ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયનું ઐતિહાસિક આગમન

કારિયાણીમાં મહોત્સવ પૂર્ણ કરી મહારાજ ગઢપુર તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા. વિક્રમ સંવત ૧૮૬૧ની સાલ હતી. ફાગણ માસ હતો, શુકલ પક્ષ હતો, એકાદશીનો મંગલ દિવસ હતો.
સદ્ગુરુ રામાનંદ સ્વામીના અંતર્ધાન બાદ આશરે ત્રણ વર્ષ પછી ભગવાન શ્રી સ્વામિનારાયની ગઢપુર ખાતે ઐતિહાસિક પધરામણી થઇ રહી હતી. ભગવાન શ્ર‌ી સ્વામિનારાયણની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી.
ગઢપુરપતિ એભલ ખાચર અને એમના પરિવારનો પ્રેમ ભગવાન શ્ર‌ી સ્વામિનારાયણને અહીં ખેંચી લાવ્યો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વાગત માટે એભલ ખાચરે આખું નગર શણગાર્યું હતું. વાજતે ગાજતે મહારાજનાં સામૈયાં કર્યાં હતાં અને પોતાના દરબાર ગઢમાં પધરાવ્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યે એભલ ખાચરના સમસ્ત પરિવારની અનન્ય ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ અજોડ હતાં. ગઢપુરવાસીઓનો પ્રેમ વ્રજવાસીઓનાં પ્રેમને પણ ટક્કર મારે તેવો હતો.
એભલ ખાતરની પુત્રીઓ જીવુબા, લાડુબા વગેરે પ્રેમ, ધ્યાન અને જ્ઞાનની દૃષ્ટિએ શ્રેષ્ઠ યોગિનીઓ જેવું જીવન જીવતાં હતાં. એમણે સંસારનાં સુખો હરામ કરી, આજીવન સાંખ્યયોગના વ્રજ લીધા હતા. તેઓ નાની ઉંમરે જીવન મુક્ત દશાને પામ્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી જીવુભા અને લાડુબાને નિરાવણ દૃષ્ટિ પ્રાપ્ત થઇ હતી, પરિણામે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગમે તે પ્રદેશમાં વિચરણ કરતા હોય તો પણ આ બહેનો ગઢપુરમાં બેઠાં બેઠાં એમનાં દર્શન કરી શકતાં હતાં, એટલું જ નહીં એમના જોગમાં આવેલા અનેક બહેનોને પણ આવી ઉત્તમ દશા પ્રાપ્તિ થઇ હતી.
એભલ ખાચરના સુપુત્ર દાદા ખાચરની તો વાત સાવ અનોખી હતી. તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય સેવક હતા ભગવાન શ્રીકૃષ્ણની પાસે જેમ અર્જુન હતા, એજ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે દાદા ખાચર હતા.
દરબાર એભલ ખાચરે પોતાનાં ધન, ધરા અને ધામ ભગવાન શ્ર‌ી સ્વામિનારાયણને ચરણે ધરી દીધાં હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણે એભલ ખાચરના પરિવારજનોની ભારે કસોટીઓ પણ કરી હતી, પરંતુ આ પરિવાર એ કસોટીઓમાં સોળવેલા સુવર્ણ જેવો શુદ્ધ નીવડ્યો હતો. ગઢપુરવાસીઓના નિર્મળ પ્રેમને લીધે ભગવાન શ્રી સ્વામિનારાયણને ગઢપુર સાથે અનોખો નાતો બંધાયો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાયણે એક ધારાં સાત વર્ષ સુધી વન વિચરણ કર્યું હતું. લોજ પધાર્યા બાદ પણ એમનું વિચરણ અવિરત ચાલુ હતું.
સમસ્ત એભલ પરિવાર તથા ગઢપુરવાસીઓના પ્રેમને આધીન થઇને ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર્થભૂમિ ગઢપુરમાં કાયમી નિવાસ કરવાનું સ્વાકાર્યું હતું અને ગઢપુરને ભાગવતધર્મ પ્રવર્તનનું કેન્દ્ર બનાવ્યું હતું. ક્યાંય એક ગો દોહન માત્ર સ્થિર નહીં થયેલા ભગવાન શ્ર‌ી સ્વામિનારાયણે ગઢપુરમાં ત્રીસ-ત્રીસ વર્ષ સુધી નિવાસ કર્યો હતો. પંખી જેમ ફરી ફરીને માળે આવે, એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ દેશ દેશાંતરમાં વિચરણ કરીને પાછા ગઢપુર આવી જતા હતા.
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એસજીવીપી, ગુરુકુળ, છારોડી

You might also like