માનસી પૂજા અને સંકલ્પ સિદ્ધિ

પર્વતભાઇના અનેક પ્રેરક અને દિવ્ય જીવન પ્રસંગો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાંચ વખત માનસિક પૂજા કરવામાં આવે છે. પર્વતભાઇ નિયમિતપણે પાંચવાર માનસી પૂજા કરતા. માનસી પૂજાનો અર્થ છે, માનસભાવે કલ્પેલી સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી. ગહન ધ્યાનની યાત્રાનો આરંભ માનસિક પૂજાથી થાય છે.
એક સમયની વાત છે. પર્વતભાઇ અને એનો સાથી ખેતરમાં સાંતી હાંકી રહ્યા હતા. બપોરનો સમય થયો હતો, વધારે પડતું કામકાજ હોવાથી પર્વતભાઇને બપોરની માનસિક પૂજા કરવાનો સમય મળ્યો નહોતો, તેથી તેઓ સાંતી હાંકતા હાંકતા એકાગ્ર ચિત્તથી માનસી પૂજા કરવા લાગ્યા.
એક બાજુ સાંતી ચાલી રહ્યું હતું. બીજી બાજુ બળદની રાસ પકડી પાછળ ચાલતા ચાલતા પર્વતભાઇ માનસી પૂજા કરી રહ્યા હતા. પર્વતભાઇની આંખો મીંચાયેલી હતી, દેહ દેહના કામમાં પરોવાયેલો હતો અને મન માનસી પૂજામાં મગ્ન હતું. સામાન્ય માનવીના મગજમાં ઊતરે નહીં એવી આ નવાઇ ભરેલી વાત હતી.
સાથીને થયું, ‘પર્વતભાઇ ઝોલાં ખાય છે, એમને વાગી જશે.’ પર્વતભાઇને સાવધાન કરવા માટે એણે ધીરે રહીને પાછળથી પરોણી અડાડી. અચાનક પરોણીનો સ્પર્શ થયો એટલે માનસી પૂજામાં વિક્ષેપ થયો, વૃત્તિની એકાગ્રતા તૂટી, આંખો ઊઘડી ગઇ.
બરાબર આ સમયે પર્વતભાઇ માનસિક પૂજામાં મહારાજને બાજરાનો રોટલો અને દહીં જમાડી રહ્યા હતા. વૃત્તિ તૂટવાથી દહીં ને રોટલો નીચે પડ્યા !
સાથી તો આશ્ચર્ય જોઇ રહ્યો. એને થયું કે, ‘આ બાજરાનો રોટલો અને દહીં અચાનક ક્યાંથી આવ્યા?’
પર્વતભાઇએ મીઠો ઠપકો આપતાં કહ્યું, “માળા ! તે મારી માનસિક પૂજાનો ભંગ કરાવ્યો !”
સાથીના મગજમાં આ બધું બેસે એવું નહોતું. સામાન્ય રીતે આજના યુગમાં આ બધી વાત તરંગી કે કલ્પિત લાગે, પરંતુ જે મનની શક્તિઓને જાણે છે તેમને માટે આ વાત હકીકત છે.
આજનું મનોવિજ્ઞાન મનની અમાપ શક્તિઓનું વર્ણન કરે છે. યોગશાસ્ત્રમાં પણ ‘સંકલ્પ સિદ્ધિ’નું વર્ણન મળે છે. જીવ પ્રાણીમાત્ર મનના ગુુલામ છે. પર્વતભાઇના મનના માલિક હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી પર્વતભાઇને આવી સંક‌લ્પ સિદ્ધિ સહેજે પ્રાપ્ત થઇ હતી. •
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એસજીવીપી, ગુરુકુળ. છારોડી

You might also like