ભગવતીચરણ અને દુર્ગાભાભીઃ ક્રાંતિ-દંપતીની છબિ

સરદાર ભગતસિંહનો પોતાના પ્રિય ક્રાંતિ-મિત્ર સુખદેવ પરનો, જેલમાંથી લખેલો પત્ર ગતાંકમાં આપણે જાણ્યો. આનું નિમિત્ત હતાં ભાભી દુર્ગાદેવી.

સરદાર ભગતસિંહનો પોતાના પ્રિય ક્રાંતિ-મિત્ર સુખદેવ પરનો, જેલમાંથી લખેલો પત્ર ગતાંકમાં આપણે જાણ્યો. આનું નિમિત્ત હતાં ભાભી દુર્ગાદેવી.

સહ ક્રાંતિકારોને માટે તે ભાભીની વત્સલ પ્રતિમા હતાં. પતિ ભગવતીચરણ વહોરા, ક્રાંતિ મંડળીના થિન્ક ટેન્ક. ‘ઈન્કિલાબ ઝીન્દાબાદ’ સૂત્ર એકલા સરદાર ભગતસિંહનું સર્જેલું નહોતું, તેમાં ભગવતીભાઈનું યે અમૂલ્ય પ્રદાન હતું. તેમના બાપદાદા વડનગરના નાગર બ્રાહ્મણ. પછી લાહોર સ્થળાંતર થયું. ભગવતીચરણ ત્યાં જ જનમ્યા. પોતાની તમામ સંપત્તિ તેમણે ભારત મુક્તિ માટે ખર્ચી કાઢી. લાહોરમાં એક રસ્તાનું નામ છે બહાવલપુર માર્ગ. ત્યાંથી બહાવલપુર જઈ શકાય. એક મોટું મકાન આ રસ્તા પર મેળવીને ત્યાં ક્રાંતિ-ગુપ્ત મથક સ્થાપિત કરી દેવાયું હતું. મકાનને એકદમ સુશોભિત કરાયું, જાણે કોઈ શ્રીમંત પરિવારે ખરીદ્યું ના હોય! દુર્ગાભાભી લાહોરથી બેગબિસ્તરા લઈને આવ્યાં. સુશીલા દીદી કોલકાતાથી પોતાનો સરસામાન બાંધીને પહોંચ્યાં. મહિલાઓ હોય ત્યાં ઘર અને ઘરગૃહસ્થી, એટલે કોઈનેય શંકા ન જાય કે આ ચાર દીવાલોની વચ્ચેનો સંસાર સા-વ અનોખો હતો! અરે, રસોઇયા ‘મહારાજ’ પણ ક્રાંતિકારો જ!!

કોઈને લગીરે ભય નહીં. ઊછળતો ઉત્સાહ જ. બગાવતનો એજંડા. સુશીલા દીદીએ ચારે તરફ ઘૂમીને આ કામને આકાર આપી દીધો અને ત્રીજી યોજના તૈયાર થઈ. વાઈસરૉયની ટ્રેન નીચે બોમ્બના વિસ્ફોટથી ગાંધીજી ભારે નારાજ હતા. ‘કલ્ટ ઓફ ધ બોમ્બ’ નામે લેખ લખીને તેમણે ક્રાંતિકારોનાં આ કૃત્યની ટીકા કરી. તુરત જવાબ મળ્યો. ભગવતીચરણની તેજસ્વી કલમેઃ ‘બોમ્બનું જીવનદર્શન’ (સ્વતંત્રતા પૂર્વેના બોમ્બ અને આજના મઝહબી અલગાવવાદી બોમ્બમાં કેટલો આસમાન-જમીનનો ફરક છે?) બીજી ઘટના ફેબ્રુઆરી, ૧૯૩૦માં બની. જલગાંવની જેલમાં ક્રાંતિકારોનો છદ્મ મિત્ર બનીને સરકારી સાક્ષી બનેલા ગદ્દારને ભગવાનદાસ માહોર અને સદાશિવરાવે અદાલતમાં જ વીંધી નાખ્યો! ભગવતીચરણે આ યોજના ઘડી હતી.

