એક મહાન ક્રાન્તિકારી યુગપુરુષ ભગવાન શ્રીકૃષ્ણ

આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પૃથ્વીને એક અલૌકિક ઘટના એટલે વિશ્વની એક મહાન વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય. આ મહાન આત્માએ ધર્મ, ન્યાય અને નીતિ માટે જીવનભર ઝઝૂમીને વિશ્વને પ્રેરણા આપી. પાંચ પાંચ હજાર વર્ષથી માનવીનાં હૃદય ઉપર જેણે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે એવા અવતારી ભગવાન શ્રીકૃષ્ણ પોતે એવા યુગપુરુષ હતા કે જેમના ઉપર લોકોને વિશ્વાસ, પ્રેમ અને આદર છે. વિશ્વમાં આટલો પ્રેમ સંપાદન કરનાર અને લોકપ્રિય યુગપુરુષ હજુ સુધી કોઇ પ્રગટ થયા નથી. તેઓએ પોતાના સમગ્ર જીવનમાં નાનામાં નાની વ્યક્તિથી લઇને મોટા, અબાલ વૃદ્ધ કે વિદ્વાન દરેક પ્રત્યે આત્મીય સંબંધ બાંધ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અંત સમય સુધી નિઃસ્વાર્થપણે સેવા કરી, તેમાં એક જ સ્વાર્થ હતો કે સમાજમાં એક વ્યવસ્થા ઊભી કરવી. જે વ્યવસ્થા વર્ષો સુધી ચાલ્યા કરે. તેમનું જીવન સાહસ અને પરાક્રમો ભરેલું હતું. છતાં ક્યાંક સ્વાર્થ જોવા મળતો નથી. તેમનું સમગ્ર જીવન આપણને મુક્તિ આપનારું છે. તેમજ નિરાશાવાદીને આશા આપનારું છે.
ચાલો આપણે તેમના આગવા ગુણો જોઇએ.
નિર્ણયશક્તિ: મહાભારતની લડાઇ ચાલુ છે. દુર્યોધને યુધિષ્ઠિર મહારાજને થકવી દીધા છે. યુધિષ્ઠિર મહારાજ હતાશાથી રણ સંગ્રામમાંથી ભાગીને તંબુમાં સંતાઇ ગયા છે. હથિયાર તમામ ભાંગી ગયાં છે. રથ ભાંગી ગયો છે. અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ મોટાભાઇની ખબર કાઢવા જાય છે. બંનેને જોતાં એમ લાગ્યું કે બેય કર્ણને મારીને પાછા આવે છે. પણ જાણવા મળ્યું કે કર્ણ તો જીવે છે.
આ સાંભળીને યુધિષ્ઠિર મહારાજ અર્જુનને ન કહેવાનાં વચનો કહેવા લાગ્યા અને છેવટે અર્જુનના ધનુષ્યનું અપમાન કર્યું. તેથી અર્જુન ખીજાઇને મોટાભાઇને તલવારથી મારવા તૈયાર થયો, ભગવાને તેને રોક્યો ને કહ્યું કે તું તારા ભાઇનું અપમાન કર, એ મારવા બરાબર છે એમ જાણી અપમાન કરે છે, મોટા ભાઇ પણ મરવા તૈયાર થઇ જાય છે આવા કટોકટીના પ્રસંગે ભગવાન વચ્ચે પડીને સમાધાન કરાવે છે આ રીતે ભગવાનની નિર્ણય શક્તિએ બેયને બચાવી દીધા. ત્યાર પછી ભીષ્મના કહેવાથી દુર્યોધન તેની માતા પાસે પોતાને વજ્રનો બનાવી દે તે માટે જાય છે પરંતુ ભગવાન તેમાં વચ્ચે પડી તેને ફુલની માળા પહેરાવી દે છે. ને દુર્યોધનને લડાઇમાં મરવાનો માર્ગ કરી દે છે. અને છેવટે ભીમ અને દુર્યોધનના ગદા યુદ્ધમાં ભગવાને ભીમને ઇશારો કરતાં તેની જાંઘ તોડી મારી નાંખે છે. યુદ્ધના પ્રારંભ પહેલાં ભગવાન અર્જુનના પક્ષમાં ભળી જઇને તેનું રક્ષણ કરે છે.
સ્થિતપ્રજ્ઞતા: ભગવાન શ્રીકૃષ્ણની સ્થિતપ્રજ્ઞતા અદ્ભુત હતી. ભગવાને બાળપણમાં લીલા કરી, ગોપીઓ સાથે રાસલીલા કરી, પોતાની સમક્ષ કૌરવોનો સંહાર અને અંતે સમસ્ત યાદવકુળનો સંહાર એ ભગવાનની સ્થિતપ્રજ્ઞતા છે. ભગવાન એક ક્રાન્તિકારી વીર ગોકુળનું બાળક કોઇ ભૂખ્યું રહેવું ન જોઇએ એટલે તેમણે પડોશીને ત્યાં જઇ માખણ ચોરી ગરીબોને અને વાંદરાંઓને ખવરાવ્યું. તેમનો મામો કંસ ગામડામાં લોકો પાસેથી પરાણે માખણ ઉઘરાવતો. તેથી તેને મારી નાંખ્યો, માસી પૂતના પણ બાળકોને મારી નાખતી હતી તેમણે તેને પણ મારી નાખી. એ રીતે લોકોને પરેશાન કરનારને યમસદન પહોંચાડી દીધા.
દ્રઢ સંકલ્પી: રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને પાંડવો પાસે સૌથી પહેલું કામ નરાધમોના પ્રમુખ જરાસંઘનો વધ કરવાનું કરે છે. તેના બે પ્રિય મિત્રો હંસ અને ડિંભને ભગવાને ચાલાકીપૂર્વક આત્મહત્યા કરાવી દીધી. પછી જરાસંઘને મારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ભૂદેવનો વેશ ધારણ કરી પાછલે બારણેથી નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાંની સાથે દરવાજે રહેલું મોટું નગારું ભીમે એક પાટું મારીને તોડી નાંખ્યું. ત્યાં સામો જરાસંઘ મળ્યો. પૂછ્યું કોણ છો? તો ભગવાન કહે યાત્રાળુ છીએ, આ મારા બેય સાથી મિત્રો મૌની છે. રાતના બાર વાગ્યા પછી જ બોલે છે. કાંઇ પૂછવું હોય તો મને પૂછો. જરાસંઘ મહેલમાં પહોંચતાં જ કોઇએ ખબર આપ્યા કે ત્રણ જે વેશધારી બ્રાહ્મણો હતા તેમણે આપણું નગારું તોડી નાંખ્યું છે. તરત જ જરાસંઘ તેને ઉતારે ગયો ને પૂછયું કે તમો ખોટા છો શા માટે મારા નગરમાં આવ્યો છો? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તને મારી નાખવા આવ્યા છીએ એમ કહી ત્રણેયની ઓળખાણ કરાવીને ભીમ સાથે યુદ્ધ કરાવી જરાસંઘને મારી નાખ્યો. •

You might also like