સ્વામીને પણ રસોઈનો સ્વાદ છે

સદ્. શ્ર‌ી ગુણાતીતાનંદ સ્વામી પાસે ઘણાક સંતો હતા. તેમાં ૯૦ સંતોને ત્યાગ વૈરાગ્યના બહુ જ ખખા હતો. તેઓ રસોઇ કરીને જમવા તેમાં ખોટી થવું પડે અને વળી સ્વાદિયા થઇ જવાય તેમ માની પોતાના મનના મતે લોટને પાણીમાં ઓગાળીને તે પીને રહેતા. તેથી તેઓ સત્સંગમાં ‘લોટિયા’ એવા ઉપનામથી ઓળખાતા. સદ્. શ્ર‌ી ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોના આગ્રહથી તેમના મથોરથ પૂર્ણ કરવા કાંઇ વસ્તુ અંગીકારક કરે તેમાં પણ તે લોટિયાઓ શંકાઓ કરતા.
એક વખત સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોના આગ્રહથી અથાણાં માટે વાડીમાં ચીભડાં લેવા ગયા. ત્યાં સ્વામી ચીભડાં ચાખી અને કહે જે, ‘આ ચીભડાં બહુ જ સારાં છે.’ તે વખતે તે લોટિયામાંના પણ કેટલાક સાથે હતા. તેઓએ સ્વામીશ્રીમાં દોષ પરઠ્યો જે સ્વામીને પણ સ્વાદ છે ખરો. ત્યારબાદ તે બધા લોટિયા ધીમે ધીમે અહંભાવથી સ્વામીનો અવગુણ લઇ સત્સંગમાંથી નીકળી ગયા.
મુક્ત કહે મતિ મંદ નર,
સંત કે અવગુન ગાતઃ
જયું કૌઆ કાશી ગયો,
તદપિ મછલી ખાત.
સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી કહે છે કે, કાગડો કાશીમાં રહે તો પણ તે તેવો ને તેવો જ રહે. તેનો માછલી ખાવાનો સ્વભાવ ના જાય. તેમ કેટલાય સત્સંગમાં રહ્યા હોય પણ મોટાના અવગુણ લીધા વિના રહી શકે નહીં. મોટા પુરુષ જે સદ્.શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ આવ્યો કે તે તો સ્વાદિયા છે. તો ગમે તેવા તે વૈરાગ્યવાળા અને નિઃસ્વાદી લોટ પીને રહેનારા હતા તોપણ સત્સંગમાંથી પડી ગયા.
શ્રીજીમહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના પ૮મા વચનામૃતમાં કહે છે કે, મોટા પુરુષને વિષે જેવા ભાવ પરઠે તેવો તે થાય છે. જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશે કામી થાય અને મોટાને વિશે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય ને જો મોટા પુરુષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઇ જાય.
આમ, મોટા પુરુષને વિષે કયારેય દોષ ન પરઠવો. જો પરઠીએ તો આપણા જીવનનું કલ્યાણ બગડી જાય.
શ્રી સ્વામીનારાયણ મંદિર. કુમકુમ મણિનગર
http://sambhaavnews.com/

You might also like