હિંસામય યજ્ઞનો વિરોધ

ભગવાન શ્રી સ્વામિનારાયણ ભૂજ પર્ધાયા, એ અરસામાં ભૂજના જગજીવન મહેતાએ બહુ મોટો હિંસામય યજ્ઞ માંડ્યો હતો.
જગજીવન મહેતા રાજ્યનો આગેવાન કારભારી હતો અને માથાભારે માણસ હતો. આરબ સૈનિકોની બેરખ એની તેહનાતમાં રહેતી. શક્તિપંથીઓમાં તે અગ્રણી ગણાતો. એણે આ હિંસામય યજ્ઞનું વિશાળ પાયા પર આયોજન કર્યું હતું. ભારતભરમાંથી પોતાના જેવા જ શક્તિપંથી બ્રાહ્મણોને એકઠા કર્યા હતા.
તત્કાલીન ભારતમાં શક્તિપંથી તેમજ વામાચારીઓનો જબરો પ્રભાવ હતો. ઠેકાણે ઠેકાણે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાને નિમિત્તે પશુ પંખીઓનાં બલિદાન અપાતાં. ધાર્મિક અંધશ્રદ્ધાને લીધે નરબલિ આપવાના પણ રિવાજો હતા.
રાગ પ્રધાન ક્ષત્રિયો અને બ્રાહ્મણો પોતાનાં સારાં નરસાં મનોરથોને પૂર્ણ કરવા માટે હિંસા પ્રધાન યજ્ઞો કરતા અને કરાવતા. નવરાત્રિના દિવસોમાં માતાજી પાસે હજારો નિર્દોષ ઘેટાં બકરાંઓનાં બલિદાન અપાતાં. ધર્મના નામે માંસ ભક્ષણ અને સુરાપાન છૂટથી થતાં. જગજીવન મહેતાએ આવો જ એક હિંસામય યજ્ઞ માંડ્યો હતો. એણે ભગવાન શ્રી સ્વામિનારાયણને મહાપુરુષ જાણીને યજ્ઞમાં નિમંત્ર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ યજ્ઞમાં પધાર્યા.
ભગવાન શ્રી સ્વામિનારાયણને કોઇ જાતની હિંસા પસંદ ન હતી. એમણે પોતાના આશ્રિતોને આદેશ આપ્યો હતો કે, ‘સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે ક્યારેય મનુષ્યની હિંસા કરવી નહીં.’
‘યજ્ઞયાગાદિકને નામે પણ ક્યારેય જીવ પ્રાણીમાત્રની હિંસા ન કરવી.’
‘દેવી દેવતાઓને દારૂ તથા પશુ પંખીઓનાં બલિદાન દેવાં નહિ.’
‘જે દેવી દેવતાઓ સમક્ષ દારૂ માંસના નૈવેદ્ય થતાં હોય, એવા દેવતાઓનો પ્રસાદ પણ ન લેવો.’
તથાગત બુદ્ધ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણનાં જીવનમાં હિંસામય યજ્ઞ પ્રત્યે લગભગ એકસરખો અભિગમ જોવા મળે છે. પ્રસિદ્ધ ઇતિહાસ પ્રમાણે એકવાર મગધના મહારાજ બિંબિંસાર યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞમાં હોમવા માટે એણે સેંકડો ઘેટાં-બકરાં ‘યજ્ઞ પશુ’ તરીકે એકઠાં કર્યા હતાં.
તથાગત બુદ્ધ જ્યારે યજ્ઞમાં પધાર્યા, ત્યારે પશુઓનાં ચિત્કાર સાંભળી, એમનું હૃદય કરુણાથી દ્રવી ઊઠ્યું હતું. એમણે મહારાજ બિંબિસારને સમજાવી આવી હિંસામય યજ્ઞ પરંપરાઓ બંધ કરાવી હતી.
યોગાનુયોગ ભૂજ પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણનાં જીવનમાં પણ લગભગ આવી જ ઘટના આકાર લઇ રહી હતી.
જગજીવન મહેતાએ યજ્ઞમાં હોમવા માટે અનેક ઘેટાં-બકરાં એકઠાં કર્યાં હતાં. આ યજ્ઞ પશુઓનો ચિત્કાર કરુણાના સાગર ભગવાન શ્રી સ્વામિનારાયણથી સહન ન થયો.
એમણે વેદોની શ્રુતિઓના અનેક પ્રમાણ સાથે જગજીવન મહેતાએ સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મદોન્મત જગજીવન મહેતાએ ભગવાન શ્રી સ્વામિનારાયણની વાત માની નહિ.
ભગવાન શ્રી સ્વામિનારાયણે ધર્મજ્ઞ પુરુષોના વચનોને યાદ કર્યાં, “જ્યાં અધર્મ થતો હોય ત્યાં ડાહ્યા માણસોએ જવું નહીં; સંજોગોવશાત્ જઇ ચઢ્યા હોય, તો અધર્મને રોકવા પ્રયાસ કરવો; જો અધર્મને રોકે નહીં, મો’બતથી મૌન બેસી રહે અથવા ખુશામતથી હા એ હા કરે તો એનું પાપ એને પણ લાગે છે. જો એવું જણાય કે અહીં કોઇ માને એમ નથી તો ત્યાંથી ચાલી નીકળવું, પણ બેસી ન રહેવું.”
આમ વિચારી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પાપમય યજ્ઞ ભૂમિનો ત્યાગ કર્યો અને જતાં જતાં જગજીવન મહેતાને કહ્યું, “મહેતા ! દેવતાઓને હિંસા પ્રિય નથી.
દેવતઓને નામે તમે નિર્દોષ પશુઅોને મારીને જે પાપ કરી રહ્યા છો, તે તમારે અવશ્ય ભોગવવું પડશે.” ભગવાન શ્રી સ્વામિનારાયણે દૃઢ નિર્ધાર કર્યો
કે, ‘વૈદિક ધર્મમાં પેઠેલી આ વિકૃતિઓને દૂર
કરવી અને શુદ્ધ વૈદિક અહિંસામય યજ્ઞોનું પ્રવર્તન કરવું.’
સમય જતાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આ નિર્ધારની પૂર્તિની શરૂઆત જેતલપુરના યજ્ઞથી કરી હતી.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી
એસ.જી.વી.પી, ગુરુકુળ, છારોડી

You might also like