પોઠિયો શોભે છે ભગવાન શિવજીથી

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણ દેવ અયોનિજન્મા છે. બાકીનાં તમામ દેવી-દેવી માતા અિદતિનાં સંતાનો છે. અદિતિ માતા તથા માતા દિતિ બે બહેન હતી. દિતિ તથા અદિતિનાં લગ્ન કશ્યપ ઋષિ સાથે થયાં છે. દિતિનાં સંતાનો અસુર કહેવાય છે. અદિતિનાં સંતાનો દેવ કહેવાયછે. તમને પ્રશ્ન થાય કે એક જ પિતાનાં સંતાનો દેવ તથા અસુર કેમ? તેનું કારણ શાસ્ત્રો મુજબ જોઇએ તો કોઇ પણ મનુષ્ય ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ મુહૂર્ત તથા યોગ્ય સંજોગો જોઇને સ્ત્રી સંગ કરે તો તેનાં પુત્ર, પુત્રી ખૂબ ઉત્તમ નીવડે છે.
જો કોઇ મનુષ્ય રાત, દિવસ, ચોઘડિયા કે મુહૂર્ત જોયા વગર ફક્ત સંતાનની લાલસાથી સ્ત્રી સંગ પ્રાપ્ત કરે તો તેને થતાં સંતાનો બહુધા પિતા માતાને ઘણી વખત નામોશી આપે છે. જોકે આ બધાં પાછળ માતા પિતા તથા તેમને પ્રાપ્ત થતાં સંતાનો પણ પોતાનાં પૂર્વ જન્મનાં કર્મોના ફળથી જ દેહ ધારણ કરી લેણાંદેણી પૂરી કરે છે. તમે કર્મોનાં ફળથી જ દેહ ધારણ કરી લેણાંદેણી પૂરી કરે છે. તમે જોશો તો ઘણી વખત પુત્ર, પુત્રી કે પતિ, પત્ની નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. આ પાછળનું કારણ પણ પૂર્વ જન્મનાં લેણાદેણી નહીં તો બીજું શું છે!
વાત આપણે અહીં ભગવાન શિવના વાહન નંદિની કરવાની છે. સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી ચાર મુખવાળા બ્રહ્મ વિચારવા લાગ્યા. (હા તે વખતે બ્રહ્માને ચાર મુખ હતાં. જેમાંનું એક મુખ શિવના શ્રાપથી ખરી પડ્યું છે.) મેં સૃષ્ટિનું નિર્માણ તો કર્યું. પરંતુ આ બધાનું પોષણ કઇ રીતે થશે. તેથી તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે તે વિચારથી એક ગાય ઉત્પન્ન કરી. આ ગાયમાંથી અનેક ગાય ઉત્પન્ન થવા માંડી. જે ઉત્તરોત્તર સફેદ હતી. આ બધી ગાય પૃથ્વીવાસીઓનું પાલન પોષણ કરવા લાગી.
એક વખત એવું બન્યુ કે બ્રહ્માજીએ જે પહેલી ગાય બનાવી હતી તે તેનાં વાછરડાને ધવરાવતી હતી તે વખતે નવા જન્મેલાં વાછરડાંને ધાવતાં ફાવતું ન હતું તેનાં મોમાંથી ગાયને ધાવતાં ધાવતાં થોડા દૂધનું ફીણ પવન સાથે ઊડયું. તે પવન અચાનક અટકી જતાં તે ફીણ તપોમગ્ન શિવના મુખ ઉપર પડ્યું. તેના કારણે શિવજી તપોભંગ થયા. તેમનું તપ તૂટતાં તે ખૂબ ક્રોધિત થયા. તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. આ ત્રીજા નેત્રનું તેજ સૃષ્ટિમાં ફરી રહેલી સફેદ ગાયો ઉપર પડ્યું. જેનાં કારણે કોઇ ગાય લાલ તો કોઇ સફેદ કોઇ કાબરચિતરી થવા માંડી. ગાયોના રંગ બદલાવા લાગ્યા.
ગાયોની આવી સ્થિતિ જોઇ બ્રહ્માજી તથા બીજા અન્ય દેવ વિચારમાં પડી ગયા. શિવજીનો ક્રોપ કેવી રીતે શાંત કરવો? અંતે તેમણે સંયુક્ત રીતે વિચાર્યું. પછી એ નિર્ણય ઉપર આવ્યા કે શિવજીનો ક્રોધ ગાયને કારણે થયો છે. તેથી શિવજીના ક્રોધને શાંત કરવા એક હષ્ટપુષ્ટ વાછડો શિવજીને અર્પણ કરવો. આથી તેમણે એક સુંદર અંગ, ઉપાંગવાળો બલિષ્ટ વાછડો (બળદ) પસંદ કર્યો. જે શિવજીને અર્પણ કર્યો.
શિવજી તો ખૂબ ભોળા છે. તેમનો ક્રોધ તરત જ શાંત પડી ગયો. ત્યારથી શિવજીનું વાહન પોઠિયો થયો. આ પોઠિયો શિવાલયમાં પહેલાં જોવા મળે છે. જો કોઇ મનુષ્ય ગમે તેવો પાપી હોય પરંતુ તે સાચા હૃદયથી શિવજીને પોકારે તો શિવજી તેને તેનાં મૃત્યુ પછી કૈલાસમાં શિવદૂત બનાવી રાખે છે. જો કોઇ મનુષ્ય પોતાના જીવનમાં ફક્ત ત્રણ વખત રુદ્ર, રુદ્ર, રુદ્ર બોલે તો પણ તેના ઘણા પાપ શિવકૃપાથી નષ્ટ થઇ જાય છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like