ત્રીજી તેનાથી યે અઘરી હતી. દિલ્હીની એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને ‘બહેરા શાસનને જગાડવા, કાન ખુલ્લા કરવા’ જે મહા-સ્ફોટક પ્રયાસ થયો ત્યારે એસેમ્બલીમાં વિઠ્ઠલભાઈ પટેલ, બેરિસ્ટર મોહમ્મદ અલી જિન્નાહ પણ ઉપસ્થિત હતા. તેમને આ ઉદ્દામ દેશભક્તોની ખબર હતી! ભગતસિંહ-રાજગુરુ-સુખદેવ તેમાં પકડાયા. અદાલતમાં મુકદ્દમો ચાલ્યો. લાહોરની જેલમાંથી તેમને ભગાડી શકાય? આ પ્રશ્ન ક્રાંતિ-મંડળીમાં ચર્ચાયો. જો આવું થાય તો બ્રિટિશ સરકારના પાયા હચમચી ઊઠે. ભગવતીચરણની નજર સામે ૧૯૦૭માં લંડનના જાહેર સમારંભમાં મદનલાલ ધીંગરાએ કર્ઝન વાયલીને ગોળીએ દીધો તે ઘટના હતી. બ્રિટનની રાજસત્તા તે ઘટનાથી ખળભળી ઊઠી અને અખબારોએ તો સવાલ પણ ઉઠાવ્યો કે આપણી છાતી પર આવું સાહસ? ગુપ્તચર તંત્ર શું કરતું હતું? ભગવતીભાઈની ઇચ્છા લાહોર જેલથી ભગતસિંહ અને સાથીદારોને ન્યાયાલયમાં લઈ જવા દરવાજાની બહાર કાઢે ત્યારે જ વિસ્ફોટ કરીને તમામને છોડાવી દેવાની યોજના હતી. હસીને કહેતાઃ બ્રિટીશરો ધ્રુજી ઊઠશે, બહાવરા બની જશે અને ગાંધીને પણ ચિંતા થશે!

પહેલી બેઠક થઈ તેમાં ભગવતીચરણ ઉપરાંત ચંદ્રશેખર આઝાદ, સુશીલા દીદી, દુર્ગાભાભી, ધન્વંતરિ, વિશ્વનાથ વૈશંપાયન અને સુખદેવ રાજ મળ્યા. યોજના ઘડી. મુશ્કેલી તો ચારેતરફ હતી. નક્કી એવું થયું કે લાહોર જેલમાંથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને ગમેતેમ કરીને, બંધનમુક્ત કરીને અદૃશ્ય કરી દેવા! તેને માટે દરેક મિનિટની યોજના તૈયાર કરવામાં આવી. ક્રાંતિદળના સેનાપતિ ચન્દ્રશેખર આઝાદ હતા. પાક્કા સમર્પિત અને વ્યૂહાત્મક વ્યક્તિત્વ. આઝાદે ઠંડા દિમાગથી યોજનાને તરાશી. અપાર જોખમ અને અનંત સંભાવનાઓ; બંને હતાં. સરકાર કાતિલ બનીને નાનાં-મોટાં ક્રાંતિમંડળોને ચગદી નાખવા તૈયાર થઈ જાય અને બીજી બાજુ ગાંધીવાદીઓ ‘હિંસા, હિંસા’થી બૂમરાણ મચાવે. ફાંસી-ગોળી-આંદામાનની સજાઓ બમણી ગતિમાં ફેલાય. નિર્દોષ પરિવારો રહેંસાઈ જાય. ‘આઝાદ’ને ભૂતકાળના બનાવોનો અનુભવ હતો. જન્મજાત બગાવતી હતા તે. ખામોશ રહેવું તો કેમ પોસાય? તે રાતદિવસ બેચેન રહે છે- જુલમ સામે લડવાની અણખૂટ ધારામાં વહે છે. આઝાદીનો ધ્વજ ફરકાવવો છેઃ ‘તેરા વૈભવ અમર રહે મા, હમ દિન ચાર રહે, ન રહે!’

આઝાદે થોડા ફેરફારો સાથે યોજનાને મંજૂર કરી. તખતો તૈયાર થયો. જાતે સ્થળતપાસ કરી. જેલ, મેદાન, જેલ ઑફિસ, પોલીસબળ, સંત્રીઓની સંખ્યા અને કોર્ટમાં લઈ જવાનો સમય. દુર્ગાભાભીની આંખોમાં તેજ હતું, પ્યારા ભાઈ ભગતની મુક્તિ માટે સદૈવ જીવન સંગાથી પતિ ભગવતીચરણની યોજના! અને પોતાના સહિતની તમામ સામેલગીરી. ભગવતીચરણ, સુખદેવ રાજ અને વૈશંપાયન પોતાની સાઇકલો પર ઘરેથી નીકળ્યા. દુર્ગાભાભીએ તિલક કર્યું, સુશીલા દીદીએ કંકુચોખા- હમણાં બધા પાછા ફરશે! વિસ્ફોટ સામગ્રી તૈયાર હશે ને થોડાક દિવસ પછી-ક્રાંતિનાં સપનાં પણ કેવાં દિવ્ય-ભવ્ય હોય છે!

