ભદ્ર પ્લાઝામાં ફાળવેલી જગ્યામાં ફેરિયાઓ બેસતા જ નથી

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાતા ભદ્ર પ્લાઝા ડેેવલપમેન્ટ પ્રોજેકટના પહેલા તબક્કા પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાયા છે તેમ છતાં ગેરકાયદે પાથરણાંવાળાના દબાણને પગલે સમગ્ર પ્રોજેકટની રંગત રફેદફે થઇ ગઇ છે, જોકે તંત્ર દ્વારા બે સામાજિક સંસ્થાઓમાં નોંધાયેલ પાથરણાંવાળાઓેને ભદ્ર પ્લાઝા પરિસરમાં જગ્યા ફાળવવાની તૈયારી દર્શાવાઇ છે. તેમ છતાં આ બંને સામાજિક સંસ્થાઅોએ કોઇ રસ ન દાખવતાં સત્તાવાળાઓ ફરીથી પત્ર પાઠવીને જે તે જગ્યાનો કબજો લેવાનો અનુરોધ કરવાના છે.

ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટની એટલી હદે રેવડી દાણાદાણ થઇ રહી છે કે સત્તાધીશોએ તેના બીજા તબક્કાની કામગીરીમાંથી પીછેહઠ કરી છે. પહેલા તબક્કાના પ્રોજેકટ બાદ પણ પાથરણાંવાળાઓ અંગેનો મામલો કોર્ટ આધીન થતાં તેમજ સર્વે કરતાં પણ ત્રણ ગણા પાથરણાંવાળા થતા અત્યારે લાલદરવાજાથી ત્રણ દરવાજા થઇને ગાંધી રોડ સડસડાટ જઇ શકાતું નથી.

બે-ત્રણ મહિના પહેલાં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે પાથરણાંવાળાના દબાણને હટાવીને સળંગ ત્રણ રાત સુધી સેવા અને સેલો સામાજિક સંસ્થાના માન્ય પાથરણાંવાળાઓ માટે ભદ્ર પરિસરમાં પટ્ટા દોર્યા હતા. ચાર ફૂટ બાય સાડા પાંચ ફૂટના પટ્ટા ધરાવતી જગ્યા જે તે પાથરણાંવાળા માટે સામાજિક સંસ્થાને ફાળવાઇ હતી. સેલોના ૪૭ર અને સેવાના ૩૭ર પાથરણાંવાળાને જગ્યા ફાળવવા સમગ્ર પરિસરમાં પટ્ટા દોરાયા બાદ કોકડું ઉકેલાયું નથી.

અત્યારે કોર્ટમાં ઉનાળુ વેકેશન ચાલતું હોઇ આગામી તા.૭ જૂને કોર્ટ ઉઘડશે તે સમયે કોર્ટમાં પોતાના પક્ષનેે રજૂ કરવા કોર્પોરેશન એક સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરશે. આ રિપોર્ટના ભાગરૂપે સત્તાવાળાઓ સેલો અને સેવા સંસ્થાને પત્ર પાઠવીને તેમને ફાળવાયેલી જગ્યાનાે કબજો લઇ લેવાનો અનુરોધ કરશે.  મધ્ય ઝોનના ટોચનાં સૂત્રો કહે છે કે આ અઠવાડિયામાં તંત્ર નવેસરથી આ સંસ્થાઓને પત્ર પાઠવશે.
http://sambhaavnews.com/

You might also like