કેજરીવાલે અકાલીદળના નેતાની માફી માંગી, પંજાબના ‘આપ’માં ફાંટ, ભગવંતે આપ્યું રાજીનામું

પંજાબમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પાર્ટી સાંસદ ભગવંત માને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તે પાર્ટીમાં તો સામેલ જ છે. અરવિંદ કેજરીવાલના માફી માગવાના કારણે ભગવંત માનની સાથે પાર્ટીના ઘણા નેતાઓ તેમનાથી નારાજ થયા છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ડ્રગ્સની સમસ્યાનો મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો. પાર્ટીએ સીધે સીધું તેના માટે અકાલી દળને જવાબદાર ગણાવ્યું હતું. આપ દ્વારા મજેઠિયા ડ્રગ્સ વ્યાપારમાં જોડાયેલા હોવાનું કહેવાયું હતું.

જો કે આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે અકાલી દળના નેતા બિક્રમ મજેઠિયા પાસે માફી માગી છે, જેના બાદ પંજાબના આપ પાર્ટીના નેતાઓ કેજરીવાલથી નારાજ છે. મજેઠિયાએ કેજરીવાલ પર બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી રહ્યો હતો, એવામાં કેજરીવાલે માફી માંગી લીધી છે. તેમણે કેસ પાછો ખેંચવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલની પાર્ટી પર 20થી વધુ બદનક્ષીના કેસ દાખલ છે. કેજરીવાલ પર અરુણ જેટલી, નીતિન ગડકરી જેવા ઘણા નેતાઓએ બદનક્ષીનો દાવો કર્યો છે. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી કેજરીવાલનો ઘણો સમય કોર્ટમાં પસાર થાય છે, જેના કારણે કામકાજ પર અસર થાય છે અને એવામાં તેઓ તમામ કેસ પતાવવાની કોશિશ કરી રહ્યા છે.

You might also like