ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે સ્વામી! તમે કાવ્યો રચો…

ભગવાન શ્રી સ્વામિનારાયણે નિષ્કુળાનંદને આજ્ઞા કરી, “સ્વામી તમે હવે કાવ્યો રચો.”
સ્વામી કહે, “મહારાજ ! અમે તો પૂર્વાશ્રમમાં જ્ઞાતિએ સુથાર. મજાકમાં લોકો અમને ‘સાજાફાડ’ કહે. મેં કાળા અક્ષરને કુહાડે માર્યા છે. મને કાવ્ય કેમ આવડે ?”
મહારાજે સ્વામીના માથા ઉપર હાથ મેલીને કહ્યું, “સ્વામી ! જાવ આજથી તમને કાવ્ય સ્ફૂરશે. તમે લીટો કરશો એ અક્ષરો થશે અને બોલશો તે કવિતા થશે.”
અડ્યો હાથ માથે અજબ જાદુગરનો, ખૂલી બંદ બારી ખૂલ્યાં બંધ દ્વારો…
હટ્યા સર્વ પરદા ક્ષિતિજોના સાહિલ, ગજબ કો નજરો નિહાળું છુ યારો…
મહાન જાદુગરનો હાથ અડે અને અજાયબ સૃષ્ટિનું સર્જન થાય, તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના કામણગારા હસ્તસ્પર્શે લાકડાં ઘડનારા સુથારમાંથી શ્રેષ્ઠ કવિનો પ્રાદુર્ભાવ થયો.
આર્શ્ચય ગણો તો આશ્ચર્ય, ચમત્કાર ગણો તો ચમત્કાર; મહારાજના આશીર્વાદથી પાતાળમાં અમૃતનો ઝરો ફૂટે તેમ સ્વામીના અંતરમાંથી કાવ્યોની સરિતા ફૂટી.
એકતાલીસ વર્ષ સુધી જેણે લાકડાંની કોતરણી કરી, એ હવે શબ્દોની કોતરણીથી અદ્દભુત કાવ્યોની રચના કરવા લાગ્યા.

સ્વામીએ સર્વ પ્રથમ યમદંડ નામનો ગ્રંથ લખ્યો. ત્યારબાદ બીજા કેટલાય નાના મોટા ગ્રંથોની રચના કરી.
આ અભણ છતાં અનુભવી સંતે આશરે બે હજાર પદો ઉપરાંત ર૩ જેટલા ગ્રંથો રચ્યા છે. જેમાં ભક્ત ચિંતામણિ શિરમોર છે.
રામાયણમાં જેમ રામ ચરિત્રો છે, એ જ રીતે ભક્ત ચિંતામણિ ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર ગ્રંથ છે. આ ગ્રંથનો પાકટ ભક્તોના મનોરથ પૂર્ણ કરનારો હોવાથી એનું ‘ભક્ત ચિંતામણિ’ નામ સાર્થક છે. સ્વામીએ રચેલા વીસ ગ્રંથોનું એક સાથે દળદાર પુસ્તકમાં પ્રકાશન થયેલ છે. જે ‘નિષ્કુળાનંદ કાવ્ય’ અથવા તો ‘વીસ ગ્રન્થ’ નામે પ્રસિદ્ધ છે. સંપ્રદાયના મંદિરોમાં નિષ્કુળાનંદ કાવ્યની નિયમિત કથાઓ
થાય છે.
બુદ્ધિપ્રકાશમાં કવિશ્રી દલપતરામ નોંધે છે, ‘આ કવિને ચોમાસામાં રોજ ચાર નવાં પદોની રચના કરવી, પછી જ અનાજ જમવું એવો નિયમ હતો.
સ્વામીએ રચેલું ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના’ પદ તો જગપ્રસિદ્ધ છે. •
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી
એસ.જી.વી.પી, ગુરુકુળ, છારોડી

You might also like