સંકલ્પ,સિદ્ધિ અને ભક્તિનું સાયુજ્યઃ શ્રાવણ

એ માલિક તેરે બંદે હમ…, હમકો ઇતની શક્તિ દેના મન વિજય કરે…, ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના…., હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ…, આવી તો કેટલીય પ્રાથના બાળપણમાં આપણે શાળામાં શીખેલા અને બોલતા હતા. પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ આપણે મોટા બની ગયા, એટલા કે ભગવાન સામે હાથ જોડી પ્રાથના કરવા જેટલો પણ સમય નીકાળી શકતા નથી. પણ આજે વાત કરવાની છે એવા લોકોની જે નિયમિત ભક્તિ કરે કે ના કરે પરંતુ શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરે છે. આજના આધુનિક યુગમાં પણ  એવા યુવાનો છે જેમની સવાર પ્રભુ સ્મરણ વિના નથી થતી.

સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રામાં પોતાની સાથે ‘ભગવદ્ ગીતા’ લઇ જાય છે. કેમ? વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનેે તો દૂર દૂર સુધી કોઇ સંબંધ નથી તો..? પણ સુનિતાને બંનેમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે. આધુનિક યુગમાં ધર્મ અને આધ્યાત્મિકતા વિશે ઘણો બદલાવ આવ્યો છે. આપણી જનરેશન નેક્સ્ટ જેમાંના કોઇક વિજ્ઞાનના માણસ છે, કોઇ ગણિતના તો કોઇ સાહિત્યના. પરંતુ ઉચ્ચ ડિગ્રી, સારો અભ્યાસ અને મોડર્ન જીવનશૈલી વચ્ચેય તેઓ ઇશ્વરની શક્તિ પર અખૂટ શ્રદ્ધા રાખે છે. એટલંુ જ નહી પણ પવિત્ર શ્રાવણ માસ હોય કે ત્રણ વર્ષે એકવાર આવતો પુરૂષોત્તમ માસ, ભાવથી ઉપવાસ કે એકટાણાં કરે છે.

ઘણા યુવાનો એવા પણ છે જે આખો મહિનો ઉપવાસ નથી રાખી શકતા માટે તેઓ વિશેષ નિયમ રાખે છે. સામાન્ય રીતે શ્રાવણ માસની શરૂઆત થતા જ ભાવિકોની  ભીડ ભોળાનાથના મંદિરમાં જોવા મળે છે. ઘણા બિલીપત્રો લઇને તો ઘણા હાથમાં દૂધનો લોટો લઇ લાંબી લાઇનોમાં ઉભા રહીને પણ શંકર ભગવાનના દર્શન કરવાની અભિલાષા રાખે છે. આ માસમાં મોટા ભાગે દરેક વ્યક્તિ ભગવાન શિવશંભુને રિઝવવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે બધા દેવોમાં મહાદેવ ભોળા છે અને તેમની કૃપા મેળવવા ભક્તોએ ઝાઝું કષ્ટ નથી કરવું પડતું માટે જ તેમને ભોળાનાથ કહેવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે. તો આ મહિનામાં રાખવામાં આવતા નિયમો પણ વિશેષ હોય છે.

જેના ઇષ્ટ દેવ શ્રીકૃષ્ણ ભગવાન છે પરંતુ જેને ભોળાનાથમાં અખૂટ શ્રદ્ધા છે તેવી એલ.એલ.બી કરતી  સ્મિતા પટેલ કહે છે કે,”મારા દરેક પ્રશ્નનો હલ પ્રભુ શિવ પાસે છે. મારા ઘરની નજીકમાં જ શિવજીનું મંદિર છે માટે મારો નિત્યક્રમ પ્રભુ શિવની આરાધનાથી જ શરૂ થાય છે. બાળપણથી જ મમ્મી કહેતા કે જેમ શરીરનો ખોરાક અનાજ છે, તેમ આત્માનો ખોરાક પ્રાર્થના છે. આત્મા હંમેશા અમર છે માટે હંમેશા પ્રાર્થના કરવી. મારંુ દરેક કાર્ય ઓમ નમઃ શિવાયથીજ શરૂ થાય છે અને શ્રાવણ માસની તો હું આતુરતાથી રાહ જોેતી હોઉં છું કારણ કે આ એ મહિનો છે જે મને પ્રભુ શિવની વધારે નજીક લઇ જાય છે. આ પૂરો મહિનો હું એકટાણાં કરું છું સાથે જ વિશેષ નિયમ પણ લઉં છુ. આખા માસ દરમિયાન શિવજીના મંદિરની સાફસફાઇનું કાર્ય હું જ કરું છું. આમ શ્રાવણ માસ મારા માટે વિશેષ બની જાય છે.”

