ભગવાન શ્રી પરશુરામ

ભગવાન પરશુરામનું નામ સાંભળતાં જ આપણું માથું શ્રદ્ધા અને આદરથી ઝૂકી જાય છે. ભગવાન વિષ્ણુનો આ છઠ્ઠો અવતાર છે. મહિષ્મતી નગરીના હૈહયકુળના ક્ષત્રિય રાજા સહસ્ત્રાર્જુનમાં પુષ્કળ તાકાત હતી. એક વખતે તેણે લંકેશ રાવણને પકડીને કેદ કર્યો હતો. હવે રાવણને જે પકડીને કેદ કરે તે કેવો બળવાન હોય? એક વખત સહસ્ત્રાર્જુન પોતાના લશ્કર સાથે જમદગ્નિના આશ્રમમાં જઇ ચડયો. ઋષિ પાસે કામધેનુ ગાય હતી. જેથી લશ્કર સહિત રાજાનું ભવ્ય સ્વાગત ઋષિએ કામધેનુના પ્રતાપે કર્યું. ઋષિનું આ ઐશ્વર્ય જોઇ તેને ઇર્ષા આવી. તેણે જમદાગ્નિ પાસે ગાય માગી. ઋષિએ ના પાડી. તેથી રાજાએ બળજબરીથી ગાય પડાવી ચાલવા માંડ્યું. તે વખતે પરશુરામ કે જમદાગ્નિના નાના પુત્ર હતા. તે બહાર સમિધા લેવા ગયા હતા.
પરશુરામ સમિધા લઇ આવ્યા. જમદાગ્નિએ તેમને બધી વાત કરી. પરશુરામ વાત જાણી ભયંકર ગુસ્સે ભરાયા. તેમણે ધનુષ્ય, બાણ, ઢાલ, પરશુ લઇ સહસ્ત્રાર્જુનનો પીછો કર્યો. તેમણે એકલે હાથે સહસ્ત્રાર્જુનના લશ્કરનો નાશ કર્યો. સહસ્ત્રાર્જુનનેે હજાર હાથ હતા. તે પોતાના હાથ વડે પરશુરામ સાથે લડવા લાગ્યો. પરશુરામે પોતાના શસ્ત્ર પરશુથી સહસ્ત્રાર્જુનનું માથું તથા હાથ કાપી નાખ્યા. ગાય લઇ તે પાછા ફર્યા. પિતાએ તેમને કહ્યું કે, “હે પુત્ર, તેં આ ઠીક નથી કર્યું. આપણે બ્રાહ્મણ છીએ. તેં રાજાની હત્યા કરી છે તેથી તું પ્રાયશ્ચિતમાં તીર્થયાત્રા કર.”
પરશુરામેે એક વર્ષ સુધી પ્રાયશ્ચિત કરી પિતાનું વચન પાળ્યું. એક વખત પરશુરામનાં માતા રેણુકા નદીએ જળ ભરવા ગયાં તે વખતે ગંધર્વો અપ્સરાઓ સાથે નદીમાં જળક્રીડા કરી રહ્યા હતા. તે જોવામાં રેણુકા સમય ભૂલી ગયાં. આથી તેમના પુત્રોને કહ્યું, “આ પાપિણીનો નાશ કરો.” પુત્રો માન્યા નહીં. પરશુરામને પિતાએ આજ્ઞા કરી. પરશુરામે પરશુ વડે માતાની ગરદન કાપી નાખી. પિતા આ જોઇને ખુશ થઇ બોલ્યા કે, “હે પુત્ર, માગ માગ માગે તે આપું.” પરશુરામે માતાનું જીવનદાન માગ્યું. ઋષિએ પત્નીને સંજીવની મંત્રથી પાછા જીવિત કર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો પિતાનું વેર લેવા જમદગ્નિનું માથું કાપી ગયા. રેણુકાએ ર૧ વખત પોતાની છાતી કૂટી. તેથી પરશુરામ ર૧ વખત પૃથ્વી નક્ષત્રી કરી હતી. ક્ષત્રિયોનાં લોહીથી નવ ઘડા ભર્યા હતા. પિતાને જીવિત કર્યા. બધી પૃથ્વી
બ્રાહ્મણોને દાનમાં આપી મહેન્દ્ર પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા. આમ ભગવાન વિષ્ણુએ ભૃગુ વંશમાં અવતાર લઇ અનેક પાપી રાજાઓનો વધ કર્યો. પરુશરામ મહાદેવજીના પ્રિય શિષ્ય હતા.•

You might also like