બીવેર અોફ BRTS

અમદાવાદ: અમદાવાદીઓમાં પોતાની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે એક સમયે લોકપ્રિય બનેલી બીઆરટીએસ બસ સર્વિસ હવે ઉતારુઓમાં અળખામણી બની છે. એક સાથે છ-સાત બસ કોરિડોરમાં દોડતી જોવા મળે તેવું દૃશ્ય હવે સામાન્ય બની ગયું છે. પિક અવર્સમાં બીઆરટીએસ બસની મુસાફરી મહિલા ઉતારુઓ માટે આફતરૂપ થઇ છે તો બેફામ ગતિએ હંકારાતી બસનાં તોતિંગ પૈડાં નીચે છેલ્લાં બે વર્ષમાં તેર નાગરિકો કચડાઇ મરણને શરણ થયાં હોઇ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે તંત્રે ગંભીર થવાની જરૂર છે.

અત્યાર સુધી એએમટીએસના ડ્રાઇવર બસને મનસ્વીપણે દોડાવવા માટે શહેરીજનોમાં કુખ્યાત હતા, પરંતુ છેલ્લાં બે વર્ષથી બીઆરટીએસ કોરિડોરમાં જે પ્રકારે બીઆરટીએસ બસ દ્વારા પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઇ રહી છે તેને જોતાં હવે જાણે કે બીઆરટીએસના ડ્રાઇવર પ્રાણઘાતક અકસ્માતોના મામલે એએમટીએસના ડ્રાઇવર સામે સ્પર્ધામાં ઊતર્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

બીઆરટીએસ કોરિડોરમાં ગત વર્ષ ર૦૧પમાં કુલ આઠ પ્રાણઘાતક અકસ્માત સર્જાતાં આઠ નાગરિકોને પોતાનાં મહામોલાં જીવન ગુમાવ્યાં હતાં જ્યારે ગત વર્ષ ર૦૧૬માં પ્રાણઘાતક અકસ્માતોનો આંકડો સહેજ ઘટીને પાંચનો હતો. જોકે છેલ્લાં બે વર્ષમાં તેર માનવ જિંદગીનો ભોગ લેનાર બીઆરટીએસ બસ સર્વિસ સામે પણ અનેક પ્રશ્ન ઊઠ્યા છે. તંત્રના ચોપડે વર્ષ ર૦૧પમાં કુલ ૯ર નાના-મોટા અકસ્માત નોંધાયા હતા. જે પૈકી ૩ર નાના અકસ્માત હતા જ્યારે ગત વર્ષ ર૦૧૬માં નોંધાયેલા કુલ ૯પ નાના-મોટા અકસ્માત પૈકી ર૮ નાના અકસ્માત હતા. છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલા કુલ ૧૯૩ અકસ્માતની સંખ્યા અવગણી શકાય તેમ નથી. બીઆરટીએસ સર્વિસના ઇતિહાસમાં છેલ્લાં બે વર્ષ અકસ્માતોની દૃષ્ટિએ ઘાતક નિવડ્યો છે. અકસ્માતોના આંકડાને તપાસીએ તો બીજા અર્થમાં દર ત્રીજા દિવસે બીઆરટીએસ બસથી એક અકસ્માત થઇ રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે.

આમાં બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારાં ટુવ્હીલરચાલકો સહિતના અન્ય વાહનચાલકો પણ દોષી છે. બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનોને પ્રવેશવાની મનાઇ હોવા છતાં સમગ્ર શહેરમાં ઠેરઠેર બીઆરટીએસ કોરિડોરમાં વાહનો હંકારવાની પ્રવૃત્તિ વધતી જાય છે. અનેક સ્થળોએ ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં બિનધાસ્તપણે કોરિડોરમાં વાહન હંકારી જનારાં માથાભારે તત્ત્વો બેફામ બન્યાં છે. ટ્રાફિક પોલીસ ફક્ત નરી આંખે તમાસો જોતી હોઇ બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતની સંખ્યામાં વધારો થયો હોવાનું પહેલી નજરે જણાઇ આવે છે. બીઆરટીએસની સિક્યો‌િરટીના જવાનો પાસે આવા વાહનચાલકો સામે પેનલ્ટી વસૂલવાની કોઇ સત્તા ન હોઇ આ જવાનો જે તે જંક્શન પર ફક્ત દોરડાં પકડીને શોભાના ગાંઠ્યા સમાન બન્યા છે.

આની સાથે-સાથે તંત્રના ઓપરેશન વિભાગની કામગીરી પણ ચર્ચાના ચગડોળે ચઢી છે. બીઆરટીએસ બસ સર્વિસમાં ઓપરેશનને લગતો સ્વતંત્ર વિભાગ છે અને તેની જવાબદારી ડેપ્યુટી જનરલ મેનેજર કક્ષાના ઉચ્ચ અધિકારી સંભાળી રહ્યા છે. બીઆરટીએસ બસના વધતા જતા અકસ્માતો માટે આ વિભાગની સુસ્તી જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે આ અંગે બીઆરટીએસના ઓપરેશન વિભાગનાે હવાલો સંભાળતા ડેપ્યુટી જનરલ મેનેજર મૂકેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો છે.

http://sambhaavnews.com/

You might also like