હિરેન રાવ જે સેલ્ફ એમ્પલોયી છે તે કહે છે કે, “જયારથી હું સમજણો થયો ત્યારથી મારા માતા-પિતા અને પરિવારને પૂજા-પાઠ અને સેવા કરતા જોયા છે માટે મને બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા છે. મારા પરિવારે મને ક્યારેય કહ્યું નથી કે તું મંદિર જા કે પૂજા-પાઠ કર પરંતુ તેમને જોઇને હું બાળપણથી જ પૂજા કરંુ છું મારા ભગવાન સ્વામિનારાયણ છે અને ગુરૂ પ્રમુખસ્વામી મહારાજ, માટે મારી શિક્ષાપત્રીના નિયમને અનુસરીને જ હું ચાલું છું તેમાં લખ્યું છે કે દેવ દેવાલય અને શિવાલયમાં નમન કરવું. હું પણ શિવાલયમાં જઉં છું અને શ્રદ્ધાથી પ્રભુ શંકરની ભક્તિ કરંુ છું. ખાસ કરીને શ્રાવણ માસમાં ઉપવાસ રાખું છુંં. બને ત્યાં સુધી તે દિવસોમાં હાથમાં  રૂદ્રાક્ષનું બ્રેસલેટ પહેરૃં છું તેનાથી મારંુ મન પ્રફુલ્લિત રહેે છે. હું દરેક વ્યક્તિને કહું છું કે રોજ મંદિર જઉં જ જોઇએ અને આવા પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરી પ્રભુની ભક્તિ કરવી જોઇએ.”

કૌશલ દીક્ષિત કહે છે કે, “હું કામકાજના કારણે પૂરો શ્રાવણ માસ તો નથી કરી શકતો પરંતુ શ્રાવણ માસના સોમવાર તો હું કોઇ પણ સંજોગોમાં કરંુ જ છું. મને ટ્રાવેલિંગ કરવાનો શોખ છે માટે અવાર નવાર બહાર જવાનું થાય છે. શ્રાવણ માસ દરમિયાન પણ ઘણીવાર એવું બને છે કે મારે બહાર જવાનું થાય પરંતુ ગમે તે પરિસ્થિતિ હોય હું સોમવાર કરવાનું નથી છોડતો ફળાહાર કરી હું શ્રદ્ધા પૂર્વક આ ઉપવાસ કરંુ છું. પ્રભુ શિવમાં દરેકને શ્રદ્ધા હોય જ પરંતુ મારે ભોળાનાથ જોડે દોસ્તી છે. હું ખુલ્લા મને તેમની સાથે દરેક વાત કરી શકુ છું અને તમે માનશો નહી પરંતુ મને મારી દરેક સમસ્યાનો હલ પણ મળી રહે છે. પ્રભુ શિવમાં જ્યારે પણ લીન થાવ ત્યારે સમગ્ર દુનિયાને ભૂલી જવાય છે. તેટલી બધી અખૂટ લાગણી તેમનામાં રહેલી છે. હા ઘણીવાર એમ થાય છે કે જો પૂરો શ્રાવણ માસ ઉપવાસ રાખી શકું તો સારું પણ કામકાજની દોડાદોડમાં એ શક્ય નથી બનતું માટે સોમવાર કરી મનને મનાવું છું.”

ચાલો તો હવે વાત કરીએ નાસ્તિકમાંથી આસ્તિક બનેલા નૈલેશ મંત્રીની. નૈલેશ કહે છે કે “બધાને ભગવાનના મંદિરે જતા અને પ્રાર્થના કરતા જોઇને મને તે અંધશ્રદ્ધા લાગતી કે આમ શું ટાયલા વેડા કરવાના રોજ-રોજ શું મંદિર જવાનું અને મંદિર જઇને કરવાનું શું? પરંતુ મારા આ બધા વિચારો બદલાયા શ્રાવણ માસમાં. જી હા, આમ તો ઘણા શ્રાવણ આવ્યા અને ગયા પણ ત્રણ વર્ષ પહેલાનો શ્રાવણ માસ મને હજુ પણ યાદ છે. તે દિવસે ઘણો વરસાદ હતો. મારા મમ્મી ખૂબ જ બીમાર હતા. અમે હૉસ્પિટલ જઇ રહ્યા હતા ત્યારે અમારો અકસ્માત થયો પરંતુ તેમાં અમારા બધાનો બચાવ થઇ ગયો. તે દિવસે કદાચ પહેલી વાર હું શિવ મંદિરે ગયો હતો. બસ પછી મને લાગ્યું કે આ તો ચમત્કાર જ છે. આપણે ઘણાને કહેતા સાંભળ્યા છે કે ‘ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો’, તો એવું પણ સાંભળ્યું છે કે ‘ઉપરવાલા જબ ભી દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’. ‘ભગવાન દાંત આપે છે તો ચાવવાનું પણ આપી જ દેશે’. આવી ઘણી વાતો ભગવાન હોવાની સાબિતી છે. બસ આ વાતોમાં જેટલો વિશ્વાસ છે તેટલો જ ભરોસો મને પણ શિવ મંદિર ગયાનો થયો. કોઇ મને ઉડતી રકાબી બતાવે તો તેને ભગવાન ના માની બેસું કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અલગ અલગ છે. ભગવાનમાં હોવી તે શ્રદ્ધા કહેવાય. બસ તે દિવસથી મને પણ ભગવાનમાં વિશ્વાસ થવા લાગ્યો હું પણ નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે હું શ્રાવણ માસમાં ધારણા-પારણા રાખું છું એટલે કે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણું.”

