દુઃખ આપવું હોય તેટલું આપજો, પણ કસર ટાળજો

એક વાર શ્રીજી મહારાજ વડતાલમાં પોતાને ઉતારે થાળ જમતા હતા અને મૂળજી બ્રહ્મચારી પીરસતા હતા અને મહારાજ જમતાં જમતાં વારંવાર જળપાન કરતા જાય અને ધીરે ધીરે જમતા જાય અને બ્રહ્મચારી આગ્રહ કરીને પીરસતા જાય એમ જમી ચળુ કરીને મહારાજે મુખવાસ લીધો.
પછી બ્રહ્મચારીએ વાત કરી કે આજે સવારે હું નિત્યાનંદ સ્વામીને બંગલે દર્શન કરવા ગયો હતો. ત્યારે એક હિંદુસ્તાની સાધુ બહુ માંદા હતા. તેને જોઇને નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુને બહુ જ આકરો તાવ આવ્યો છે એ માટે મહારાજને કહેજો કે દર્શન દેવા પધારે. ત્યારે મહારાજ કહે કે અમને વહેલા કેમ કહ્યું નહીં?
ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ, એ તો હું ભૂલી ગયો. પછી મહારાજે કહ્યું કે ચાલો જઇએ. એમ કહીને ચાખડીયે ચડી બ્રહ્મચારીનું કાંડું પકડીને ગયા અને ચાખડીઓ ઉતારીને મહારાજે પોતાનો જમણો પગ પેલા માંદા સાધુની છાતી ઉપર મૂક્યો ત્યારે તેને તાવ બહુ આકરો આવેલો હોવાથી મહારાજના પગનું તળિયું તપવા માંડ્યું તેથી મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે આમને તો બહુ આકરો તાવ
આવ્યો છે.
તે સાંભળીને માંદા સાધુ પોતે બોલ્યા કે અરે ગુરુ સાહેબ, જેટલું દુઃખ દેવું હોય તેટલું આ અવતારમાં દેજો પણ બીજો જન્મ ધરાવતા નહીં.
આ વખતે જેટલું દુઃખ આપવું હોય તેટલું આપીને સર્વે કસર ટાળી નાખજો. આવાં તેમનાં બળનાં વચન સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને બોલ્યા કે એમને પ્રારબ્ધ પ્રમાણે સાત દિવસની પીડા ભોગવવાની હતી, પણ હવે બે દિવસ ભોગવીને પરમ દિવસે અમારા અક્ષરધામમાં જશે. એમ કહીને મહારાજે તેમના માથા ઉપર બંને હાથ મૂક્યા અને રાજી થઇ બોલ્યા કે સાધુ ખરા ધીરજવાળા છે. પછી મહારાજ બંગલે પોઢવા પધાર્યા અને મહારાજના કહેવા પ્રમાણે તે સાધુ ત્રીજે દિવસે દેહ મૂકીને ધામમાં ગયા.
આમ, ભગવાન આપણને મંદવાડ આપે તે પણ આવી રીતે આપણી કસર ટાળવા માટે જ આપે છે, પરંતુ આપણે જો ધીરજ ન રાખીએ અને મહારાજ આગળ અને મોટાની આગળ પરાણે આપણું ધાર્યું કરાવીને મંદવાડ ઓછો કરાવીએ તો કસર રહી જાય તો ફેર પાછું આવવું પડે.•
કુમકુમ મંદિર-મણિનગર
http://sambhaavnews.com/

You might also like