ભૂજના જમાદાર ફતેહ મહંમદ

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં કચ્છ રાજકીય રીતે ભારે અસ્થિર હતું. ભૂજના મહારાજા રાયઘણજી ભારે અત્યાચારી હતા.
ભગવાન શ્રીકૃષ્ણના વંશજ ગણાતા આ જાડેજા રાજવીએ કુસંગને લીધે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને કટ્ટર મુસલમાન બન્યા હતા એટલું જ નહિ, તેઓ લોકોને પરાણે મુસલમાન બનાવી રહ્યા હતા. ઉપરાંત પોતાના મોજશોખને પૂરા કરવા માટે તેઓ પ્રજા ઉપર આડેધડ કરવેરા ઝીંકતા હતા.
ભૂગર્ભમાં વહેતા લાવારસની પેઠે પ્રજામાં અસંતોષનો અગ્નિ ઉકળતો હતો. આવા સમયમાં કચ્છ ખાતે એક મુત્સદી રાજનેતાનો ઉદય થયો. એનું નામ હતું, ‘જમાદાર ફતેહ મહંમદ’ ફતેહ મહંમદ ભૂજના સૈન્યનો વડો હતો.
મુસલમાન હોવા છતાંય ધાર્મિક રીતે ભારે ઉદાર હતો અને સર્વ ધર્મને આદર આપતો હતો. હિંદુ ધર્મ પ્રત્યે પણ એના મનમાં તિરસ્કારની કોઇ ભાવના નહોતી. ધર્મ કરતાંય કુશળ પ્રશાસન ઉપર એની દૃષ્ટિ વિશેષ કેન્દ્રિત થયેલી હતી. પ્રજાની રંજાડ એનાથી સહન થતી ન હતી. આખરે કચ્છની પ્રજાએ અંજારના મેઘજી શેઠની આગેવાની નીચે રાયઘણજીની સામે બળવો કર્યો. જમાદાર ફતેહ મહંમદ મેઘજી શેઠને સાથ આપ્યો. કચ્છના અગ્રણી બાર ભાયાતો પણ મેઘજી શેઠની સહાયતામાં રહ્યા.
રાયઘણજીને નજરકેદ કરવામાં આવ્યા. કચ્છનું શાસન બાર ભાયાતોની સમિતિ કરવા લાગી, જેની આગેવાની ફતેહ મહંમદ જમાદારે લીધી હતી.
વર્ષો પહેલાંની સત્તરમી સદીની વાત છે. વાત યુરોપની ધરતીની છે. યુરોપનો શાસક ચાર્લ્સ પહેલો અત્યંત ક્રૂર અને પ્રજાપીડક હતો.
ચાર્લ્સના ત્રાસથી પ્રજા ત્રાસી ગઇ હતી, ત્યારે યુરોપની ધરતી ઉપર એક કુશળ અને સાહસિક રાજનેતાઓ ઉદય થયો, જેનું નામ ‘ક્રોમવેલ’ હતું. તે રાજાનો સેનાપતિ હતો.
એમણે રાજ્યનું હિત ઇચ્છનારા અગ્રણીઓને એકઠા કરી બળવો કર્યો હતો અને પ્રિન્સ ચાર્લ્સને કેદ કરી મૃત્યુદંડ દીધો હતો. રાજ્યના શાસન માટે રાજકીય કાઉન્સિલની રચના કરી હતી.
આ કુશળ પ્રશાસક ક્રોમવેલે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને એક કરી આજના કોમનવેલ્થનો પાયો નાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, જેને લીધે યુરોપમાં ભવિષ્યના ગણતંત્રના પાયા નંખાયા હતા.
ક્રોમવેલની પેઠે જ ફતેહ મહંમદ જમાદારની આગેવાની નીચે કચ્છ સંગઠિત થયું હતું, એટલે ફતેહ મહંમદ જમાદાર કચ્છનો ‘ક્રોમવેલ’ ગણાયો હતો.
રાયઘણજીની જ્યારે આણ વર્તતી હતી ત્યારે એણે પોતાના મોજશોખ પૂરા કરવા માટે માંડવી બંદરના વેપારીઓ ઉપર ત્રાસ વર્તાવવો શરૂ કર્યો હતો.
માંડવીની વેપારી આલમ અને પ્રજાએ માંડવીના શૂરવીર લુહાણા હંસરાજ ઠક્કરની આગેવાની નીચેે ભૂજ સામે બળવો પોકાર્યો હતો. કચ્છના કેટલાય ભાયાતોએ આ કાર્યમાં હંસરાજ ઠક્કરને સાથે આપ્યો હતો.
ભૂજમાં બાર ભાયાતોનું રાજ થયું પણ ભૂજ અને માંડવીનો સંઘર્ષ હજુ શમ્યો ન હતો. હંસરાજ ઠક્કર ફતેહ મહંમદ જમાદારને પોતાનો પ્રતિસ્પર્ધી માનતો હતો.
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસજીવીપી ગુરુકુળ છારોડી

You might also like