IPLની ઝાકઝમાળ વચ્ચે ચિયર લીડર્સની દુનિયાનું વરવું સત્ય

(એજન્સી) મુંબઈ: આજે આપણે એવી કહાણી પર નજર કરીએ, જે ના તો કેન વિલિયમ્સન કે ઋષભ પંતે IPLમાં બનાવેલા રનનું વિશ્લેષણ છે કે ના તો કોઈ ખેલાડીનાં પ્રદર્શન પરની વિશેષ ટિપ્પણી છે. બલકે આ કહાણી IPLની ઝાકઝમાળની છે, જે ગ્લેમરમાં ગુમ થઈ જાય છે અને તમારા સુધી પહોંચી શકતી નથી. કહાણી એ ચિયર લીડર્સની છે, જે દર વર્ષે વિદેશથી IPLનો હિસ્સો બનવા ભારત આવે છે. તેમના અંગે વાત તો બધા કરે છે, પરંતુ ક્યારેય ચિયર લીડર્સને જાણવાની કોશિશ કરી છે ખરી? IPLમાં ચિયર લીડર્સ તરીકે કામ કરતી છોકરીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

ગત વર્ષે IPLમાં આઠ ટીમમાંથી છ ટીમની ચિયર લીડર્સ વિદેશી મૂળની હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ચિયર લીડર્સ દેશી મૂળની હતી. શું તમે જાણો છો કે IPLમાં મોટા ભાગની ચિયર લીડર્સ રશિયાથી નહીં, પરંતુ યુરોપથી આવે છે. કેટલીક ચિયર લીડર્સ જે પહેલાં ડાન્સર હતી, પરંતુ બાદમાં તેમણે ચિયર લીડર્સનું પ્રોફેશન અપનાવી લીધું. ચિયર લીડર્સનું પ્રોફેશન સ્પોર્ટ્સથી જરાય કમ નથી. ખેલાડીની જેમ જ તેણે પોતાનું શરીર લચીલું રાખવા માટે ઘણી ટ્રેનિંગ કરી પડે છે. ચિયર લીડર્સ એટલી જ મહેનત કરે છે, જેટલી મેદાન પર ખેલાડી કરતા હોય છે.

ચિયર લીડર્સની કમાણી
હવે વાત કરીએ ચિયર લીડર્સની કમાણીની. ચિયર લીડર્સ એજન્સીઓ દ્વારા અહીં આવે છે. આવી એજન્સીઓ સાથે IPL ફ્રેંચાઇઝી કરાર કરતી હોય છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ચિયર લીડર્સ લગભગ ૧૫૦૦-૨૦૦૦ પાઉન્ડ (લગભગ ૧.૮૦ લાખ રૂપિયા) દર મહિને કમાય છે. અહીં એ બતાવવું જરૂરી છે કે યુરોપિયન ચિયર લીડર્સ અને કોઈ અન્ય દેશથી આવેલી ચિયર લીડર્સનાં વેતનમાં તફાવત હોય છે. આ ચિયર લીડર્સનું વેતન તેના દેશની કરન્સી પ્રમાણે નક્કી થાય છે.

IPLની ટીમો સત્તાવાર રીતે ચિયર લીડર્સને કેટલી રકમ ચૂકવે છે તેના આંકડા નથી આપતી, પણ બિનસત્તાવાર રીતે મળતી વિગતો પ્રમાણે ચિયર લીડર્સને રોજના રૂ. ૬૦૦૦થી ૧૨,૦૦૦ સુધીની રકમ મળે છે. IPL બે મહિના જેટલી ચાલતી હોય છે, એ જોતાં તેમને લગભગ સવા સાત લાખ રૂપિયાની કમાણી થાય છે. આ ઉપરાંત ટીમ જીતે તો દરેક ચિયર લીડર્સને ૩૦૦૦ રૂપિયા ઈનામ મળતું હોય છે. આ ઉપરાંત તેમને બોનસ પણ અપાય છે. જોકે આ રકમ બહુ મામૂલી હોય છે. ક્રિકેટરોને કરોડોમાં અને અન્ય સ્ટાફને લાખોમાં ચૂકવણી થાય છે, જ્યારે ચિયર લીડર્સને સાવ મામૂલી રકમ અપાય છે.

…જ્યારે પુરુષ ચિયર લીડર હતા
ચિયર લીડર્સનું કલ્ચર અમેરિકામાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. યુરોપમાં યોજાતી રમતોમાં પણ આનું ચલણ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચિયર લીડર્સની શરૂઆત અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનિસોટા ખાતે થઈ હતી અને તેની શરૂઆત કોઈ મહિલાએ નહીં, બલકે એક પુરુષે કરી હતી, જેમનું નામ જોન કેમ્પબેલ હતું.

જે ચીયર સ્ક્વોડ બનાવવામાં આવી હતી તેમાં બધા પુરુષો હતા. ૧૯૪૦ બાદ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન પુરુષોને યુદ્ધ માટે સરહદ પર જવું પડતું તેથી મહિલાઓની ચિયર લીડર્સ તરીકે ભરતી થવા માંડી.

You might also like