મારાથી આ તે કેવું ખોટું અનુમાન થઈ ગયું

રામાયણનો એક પ્રસંગ આવે છે. રામ અને રાવણનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિભીષણ રાવણને છોડીને રામની છાવણીમાં આવી ગયા છે. હનુમાન રામ વતી રાવણનાં સૈન્યનો કચ્ચરઘાણ કાઢી રહ્યા છે. પણ બન્યું એવું કે છેલ્લા કેટલાક દિવસોથી હનુમાન રામજીથી દુઃખી છે. હનુમાનને રામનાં વર્તનથી સંતોષ નથી. રામની ચકોર નજરથી આ છાનું ન રહ્યું અને એમણે હનુમાનને સામે ચાલીને બોલાવીને પૂછ્યું, ‘હનુમાન! એક પ્રશ્નનો જવાબ આપશો?’
‘પૂછો.’
‘મારાથી નારાજ છો?’
‘હા.’
‘કારણ?’
‘મને પૂછો છો?’
‘તો કોને પૂછું છું?’
‘આપ આપના અંતઃકરણને જ પૂછો.’
‘મને તો કાંઈ ખ્યાલ નથી આવતો.’ ‘જુઓ, છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું કે જ્યારે જ્યારે પણ હું આપને મળવા આપની પાસે આવું છું ત્યારે આપ શાંતિથી સૂઈ ગયા હો છો. અરે, ક્યારેક તો બપોરના બાર વાગે આપની પાસે આવું છું. ત્યારે આપ જાગતા બેઠા હો તોય સૂઈ જાઓ છો.’
‘જ્યારે પેલા વિભીષણ આપની પાસે જ્યારે જ્યારે પણ મળવા આવે ત્યારે આપ સૂતા હો તોય બેઠા થઈ જાઓ છો. અરે, રાતે બાર વાગે એ આપની પાસે આવે છે તો પણ આપ એમની સાથે વાર્તાલાપ કરવા બેસી જાવ છો. હું આપનો ભક્ત અને છતાં મારી સાથે આપનો આવો અતડો વ્યવહાર અને પેલા વિભીષણ, રાવણના ભાઈ અને છતાં એમની સાથે આપનો આવો મીઠો વ્યવહાર!’ આટલું બોલતાં બોલતાં હનુમાનજી રડી પડ્યા. ‘હનુમાન! તમે જે જોયું છે એ સાચું છે પણ તમે જે અનુમાન કર્યું છે એ ખોટું છે.’
‘શી રીતે?’ ‘તમે તો મારા પરમ ભક્ત છો એટલે મને તમારો તો ડર હોય જ શેનો?’ જ્યારે વિભીષણ ભલે આજે આપણા પક્ષમાં આવી ગયા છે પણ આખરે એ છે તો દુશ્મનના જ ભાઈને? મારે એમનીથી સાવધ રહેવું જ પડે.’ ‘તમે મને મળવા આવ્યા છો અને હું સૂઈ ગયો છું કારણ કે તમારાથી હું નિશ્ચિંત છું. વિભીષણ મારી પાસે આવે ત્યારે હું જાગતો હોઉં છું કારણ કે એમનાથી હું ચિંતિત છું. બોલો, પૂછવું છે હવે તમારે મને કાંઈ.’ રામજીનો આ
ખુલાસો સાંભળીને હનુમાનજી તો સ્તબ્ધ થઈ ગયા. ‘ઓહ! હું કેવું ગલત અનુમાન કરી બેઠો!’ આમ, ભગવાન અને મોટો પુરુષની ક્રિયા આપણે આપણી બુદ્ધિએ સમજી શકતા નથી એટલે અવગુણ લઈ લઈએ છીએ. માટે એમની સમીપે તો જેટલી બુદ્ધિ ઓછી વાપરીએ એટલા ઓછા તેમનામાં
અવગુણ દેખાય. •કુમકુમ મંદિર, મણિનગર

You might also like