શું બ્રહ્મતેજ સુકાઇ ગયું છે!

ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમહંસ મંડળમાં ગોપાળાનંદ સ્વામી જવા જ બીજા સમર્થ સંત હતા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી.
ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ હાલારના ભાદરા ગામે થયો હતો. તેઓનું નાનપણનું નામ મૂળજી હતું. તેઓ બાળપણથી રામાનંદ
સ્વામીના કૃપાપાત્ર હતા. તેમને જન્મજાત નિરાવરણ દૃષ્ટિ પ્રાપ્ત હતી, પરિણામે તેઓ ભાદરામાં બેઠા બેઠા ભગવાન શ્રી સ્વામિનારાયણનાં અખંડ દર્શન કરી શકતા હતા તેઓનું બચપણ પણ ટોરડાના ખુશાલ ભટ્ટની પેઠે જ દિવ્ય ઐશ્વર્ય પ્રતાપથી ભરપૂર હતું.
મૂળજી ઉંમરલાયક થયા ત્યારે મા સાકરબાઇ તથા સગાં સંબંધીઓએ એમને લગ્નની બેડીએ બાંધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હાથીને કમળના વેલાથી બાંધી શકાતો નથી એમ મૂળજીએ સંસારની કોઇ સાંકળો બાંધી શકે એમ નહોતી.
મૂળજી સ્વયં અનંત જીવોના માયાના બંધન કાપવા માટે અવતર્યા હતા. આવા મૂળજીને સંસારનાં બંધન પાલવે તેમ ન હતા. મૂળજીનો દેહ સંસારમાં હતો, પરંતુ મન તો મહારાજની મૂર્તિમાં જ રમતું હતું. તેઓ સંસારના કોચલાને સર્વથા ફેંકી દેવા માટે મહારાજના સંકેતની રાહ જોઇ રહ્યા હતા. એક દિવસ એમને એ સંકેત પ્રાપ્ત થઇ ગયો.
વિ.સં.૧૮૬૬ કાર્તિક સુદી પૂર્ણિમાનો દિવસ હતો. મૂળજી ભાદરામાં પોતાના ખેતરમાં શેરડીના ગાઢમાં પાણી વાળતા હતા. મૂળજીની ઉંમર પચ્ચીસ વરસની હતી. મહારાજે મૂળજીને શરેડીના વાઢમાં દર્શન દીધા. મહારાજના દિવ્ય તેજોમય રૂપનાં દર્શન કરતાં જ મૂળજી ભાવવિભોર થઇ ગયા અને હાથ જોડયાં.
મહારાજ બોલ્યા, મૂળજી! આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે? શું બ્રહ્મતેજ સુકાઇ ગયું છે? માટે ચાલી નીકળો, હવે સંસારની મુદત પૂરી થઇ છે!
મહારાજનાં વચને આ અનાદિ સિદ્ધ જાગી ગયા, પાવડો-કોદળી એક બાજુ ફેંકી દીધાં અને ખેતરથી સીધા મહારાજને મળવા ચાલી નીકળ્યા.
ઘરનો ઉંબરો આમ તો ચાર આંગળ જ ઊંચો હોય, પણ તેને કાયમ માટે ઓળંગવાનો અવસર આવે ત્યારે કરોડ જોજન ઊંચો થઇ જતો હોય છે!
તથાગત બુદ્ધ જેવા મહાપુરુષને પણ ગૃહત્યાગ કરતાં પહેલાં વારંવાર પાછા વળી વળીને રાહુલ-યશોધરાનું મુખ જોઇ આવવાનું મન થયું હતું.
મૂળજી ભક્તનું આ મહાપ્રસ્થાન અંતરમાં પ્રજ્વલિત વૈરાગ્ય અને પ્રભુ-આજ્ઞાનું યથાર્થ મૂલ્યનું દ્યોતક હતું. અહીં બુદ્ધની જેમ પાછ ફરી ફરીને સામે જોવાની વાત જ નહોતી. સાપ જેવા કાંચળી ઊતારે એમ મૂળજીએ મહારાજનાં વચને સંસારની કાંચળી ઉતારી નાખી હતી. ‘તેજીને ટકોર બસ’એ ન્યાયે મૂળજી સર્વસ્વ છોડીને ચાલી નીકળ્યા અને સીધા ગઢપુર મહારાજ પો પહોંચ્યા.
આ દરમિયાન મૂળજીના ભાઇ સંુદરજી અને એક બ્રાહ્મણ મૂળજીને શોધતા શોધતા ગઢપુર આવ્યા. એમણે મહારાજને ખૂબ જ આગ્રહ કર્યો કે, ‘મહારાજ! મૂળજીને તમે ગમે તેમ કરીને ઘરે મોકલો.’
મહારાજ મૂળજીના વૈરાગ્યની કસોટી કરવા માગતા હતા, એટલે એમણે મૂળજીને ઘરે પાછા જવા આજ્ઞા કરી.
મૂળજીની ઇચ્છા ન હતી, છતાં મહારાજની આજ્ઞા થઇ એટલે એમને ભાદરા જવું પડ્યું, પરંતુ હવે પરિવારના બંધન મૂળજીને રોકી શકે એમ નહોતા. મૂળજી ઘરેથી પાછા નીકળી ગયા.
સ્વામી માધવપ્રિયદાસ શાસ્ત્રી છારોડી
http://sambhaavnews.com/

You might also like