શ્રી દત્તાત્રેય જયંતી

ભગવાન દત્તના નામથી કોણ અજાણ્યું હશે? કદાચ કોઇ જ નહીં. શ્રીમદ્ ભાગવતપુરાણ (૪-૧, ૧૭-રર) પ્રમાણે અત્રિ ઋષિને બ્રહ્મદેવના અંશથી ચંદ્ર (સોમ) વિષ્ણુના અંશથી યોગશાસ્ત્રમાં નિપુણ દત્ત તથા શંકરના અંશથી દુર્વાસા નામના ત્રણ પુત્ર જન્મ્યા. દત્તાત્રેયના અત્રિ અને અનસૂયાના પુત્ર તરીકેના જન્મ અંગેની કથા વિવિધ પુરાણોમાં જોવા મળે છે. બધાનો એક જ સાર છે કે ભગવાન એક મહાન સંત, યોગી, વરદાન આપનાર વરદાતા તથા વિષ્ણુના અવતાર છે. દત્ત ભગવાને વિવિધ ગ્રંથોએ અલગ અલગ નામથી ઉલ્લેખ્યા છે. જેમ કે મહાયોગી, દિગમ્બર, અવધૂત, મહાજ્ઞાન પ્રદ, સત્યાનંદ, ચિદાત્મક, સિદ્ધિસેવિત, યોગીજન પ્રિય, બાલ, ઉન્મત આનંદદાયક. આ ગુરુ દત્તાત્રેયને તો શાંડિલ્ય ઉપનિષદના (૩૩)માં વિશ્વગુરુની પદવી આપેલી છે.
સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, રક્ષક વિષ્ણુ તથા સંહારક મહેશ આ ત્રણેય અયોતિ જન્મા ત્રિદેવનું એક સ્વરૂપ તે જ ભગવાન દત્ત. અત્રિ ઋષિનાં પત્ની સતી અનસૂયાના પેટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો તેવો ઉલ્લેખ મહાભારત વાંચનારને અવશ્ય જોવા મળે છે. શાંડિલ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે, ભગવાન વિષ્ણુએ ખુશ થઇને પુત્ર માટે તપ કરતા અત્રિ ઋષિના ઘરે અનસૂયાના પેટે જન્મ્યાનું વરદાન આપ્યું. ફળ સ્વરૂપ દત્તાત્રેયનો જન્મ થયો. ગુરુ દત્તાત્રેયે પોતાની તપોભૂમિ તરીકે ગિરનારને પસંદ કરી તેથી ગિરનારના અધિષ્ઠાતા તરીકે પણ તેઓ જ છે. જો તમે ગિરનાર પર્વત ચડ્યા હશો તો ગિરનારના પાંચમા શિખર પર ભગવાન દત્તનાં પગલાં અવશ્ય જોયા હશે, પૂજ્યા હશે. આજે પણ લોકો છાતી ઠોકીને કહે છે કે, ‘જે નિર્મળ ચરિત્રની વ્યક્તિ હોય, પાપરહિત હોય, પૂર્વ જન્મનો યોગી હોય, તપોભંગ મુનિ હોય તે તથા જેનાં ધ્યેય ઊંચા હોય તેવા તપસ્વી પ્રકારના લોકોને ભગવાન દત્ત કોઇને કોઇ સ્વરૂપે ગિરનારમાં અવશ્યક જોવા મળે છે. જ્ઞાની તેમને ઓળખી જાય છે. સંસારીને તેમના અલોપ થયા પછી તેમનો અહેસાસ થાય છે. કે હમણાં ગયા તે જ ગુરુ દત્તાત્રેય હતા.”
ગિરનારની તળેટીમાં અાવેલા ગિરનાર સાધના આશ્રમમાં પુનિતાચાર્યજી નામના મહાન ઉપાસક હતા. તેમણે ગુરુ દત્તાત્રેયનો સાક્ષાત્કાર કર્યો અને ધન્યતા અનુભવી. દત્ત જયંતીના દિવસે ગિરનારના પાંચમા શિખર ગુરુ દત્તાત્રેય ઉપર ખૂબ મોટો યજ્ઞ થાય છે. જેનો હજારો લોકો લાભ લે છે. જે વ્યક્તિ ગુરુ વગરની હોય તેને ‘નગુરો’ કહે છે. પણ જે વ્યક્તિ ગુરુ દત્તાત્રેયની ઉપાસક હોય તેને ગુરુ કરવાની કોઇ જરૂર નથી. કારણ કે ગુરુ દત્તાત્રેયને વિશ્વ ગુરુ કહેવાય છે. જે સાધક કે ભક્ત તેમનો ઉપાસક છે તેમના ગુરુ દત્તાત્રેય છે.
ભારતમાં મુખ્ય દત્ત ભગવાનનાં સ્થાનોમાં કુવરપુર, નૃસિંહ વાડો, ઔદુંબર, અક્કલકોટ, કારંજા માહુર, માણેકનગર, વગેરે પવિત્ર મનાય છે. વડોદરામાં તો એકમુખી દત્તાત્રેય તથા ત્શ્રિનુપી દત્તાત્રેયનાં મંદિર છે. જેમ કે વાડી-દત્તમંદિર, સ્વામી સમર્થ સંસ્થાન ડોડિયો બજાર, તારકેશ્વર, નીલકંઠેશ્વર દત્ત મંદિર, તથા સયાજીગંજ ખાતે આવેગું ગુરુ દત્તાત્રેયનું મંદિર જોવાલાયક તથા ધન્ય થવાય તેવાં સ્થળો છે.
-શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like