ભદ્ર પ્લાઝાનાં દબાણો સામે મ્યુનિ. તંત્ર લાચાર

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટમાં સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ફ્રન્ટની જેમ ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા ભદ્ર પ્લાઝાને ભવ્ય રંગરૂપ આપવા બે તબક્કાનો પ્રોજેેકટ હાથ ધરાનાર હતો, પરંતુ પહેલા તબક્કાના પ્રોજેકટ હેઠળ ભદ્રકાળી મંદિરથી છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને મનોરમ્ય રૂપ આપવા મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.૩પ કરોડ ખર્ચાયા બાદ પણ પાથરણાંવાળાનું કોકડું ઉકેલાયું નથી.

માન્ય પાથરણાંવાળા માટે સમગ્ર પરિસરમાં નિશ્ચિત જગ્યા ફાળવવા પીળા રંગના પટ્ટા દોરાયા બાદ પણ તંત્ર એવી કફોડી હાલતમાં મુકાયું છે કે પટ્ટાના રંગ પણ ભુંસાઇ રહ્યા છે અને હવે દરસાદના મારથી ભુંસાયેલા પટ્ટાનો રહ્યો સહ્યો રંગ પણ ધોવાઇ જવાનો છે. આ પણ શહેરની હેરિટેજ અસ્મિતાને માટે આઘાતજનક બાબત છે. શહેરની નગરદેવીની ઓળખ ધરાવતા ભદ્રકાળી મંદિરથી છેક ઐતિહાસિક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને કરોડો રૂપિયા ખર્ચીને કોર્પોરેશને આકર્ષક તો બનાવ્યો છે, પરંતુ પાથરણાંવાળાનો મામલો ગુંચવાયો હોઇ નગરજનોને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટના પહેલા તબક્કાનો લાભ પણ મળ્યો નથી. આને કારણે ખુદ તંત્ર એટલી હદે પરેશાન થયું છે કે બીજા તબક્કાને પડતો મૂકી દેવાયો છે.

ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ સત્તાવાળાઓએ પહેલાં માન્ય પાથરણાંવાળાઓ માટે પીળા રંગના પટ્ટા દોર્યા હતા. જોકે ૪.પ૦ ફૂટ બાદ પ.૦૦ ફૂટના પીળા રંગના પૈકી ‘સેવા’ સંસ્થા માટેના પીળા રંગના પટ્ટાનો રંગ ભુંસાઇ જતાં તંત્રે ફરીથી પટ્ટા દોરી આપ્યા હતા. તેમ છતાં આજે પણ એક પણ પાથરણાંવાળા તેમના નિયત સ્થાન પર બેસતા નથી. કોર્પોરેશન માન્ય પાથરણાંવાળાઓને નિયત સ્થાન પર બેસાડવામાં નિષ્ફળ નીવડયું છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિસ્તારમાં ૧૪૦૦થી વધુ પાથરણાંવાળા છે. જેના કારણે તંત્રે ફકત ૮૪૪ પટ્ટા દોર્યા પછી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત્ રહી હોઇ એએમટીએસ બસને ગાંધી રોડ પર દોડતી કરવા જેવા શાસકોના બજેટના ઠરાવ પાેથીમાંનાં રીંગણાં પુરવાર થઇ રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like