લાહોરમાં રાવી નદીના કિનારે પહોંચ્યા. એક બોટ કિનારા પર બાંધેલી પડી હતી. સુખદેવરાજ તે બોટ ક્લબનો મંત્રી હતો. એટલે નૌકા ચલાવનાર મોહમ્મદીએ બોટ આપી. ત્રણેની સાઇકલ ક્લબના ચોગાનમાં રાખી અને નૌકામાં બેઠા. એક ભારેખમ થેલો, નીચે મોટાં પંજાબી તરબૂચ, તેની ઉપર સંતરાનો ઢગલો અને છેક તળિયે, જરીકેય હલે નહીં તેવા બોમ્બ!! ભગવતીચરણે હલેસાં લઈને નૌકા ચલાવી. પછી સુખદેવ રાજે હલેસાં હાથમાં લીધાં. સ્વાતંત્ર્ય-સંઘર્ષની આ નૌકાના તે છેલ્લી વારના મુસાફરો!

રાવી નદીના બીજા કિનારે નૌકા લાંગરી. તેને એક ખીલાની સાથે બાંધી દેવામાં આવી. તરબૂચ નદીમાં તરતા મૂકાયા, ત્યારે સુખદેવરાજે કહ્યુંઃ પાછા ફરીશું ત્યારે આ તરબૂચની મજા માણીશું. સંતરાના થેલામાં તો પૂરો ખેલ હતો, સાથે લીધો, આગળ જંગલ શરૃ થતું હતું. એવી સુરક્ષિત અને અગોચર જગ્યાની શોધ હતી જ્યાં આ બોમ્બની તપાસ કરવી હતી કે કેવોક જલદ છે.

જંગલમાં એક ખાડો દેખાયો. ‘બસ, આ યોગ્ય જગ્યા છે.’ ભગવતીચરણે કહ્યું અને કોથળામાંથી બોમ્બ કાઢ્યો. અરે, આની તો પિન સાવ ઢીલી છે. હવે? સુખદેવરાજ કહેઃ આનું પરીક્ષણ કરવું ભારે જોખમી છે. ભગવતીભાઈ, એમ કરીએ કે આજે મોકૂફ રાખીએ, કાલે ફરી આવીશું, પિનને ઠીકઠાક કરીને અથવા બીજો બોમ્બ બનાવીએ.

ભગવતીચરણ વિચારમાં પડ્યા. માત્ર બે જ દિવસ બાકી હતા, લાહોર જેલની બહાર કેદી ભગતસિંહને લાવીને અદાલતે લઈ જવાના હતા. વિલંબ પાલવે તેમ નહોતો. ‘લાવો, હું જ તપાસી લઉં.લ્લ ભગવતીચરણે કહ્યું. બંને સાથીદારોએ તેમને વાર્યા.

ભગવતીચરણઃ બેફિકર રહો. મને કશું નહીં થાય. તમારામાંથી કોઈને ઈજા થાય તો હું કોને મોં બતાવી શકીશ?

સેનાપતિ કંઈ અમસ્તું વ્યવસ્થા પૂરતું નામ નથી હોતું. નેતા કંઈ તિકડમબાજીથી થવાતું નથી. તેમની જવાબદારી હોય છે- જોખમમાં આગળ વધવું, સાથીદારોને પાછળ રાખીને પહેલું કદમ માંડવું.

તેમણે બંનેને થોડેક દૂર ઊભા રહેવા સૂચવ્યું. પોતે મેદાનની બીજી તરફ જઈને બોમ્બની પિન ખેંચવા પ્રયાસ કર્યો અને બોમ્બ ફાટ્યો. હાથમાં જ વિસ્ફોટ. દૂર ઊભેલા સાથીદારોને પહેલાં તો તેનો અંદાજ જ ના આવ્યો, પછી ધડાકો સંભળાતા દોડી આવ્યા. જોયું તો ચારે બાજુ ધુમાડો અને જમીન પર ઢળી પડેલા ભગવતીચરણનું વીંધાયેલું લોહીલુહાણ શરીર. એક હાથ કોણીએથી કપાઈને દૂર ફેંકાઈ ગયો હતો. બીજા હાથની આંગળીઓ ઊડી ગઈ. પેટમાં કણી ઘૂસી જતાં આંતરડાં બહાર આવી ગયાં… પણ કોઈ ચિત્કાર નહીં.

(ક્રમશઃ)

——————————–.

You might also like