પાછો સ્વાદ જીતવાની વાતો કરે છે

‘સત્સંગની મા’નું બિરુદ પામનાર સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી વૃદ્ધાવસ્થામાં એક વખત બીમાર પડેલા. આ મુક્તાનંદ સ્વામીની સેવામાં અનુપાનંદ સ્વામીને મૂકેલા હતા. ખૂબ મહિમાસભર આ સંત. દિલ દઇને સેવા કરે. એક વાર મુક્તાનંદ સ્વામીને ખૂબ તાવ આવેલો. પેટમાં અન્નજળ વગેરે કંઇ રહે નહિ. આઠ આઠ દિવસથી સ્વામીએ કાંઇ ખાધું-પીધું નહીં એટલે અનુપાનંદ સ્વામીએ બાજરીના લોટના પુડલા બનાવ્યા. ભાવથી આગ્રહપૂર્વક સ્વામીને ઠાકોર જમાડવા બેસાડ્યા. માંદગીમાં પણ સ્વાદયુક્ત ભોજન ન જમાય તો સારું! એમ જાણી મુક્તમુનિ જમવાની ના પાડે છે. છતાં સંતે ભાવથી પત્તરમાં એક પૂડલો અને વધારેલી છાશ પીરસ્યાં.
સેવક સંતના આગ્રહને વશ થઇ સ્વામીએ પ્રથમ ગ્રાસ જ્યાં મૂક્યો ત્યાં જ એક સાધુએ આવીને કહ્યું કેઃ ‘એ… ય મુક્તાનંદ સ્વમી! એકલા એકલા બેસીને સારું સારું ખાવ છો? અને પાછા સ્વાદ જીતવાની વાતો તો મોટી મોટી કરો છો.’ આ શબ્દો સાંભળતાં જ સ્વામી તો થીજી ગયા. હાથમાં રહેલો કોળિયોય પડી ગયો ને મુખમાં મૂકેલો ગ્રાસ પણ બહાર નીકળી ગયો. ધીમે રહી સ્વામીએ પત્તરને આઘું ઠેલી દીધું.
આ જોઇને અનુપાનંદ સ્વામીની આંખ માંડી વરસવા.. તેમણે પીરસેલો પૂડલો જમી જવા વિનંતી કરી પણ સ્વામીએ કહ્યું કે, ‘સાધુરામ! આ સંતના હૃદયમાં રહીને સ્વામિનારાયણ બોલે છે. અને હું ક્યાં એટલો બધો માંદો છું તે મારે માટે સારું ભોજન કરવું પડે?’
‘અરે ગુરુદેવ! તમો આજ આઠ આઠ દિવસથી જરા પણ જમ્યા નથી. માટે સ્વામી! થોડુંક જમો. એ સાધુ તો અડબંગી છે. એટલે મન ફાવે તેમ બોલે.’
‘ના, ના સાધુરામ! એવું ના બોલશો, એમને માઠું લાગશે. આમાં એમનો દોષ નથી.’ જરા આપણે વિચાર તો કરીએ કે સદ્. મુક્તાનંદ સ્વામીની દયાની લાગણી કેટલી ઊંચી છે! આમનાથી બીજો મોટો દયાળુ, નિખાલસ અને નિર્માની કોણ હોઇ શકે? અબજો માયિક માતાઓની માયાળુતાને ભેગી કરો તોપણ આ મુક્તાનંદ સ્વામીની મૃદુતાભરી મીઠી માયાળુતા સાથે કોટિમાં ભાગની તોલે પણ ન આવે.
આવા મોટા સંત મુકતાનંદ સ્વામીનો પણ એ સાધુએ અવગુણ લઇને પોતાના જીવનું બગાડ્યું.•
સ્વામિનારાયણ કુમકુમ મંદિર, મણિનગર

You might also like