ભગવાન શ્રીહરિ

ભગવાન શ્રીહરિ એ જ વિષ્ણુ. ભગવાન વિષ્ણુનાં એક હજાર નામ છે. ભગવાન વિષ્ણુને નારાયણ પણ કહેવાયા છે. નારા એટલે પાણી અને અયન એટલે નિવાસસ્થાન. આમ નારાયણ એટલે પાણીમાં રહેનારા. ભગવાનને પાણીમાં રહેવા અંગે એક ભક્તે બહુ સુંદર દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે,
લક્ષ્મીજી કમળમાં વસે છે. વિષ્ણુ સાગરમાં શયન કરે છે, શિવજી હિમાલય પર સમાધિ લગાવે છે, આ બધાં પાછળ અપાર શાંતિની કામના છે.પાણીમાં પુષ્કળ શાંતિ હોય છે.
ભગવાન ગીતામાં કહે છે કે પાણી એ મારું જ સ્વરૂપ છે. ‘જીવનં સર્વ ભૂતેષુ’ પાણીના ગુણો પર ભગવાન પ્રસન્ન છે. પાણી બીજાનો મેલ દૂર કરીને તેને શુદ્ધ બનાવે છે. પાણી ઉત્સાહપ્રેરક અને સ્ફૂર્તિદાયક છે. જેમ પાણી નિરાકાર છે તેમ ભગવાન નિરાકાર છે. દરેક મનુષ્યને નિરાકાર બનવું જોઇએ.
શાંત આકારવાળા, શેષનાગ પર શયન કરનારા, નાભિમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાળા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવાં નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભય હરનારા તથા સર્વ લોકોનો એક જ ધણી એવા ભગવાન શ્રી વિષ્ણુને હું વંદન કરું છું. તેવું તેમના વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ શરૂ કરતાં પહેલાં શ્લોકરૂપે બોલાય છે.
ભગવાન ક્ષીરસાગરમાં શાંતિથી સૂતેલા છે. સંસારને સાગરની ઉપમા આપેલ છે. માનવે પણ સંસાર સાગરમાં આટલા શાંત રહેવાની કળા શીખવા જેવી છે.
ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અનન્ય યોગની તેમની ભક્તિ કરનાર ભક્તોને સંસાર ખારો કે પજવનારો લાગતો નથી. ભગવાન તેમના ભક્તોનું સતત રક્ષણ કરે છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે –
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસાર સાગરત્
ભવામિ નચિરાત્યાર્થ મય્યાવેશિત ચેતસામ ।।
જેમનું મન પરોવાયેલું છે તેવા મારા ભક્તોને હું મૃત્યુમાંથી અને સંસાર સાગરમાંથી તારું છું. પ્રભુના માર્ગનું અનુસરણ કરનારને તો ભવસાગર બહુ ઊંડો નથી.
ભગવાન વિષ્ણુ શેષશાયી છે. શેષ એટલે બાકી વધેલો. ભગવાન કિરૂપ છે ? આ પ્રશ્ન આવતાં જ વેદોએ કહ્યું કે, ‘અત્યતિષ્ઠત્ દશાંગુલમ્’ સમગ્ર જ્ઞાન-અજ્ઞાત વિશ્વને આવરી લીધા પછી પણ તે દશ આંગળ શેષ રહે છે. અર્થાત્ તેમનો આકાર કલ્પવો પણ મુશ્કેલ છે. વળી ભગવાનનાં શેષશયન પાછળ એક ભાવ એ છે કે, શેષનાગ પોતાની હજાર ફેણથી વિષવર્ષા કરતો હોવા છતાં ભગવાન તેના પર શાંતિથી સૂતા છે. ‘શાંતાકારં ભુજગશયનં’ ભગવાન આખા વિશ્વનું કા-પાણ કરવાનો સદૈવ પ્રયત્ન કરે છે.
ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીકાંત છે. લક્ષ્મીજી તેમનાં ચરણોની સેવા કરતાં બેઠેલાં છે. ભગવાનની આજ્ઞામાં રહેનારાં લક્ષ્મીજી જ્યાં ભગવદ્ કૃપાની વર્ષા થતી હોય ત્યાં જ વસે છે. લક્ષ્મીજી કેવળ પુરુષાર્થ, બુદ્ધિ કે સાહસથી પ્રાપ્ત થતાં નથી. લક્ષ્મીકૃપા મેળવવા ઇશકૃપા હોવી જ જોઇએ.•

You might also like