નિમિષા રાણાની વાત જ અલગ છે. એસ.વાયમાં અભ્યાસ કરતી નિમિષા નિયમિત રીતે શ્રાવણ માસના ઉપવાસ કરે છે. એટલું જ નહી પરંતુ રોજ સવારે મહાદેવજીને જળ ચઢાવે છે. તેના શબ્દો વર્ણવું તો .. “પ્રભુ શિવને જળ ના ચઢાવું ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી. એટલું જ નહી શક્ય હોય તો સોમવાર નિર્જળા કરવાનો પ્રયત્ન કરું છું. ભગવાનમાં તો દરેકને શ્રદ્ધા હોય છે જ. પરંતુ એવું ઘણીવાર બને છે કે શ્રદ્ધા હોવા છતાં પણ જ્યારે આપણું ધાર્યુ કામ ના થાય તો આપણે ભગવાનને જ કોશીએ છીએ. ત્યારે મારું તો એક જ સૂત્ર છે કે મન કી હો તો અચ્છા ના હો તો જ્યાદા અચ્છા. આજ સુધી એવું કોઇ કામ નથી જે ના થવાથી મેં ભગવાનને જવાબદાર માન્યા હોય. કારણ કે મારા વડીલો હંમેશા કહે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે અને આ સાંભળીને જ હું મોટી થઇ છું માટે મને તો ક્યારેય પ્રભુ પાસે કોઇ ફરિયાદ થતી જ નથી. આ ઉપરાંત મારે કોઇ પણ કાર્ય કરવું હોય અને હું મનમાં મુંઝાતી હોવ તો શિવશંભુ પાસે એક ચીઠ્ઠી મૂકુ છું અને તેમાં મારી મૂંઝવણ વિશે હા, ના,માં જવાબ માગુ છું પછી એક ચીઠ્ઠી ઉપાડી તેમાં જે જવાબ આવે તે પ્રમાણે કરું છું. સાચે જ કહું છું કે ક્યારેય શંભુદાદાએ મને નિરાશ નથી કરી. કદાચ તેનો જવાબ પહેલા મને સારો ના પણ લાગે પરંતુ પાછળથી તેની ના નો મતલબ ખબર પડી જ જાય. આમ પ્રભુ શિવ અને હું પરસ્પર વાતો કરીએ છીએ.”

શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરતા હોય તેવા લોકોની સંખ્યા ઓછી નથી. દરેક ભક્ત પોતાની ભક્તિથી પ્રભુ શિવશંભુને રિઝવવાનો પ્રયત્ન કરે છે. આધુનિક યુગમાં આજની પેઢી પણ શિવમય બની જાય છે. આઇ.આઇ.એમમાં મૅનેજમેન્ટના કલાસ એટેન્ડ કરતો વિદ્યાર્થી હોય કે આકાશમાં રોકેટ ઉડાડવાના સપના જોતી કોઇ વિજ્ઞાનની સ્ટુડન્ટ હોય, કે પછી રોજ સવારે પેપર નાખતા ફેરિયા, કે સિનિયર સિટીઝન હોય બધા એટલંુ તો જરૂર કહે જ છે કે ‘ગોડ તુસી ગ્રેટ હો’.

ભક્તિ ઉત્સવનો મહિનો શ્રાવણ
શ્રાવણ માસ એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. આ મહિનામાં અનેક તહેવારો આવે છે. ત્યારે આ મહિનો એવો પણ છે જેમાં ખાસ કરીને યુવાનો નવી  ફેશનમાં કે લુકમાં જોવા મળે છે. શ્રાવણ માસ શરૂ થાય છે ત્યારથી લઇને મોટાભાગના લોકો દાઢી અને વાળ કપાવતા નથી. પરંતુ હવે યુવાનોમાં પણ આ ટ્રેન્ડ શરૂ થયો છે. યુવાનો કૉલેજ જતા હોય તો પણ દાઢી વાળને કાપતા નથી. તો વળી ઘણા યુવાનો ઓમ લખેલા ઝભ્ભા પહેરે છે તો યુવતીઓ કુર્તા પહેરે છે. ખાસ કરીને રૂદ્રાક્ષ બધાને આ મહિનામાં પ્રિય લાગે છે જેથી તેનો ઉપયોગ ધાર્મિક આસ્થાની સાથે ફેશન માટે પણ થાય છે. યુવતીઓ હાથમાં રૂદ્રાક્ષ પહેરે છે તો યુવકો ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કરે છે. ઉપરાંત ખાસ કરીને વ્યસન કરતા લોકો આ માસમાં કોઇ પણ પ્રકારનું વ્યસન કરવાનું ટાળે છે. આમ આ માસમાં  ભક્તિની સાથે આનંદની પણ લહાણી છે.

હેતલ રાવ

You might also like