ત્રિશૂળધારી ભગવાન શંકરનું અદ્દભૂત રહસ્ય

ભગવાન શંકરને ત્રણ આંખ છે. તેમને પૂજામાં પણ ત્રિદલ બીલીપત્ર ચડાવવાનાં હોય છે. આમ ‘ત્રણ’નો આંકડો ભગવાન શંકર સાથે એક યા બીજા સ્વરૂપે જોડાયેલો રહે છે અને તેથી જ તેમના હાથમાં ત્રિશૂળ છે. ત્રિશૂળના જુદા જુદા ઘણા અર્થ છે. આપણે તેમાંના થોડાક જોઇએ. ભગવાન શંકર જ્ઞાનરાણા છે. જ્ઞાનની પણ અવસ્થા છે. પ્રમાતા-પ્રમેય-પ્રમાણ. ત્રિશૂળ આ ત્રણ અવસ્થાનું પ્રતીક છે. શંકરના હાથમાં ત્રિશૂળ છે એનો જ અર્થ જ્ઞાનની ચરમ સીમારૂપ પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ ત્રણ ભગવાનના હાથમાં છે.
ભગવાન શંકર યોગીશ્વર છે. તેમનામાં ત્રણ તત્ત્વો સંનિહિત છે. શાંતિ, વૈરાગ્ય અને બોધ (જ્ઞાન) આ ત્રણે તત્ત્વોનું પ્રતીક ત્રિશૂળ છે. પૌરાણિક દૃષ્ટિથી આ અસ્ત્રથી જ ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.
શાંતિવૈરાગ્યબોધારવ્યૈસ્ત્રિભિરગ્રૈસ્તરસ્વિભિઃ ।
ત્રિગુણં ત્રિપુરં હન્તિ ત્રિશૂલેન ત્રિલોચનઃ ।।
શાંતિ, વૈરાગ્ય અને બોધરૂપી ત્રણ ગતિશીલ અણીઓવાળાં ત્રિશૂળ વડે ત્રિલોચન ત્રિગુણ ત્રિપુરાસુરને હણી નાખે છે.
ભગવાન શંકરના હાથનું ત્રિશૂળ કુંડલિની તત્ત્વનું પણ પરિચાયક છે. શરીરમાં ઇડા, પિંગળા સુષુમ્ણા-ત્રણ મુખ્ય નાડીઓ છે. આ ત્રણે મૂલાધાર લિંગને લપેટાયેલી છે. આ ત્રણે નાડીઓ જાગ્રત કરી યોગીશ્વર શંકરે કુંડલિનીને વશમાં કરી છે. એનું પ્રતીક પણ ત્રિશૂળ છે.
શક્તિપ્રધાન તંત્રશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ત્રણ મહત્ત્વની શક્તિઓ બતાવી છે-ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ. આ ત્રણે શક્તિઓ ભગવાન શંકરના હાથમાં છે તેવું ત્રિશૂળનું પ્રતીક દર્શાવે છે.
ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા પર વિજય પામવા માટે પણ ત્રણ બાબતોની જરૂરી છે. ગુરુપ્રમાણ, શાસ્ત્રપ્રમાણ અને સ્વતઃપ્રમાણ. આ ત્રણેનું પ્રતીક પણ ત્રિશૂળ છે.
માનવના શરીરને વ્યાધિગ્રસ્ત કરી શકવાવાળી ત્રણ બાબત છે વાત, પિત્ત અને કફ. ભગવાન શંકરે ત્રિશૂળ ધારણ કરી માનવને આ ત્રિદોષમાંથી મુક્ત કરવાનું આશ્વાસન આપ્યું છે.
ભગવાન શંકરના હાથનું ત્રિશૂળ જન્મ, મરણ અને પુનર્જન્મનાં પીડાજનક ચક્રનું પણ
દ્યોતક છે.
પુનરપિ જનનં પુનરપિ મરણં
પુનરપિ જનનીજઠરે શયનં ।
આ જન્મ, મરણ અને પુનર્જન્મનાં ચક્રની ગતિમાંથી માનવને મુક્તિ આપવા ભગવાન શંકર સક્ષમ છે તે દર્શાવવા જ ભગવાને હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે.
સંસારમાં ‘શૂળ’ એટલે કે પીડા દેનારી ત્રણ ઉપાધિ છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. એ ત્રણે ઉપાધિમાંથી મુક્ત કરાવવાની ક્ષમતા ભગવાન શંકરના ત્રિશૂળમાં છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોથી સંસારની રચના થયેલી છે. આ ત્રણે ગુણોથી પર જઇને ત્રિગુણાતીત થવાના ધ્યેયને સિદ્ધ કરવા ભગવાન શંકરનું ત્રિશૂળ જ સહાયભૂત થાય છે.
કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારનાં પાપોનો નાશ ભગવાન શંકરનું ત્રિશૂળ કરે છે. ભગવાન શંકર ત્રિકાળ જ્ઞાની છે. તેથી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ ત્રણે ભગવાન શંકરના હાથમાં છે તે ત્રિશૂળ દર્શાવે છે. આમ, ત્રિશૂળધારી ભગવાન ઉપરોક્ત જુદા જુદા અર્થોમાં સજ્જનો માટે આશ્વાસન, દુર્જનો માટે ભય અને સાધકો માટે પ્રેરણા નિર્માણ કરે છે. આવા ત્રિશૂળધારી ભગવાન શંકર તેમના ત્રિશૂળના સ્પર્શ દ્વારા આપણા મન, બુદ્ધિ અને કર્મને જાગ્રત કરે તેવી પ્રાર્થના કરીએ. •

You might also like