શિવલિંગ શિવજીનું પ્રતીક સ્વરૂપ મનાય છે

ભગવાન મહાદેવના કેટલાંય સ્વરૂપો છે. તેમાં લિંગ સ્વરૂપ છે તેને આપણે શિવજી કહીએ છીએ અને જે મૂર્તિ સ્વરૂપે છે તેને શંકર. ‘શિવલિંગ’ વિશે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે. આકાશ લિંગ છે, પૃથ્વિ તેની પીઠિકા છે, સર્વ દેવતાઓ તેમનું આલય છે. તેમાં સર્વોનો લય થાય છે લોપ થાય છે, તેથી જ તેને શિવલિંગ કહેવામાં આવે છે.
બ્રહ્માંડરૂપી જ્યોતિર્લિંગ અનંતકોટિ છે. લિંગનો સામાન્ય અર્થ ચિહ્ન કે લક્ષણ થાય છે. દેવચિહ્નના અર્થમાં શિવલિંગ શિવજીનું પ્રતીક સ્વરૂપ મનાય છે. બાકીનાં દેવોની પ્રતિમાને મૂર્તિ કહે છે. મૂર્તિમાન સ્વરૂપમાં દેવોનું સ્મરણ કરવામાં આવે છે, જ્યારે લિંગના આકાર કે રૂપનો ઉલ્લેખ નથી. તે ચિન્હ માત્ર છે. લિંગનાં મૂળમાં પરમ પિતા બ્રહ્મા, મધ્યમાં ત્રૈલોક્યનાથ ભગવાન વિષ્ણુ અને ઉપર પ્રણવાખ્ય મહાદેવ સ્થિત છે. વેદી મહાદેવી અને લિંગ મહાદેવ છે. આમ, એક શિવલિંગની પૂજામાં સર્વ દેવોની પૂજા થઇ જાય છે.
પરમ પિતા પરમાત્માનું નામ ‘શિવ’ છે. શિવનો અર્થ છે ‘કલ્યાણકારી’. કોઇ પણ ધર્મનો આત્મા મંદિર, મસ્જિદ, અગિયારી વગેરેમાં જાય છે તો પોતાનાં કલ્યાણ અર્થે જ. તેથી સિદ્ધ થાય છે કે ભગવાન કલ્યાણકારી જ હોઇ શકે. ભગવાન મહાદેવનું શિવનું સ્વરૂપ જ્યોતિબિંદુ છે. તે આ જ્યોતિબિંદુ સ્વરૂપ જે છે તે જ છે આ શિવલિંગ. ભગવાન તો નિરાકાર છે. તેઓ તો નામ અને રૂપથી પરે છે. પરંતુ જ્યારે ભક્તો આ રૂપનાં દર્શનની લાલસા રાખે ઇચ્છા રાખે આશા રાખે ત્યારે પરમાત્માએ પણ પોતાનાં રૂપો પ્રગટ કરવાં પડે. સ્વરૂપ વગરની કોઇ વસ્તુ કે આશા ન હોઇ શકે. ગુણને રૂપ નથી હોતું પણ ગુણીને રૂપ હોવું જરૂરી છે.
પરમાત્માને નામ, રૂપ અને ગુણથી ન્યારા કે પરે સમજવાથી ભક્તિ, જ્ઞાન અને યોગનું ખંડન થાય છે. એટલે ખુદ પરમ પિતા પરમાત્માએ પોતાનો પરિચય આપ્યો છે અને આ પરિચયને આપણે શિવલિંગ કહીએ છીએ.
ભારતમાં શિવજીનાં સૌથી મહત્વનાં અને પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત એવા બાર જ્યોતિર્લિંગ મંદિરો પણ જ્યોતિબિંદુ સ્વરૂપ મહાદેવની હાજરીનાં પરમ સૂચક છે. આ બારે બાર જ્યોતિર્લિંગોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ, હિમાલયનું કેદારેશ્વર, માળવામાં આવેલ વિશ્વેશ્વર અને ઉજ્જૈન – મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વરનું મહત્વ શિવભક્તિમાં ભક્તોમાં વિશિષ્ટ માનવામાં આવે છે.
ભગવાન મહાદેવ તો સર્વવ્યાપી છે. બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ પણ સાધના કરવા બેસે ત્યારે શિવલિંગ જેવા એક પત્થરને ત્રણ ફુટ દુર અને ત્રણ ફુટ ઊંચા સ્થાન પર રાખી તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઇઝરાયેલ તથા યહૂદીઓનાં અન્ય દેશોમાં પણ યહુદીઓ કોઇપણ સોગંદ લેતી વખતે તેમની રીતરસમ અનુસાર આવા એક પત્થરને માનપૂર્વક સ્પર્શીને જે તે સોગંધ લે છે. અનેક ધર્મોમાં મતભેદ વધવાને કારણે અન્ય દેશોમાં ભગવાન શિવના ભક્તિભાવમાં થોડી ઓટ આવી હોય એવું બની શકે પરંતુ જે સ્થળેથી શિવલિંગની પૂજાની શરૂઆત થઇ ને વિશ્વમાં પ્રસરી ગઇ એવા ભારત દેશનાં લોકોમાં આજે પણ ભગવાન ભોળાનાથ એટલા જ પૂજનીય અને અતિ પ્રિય છે.
શ્રીરામને રામેશ્વરમાં, કૃષ્ણને ગોપેશ્વરમાં અન્ય દેવતાઓને પણ તેઓ સર્વેનાં પરમ પૂજ્ય ઇશ્વર શિવને દર્શાવવા માટે શિવલિંગની પૂજા કરતા બતાવ્યા છે. એમ કહી શકાય કે સૃષ્ટિનાં સર્વ આત્માઓનાં કોઇપણ ધર્મ યા સંપ્રદાયનાં એકમાત્ર પરમ પ્રિય પરમપિતા પરમાત્મા ‘જ્યોતિબિંદુ લિંગસ્વરૂપ શિવ’ છે. મહાદેવ તો સંગીતના જન્મદાતા કહેવાય છે, સંગીતનાં ત્રણે ક્ષેત્ર એટલે કે વાદન, ગાયન અને નૃત્યમાં મહાદેવ દેવોનાં દેવ કહેવાય છે.•

You might also like