વેપારીઓનું અપહરણ કરી ખંડણી માંગતી ભૈયા ગેંગના માસ્ટર માઇંડે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરત: માલેતૂજાર વેપારીઓની રેકી કર્યા બાદ પ્લાન ઘડીને અપહરણ વેપારીઓનું અપહરણ કરી ખંડણી માંગતી ભૈયા ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. ગેંગ સાથે માસ્ટર માઈન્ડ રાજાભૈયા પણ પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો. જેણે પોતાના હાથની નસ કાપી નાખતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોલીસના મારના ડરે આત્મહત્યાની કોશિષ કરી હોવાનું જણાવ્યું હતું.

મૂળ યુપી અલ્હાબાદનો વતની ઉમાશંકર ઉર્ફે રાજાભૈયા દુબે અપહરણ કરી ખંડણી માંગતી ગેંગનો માસ્ટર માઈન્ડ છે. આ ગેંગ સહિત રાજાભૈયાને પોલીસ ગત પહેલી જુલાઈના રોજ પુણા પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી રહી હતી.

એ દરમિયાન ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાજાભૈયાએ કાચના ગ્લાસને તોડીને પોતાના હાથની નસ કાપી નાખી હતી. જેથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. 4 સેમીનો ડાબા હાથ પર ઘા પડતાં સર્જરી કરી દેવામાં આવતાં પોલીસ ફરી તેને ડીસીબી ઓફિસ લઈ ગઈ હતી.

ભૈયા ગેંગના માસ્ટર માઇન્ડ રાજાભૈયાએ જણાવ્યું હતું કે, પોલીસના મારના ડરથી તેણે કાચનો ગ્લાસ તોડીને હાથની નસ કાપી નાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અપહરણ કરી ખંડણી માંગવાનો મુખ્ય સુત્રધાર હોવાથી પોલીસે તેના પર હવે વિશેષ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે.

You might also like