ભદ્ર પ્લાઝાના પાથરણાંવાળા રાત પડે કે પોતાનો સામાન લઈને ઘરે જાય!

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ પાછળ મ્યુનિ. તંત્ર દ્વારા રૂ.૩૯ કરોડ ખર્ચાયા બાદ પણ નગરદેવી ભદ્રકાળી માતાનું ગૌરવ જાળવી શકાયું નથી. છેક માના ચોકમાં પ્રસાદ વિતરણના સ્ટોલ લાગ્યા છે. પુરાતત્ત્વ વિભાગની ઓફિસનો દરવાજો પણ પાથરણાંવાળાના દબાણથી શોધ્યે જડતો નથી. ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ દરમિયાનના ૭૦૦ પાથરણાંવાળા કરતાં અત્યારે તંત્રની બલિહારીથી ત્રણ ગણા પાથરણાંવાળા થયા છે. આવા સંજોગોમાં મ્યુનિ. કમિશનરે ભદ્ર પ્લાઝાના પાથરણાંવાળા રાત પડે કે પોતાનો સામાન લઇને ઘરે જાય તેવો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

યુનેસ્કોમાં અમદાવાદે દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની માન્યતા મેળવવાનો દાવો કર્યો છે. આ દાવાની ચકાસણી કરવા યુનેસ્કોની છ સભ્યોની ટીમ આવતી કાલે અમદાવાદ આવી રહી હોઇ મ્યુનિ. કમિશનરે ભદ્ર પ્લાઝાના પાથરણાંવાળાના સંદર્ભમાં આ પ્રકારનો આદેશ કરતાં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગને પરસેવો છૂટી વળ્યો છે, કેમ કે આજની સ્થિતિમાં ભદ્ર પ્લાઝા પરિસરમાં રર૦૦ પાથરણાંવાળા છે.

બીજી તરફ યુનેસ્કોની ટીમ લો પ્રોફાઇલ રીતે પોતાનું કામ કરશે. એક પ્રકારે કોટ વિસ્તારના હેરિટેજ મકાનો, હવેલીઓ, ચબૂતરા સહિતના અૈતિહાસિક સ્થાપત્યોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાની હોઇ મ્યુનિ. તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સેપ્ટ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ડોઝિયરને ત્રણ મહિના અગાઉ યુનેસ્કોમાં સુપરત કરાયું છે અને આ ડોઝિયરનો યુનેસ્કોની ટીમ અભ્યાસ કરીને શહેરની મુલાકાતે આવનાર હોઇ ટીમ કોઇ પણ જાતના ઢોલનગારા વગાડ્યા વગર સ્વયંભૂ રીતે અમદાવાદની ઐતિહાસિકતાની તપાસ કરશે, જેના કારણે પણ કોર્પોરેશનમાં દોડધામ મચી છે.

મ્યુનિ. સત્તાવાળાઓએ કોટ વિસ્તારના રાજાનો હજીરો, રાણીનો હજીરો જેવા ઐતિહાસિક સ્થાપત્યોની આસપાસના દબાણોને હટાવવા કે તેને સ્વચ્છ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવા ઐતિહાસિક સ્થાપત્યોની અંદરના દબાણો જૈસે થે છે. કેટલાક સ્થાપત્યોમાં તો આજની તારીખમાં પણ કેટલાક કુટુંબો વસવાટ કરી રહ્યાં છે. પુરાતત્ત્વ વિભાગ પણ અંદરના દબાણોને દૂર કરાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. આને જોતાં યુનેસ્કોની ટીમની સરપ્રાઇઝ વિઝીટ વખતે કોર્પોરેશનનો ફજેતો થઇ શકે છે. પરિણામે ટોચના અધિકારીઓના કપાળમાં પણ ચિંતાની રેખાઓ ઉપસી આવી છે.

You might also like