કચ્છપ તથા નંદિ મહારાજ શિવજી પાસે જ કેમ?

ભગવાન શંકરનાં સ્વરૂપને સમજી લીધા બાદ તેમની સાથે સંકળાયેલ અન્ય કેટલાંક પ્રતીકો પણ સમજી લઇએ
કચ્છપ ( કાચબો) :
ભગવાન શંકરનાં મંદિરમાં દર્શન કરવા જઇએ ત્યારે ભગવાન પાસે જતાં કૂર્મ એટલે કાચબાનાં દર્શન થાય છે. શિવનાં મંદિરમાં આ ખૂબ સમજી વિચારીને મૂકેલું પ્રતીક છે.
કાચબો એ સ્થિતપ્રજ્ઞનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છેઃ
કાચબો પોતાનાં અંગોને પોતામાં સંકોચીને લઇ લે છે. તે સંયમનું પ્રતીક છે. આમ માનવને પણ ઇંદ્રિયોનો યથા સમયે નિગ્રહ કરતાં આવડતું જોઇએ. આવા ભક્ત જ ભગવાનને પામી શકે છે.
કાચબો એ ધીમી ગતિનું પ્રતીક છે. સસલા અને કાચબાની દોડવાની શરતમાં અંતે તો કાચબાની જ જીત થાય છે. કારણ કાચબો ધીમો ભલે છે. પણ તેની ગતિ એકસરખી અને વણથંભી છે. જે ભક્તની પ્રભુ પામવાની સાધનાની ગતિ આવી એકસરખી અને વણ થંભી છે તે એ કદિવસ જરૂર પ્રભુ સુધી પહોંચી શકે છે તે જ પ્રતિપાદિત કરે છે આ કૂર્મ-
કાચબો ઉપરથી કઠણ અને અંદરથી કોમળ છે. કાચબાની ઉપરની ઢાલ મજબૂત છે પણ અંદરથી કાચબો ખૂબ જ મૃદુ છે. મહાપુરુષો પણ આવા જ છે.
ઉપરથી વજ્થી પણ કઠોર અને અંદરથી ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોનું પ્રતીક છે. કૂર્મ.
ભગવાન શંકરનાં મંદિરમાં દર્શન કરતી વખતે કાચબા પાસેથી પણ પ્રેરણાદાયી સંદેશાઓ ઝીલી લઇએ!
નંદિ:
ભગવાન શંકરના પરિવારમાં તેમના વાહન નંદિનું સ્થાન આગવું છે. જે પોતાના ઉપર ભગવાનને સતત વહન કરે છે તે પૂજનીય છે અને તેથી જ ભગવાન શંકરનાં મંદિરમાં ‘પોઠિયા’નું સ્થાન છે. તેને પ્રણામ કરીને પછી જ પ્રભુ પાસે જવાનું.
નંદિ એટલે આનંદ સ્વરૂપ. ભગવાનને કેવું વાહન ગમે? જે આનંદ સ્વરૂપ હોય છે. ભગવાન શંકરની પાસે જવા અને તેમનાં વાહન થવા જીવન આનંદ સ્વરૂપ કરવું જોઇએ.
બીજું, નંદિ એટલે વૃષભ બળદ. ભગવાન શંકર બળદ ઉપર બેસે છે. આપણા આ ખેતીપ્રધાન દેશમાં બળદનું જે મહત્ત્વ સ્થાન હતું તે સ્થાન ટકી રહે તે દૃષ્ટિથી તે પ્રતીકને પ્રભુનાં વાહન તરીકે પણ કદાચ જોડી દીધું હોય. જેમ તુલસીનું આયુર્વેદની દૃષ્ટિએ મહત્વ સમજી અને તેની ઘર આંગણે જ જરૂરિયાત જાણી, તેને ભગવાન સાથે પરણાવી ‘તુલસી વિવાહ’નું આયોજન સંસ્કૃતિમાં થયું છે તેમ બળદને પણ પ્રભુનું વાહન દર્શાવી તેના પ્રત્યેના ભાવ લાગણીનું ઉદાત્તીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ત્રીજું, માનવેતર સૃષ્ટિમાં જે પશુઓ છે તે તરફ ગૌરવથી જોવાનો એક જીવનવિકાસાત્મક દૃષ્ટિકોણ ખીલવવાનો પણ સંસ્કૃતિના ઘડવૈયાઓનો પ્રયાસ છે. હંસ, મોર, ગાય, બળદ, ગુરુડ, ઉંદર વગેરે પશુ પક્ષીને દેવોની સાથે જોડી તે સૃષ્ટિ તરફ પણ આત્મીયતા અને ગૌરવની લાગણી કેળવાય તે જીવનની સમૃદ્ધિ માટે જરૂરી છે તેવું ભારતીય સંસ્કૃતિના દર્શકોનું સ્પષ્ટ દર્શન હોય તેમ જણાય છે.•

You might also like