાં તેમણે લખ્યું હતું કે તેઓ તણાવમાં હતા અને તેથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.

તાજેતરમાં મધ્ય પ્રદેશ સરકારે તેમને રાજ્યકક્ષાના પ્રધાનનો દરજ્જો આપવાની નિષ્ફળ કોશિશ કરી હતી. આ સંજોગોમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેમની આત્મહત્યાની તપાસ કરવાની માંગણી કરી છે. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે કોઈ મારા પરિવારની જવાબદારી સંભાળી લે. હું જઈ રહ્યો છું. ખૂબ જ તણાવમાં છું. જિંદગીથી ત્રાસી ગયો છું.

ભય્યુજી મહારાજની પુત્રી કૂહુએ પોતાની સાવકી માતા ડો. આયુષી પર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આયુષીને કારણે જ મારા પિતાએ આત્મહત્યા કરી છે. આયુષીને જેલમાં ધકેલી દો. જ્યારે ડો. આયુષીએ એવી દલીલ કરી છે કે કૂહુને પસંદ નથી. અેવું કહેવાય છે કે ભય્યુજી મહારાજની પુત્રી અને પત્ની વચ્ચે સંપત્તિના વિવાદના કારણે તેમણે આત્મહત્યા કરી છે.

આત્મહત્યાના આગલા દિવસે ભય્યુજી મહારાજ એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. ભય્યુજી મહારાજ આ મહિલા સાથે અપના સ્વિટ્સ નામની રેસ્ટોરન્ટમાં એક કલાક રોકાયા હતા. ભય્યુજી મહારાજનો પાર્થિવ દેહ આજે બાપટ ચોકમાં આવેલ તેમના સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમના હજારો અનુયાયીઓએ અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

You might also like