હવે બેસ્ટની બસોમાં રાહ નહીં જોવી પડે

મુંબઈની લોકલ બસ માટે પિકઅપ સ્ટેશન પર લાંબી લાઈનમાં ઊભા રહીને કલાકો સુધી બસની રાહ જોવાનું હવે લગભગ ખતમ થઈ જશે, કારણ કે હવે લોકો બસના પ્રવાસીઓને ઘરેબેઠા જ કઈ બસ, કયા સ્ટોપ પર કેટલા વાગ્યે આવશે તેની જાણકારી મળી જશે. આ માટે દરેક બસો અને સ્ટેશનોને સોફટવેર અને મોબાઈલ આધારિત ટેક્નોલોજીથી સાંકળી લેવામાં આવશે. જેના આધારે મુસાફરોને ઘર કે ઓફિસમાં બેઠાં બેઠાં જ બસનાં શિડ્યૂલ અંગે જાણકારી મળી શકશે.
મુંબઈમાં વધતા ટ્રાફિકને કારણે બસો પણ સમયસર આવી શકતી નથી. સ્ટેન્ડ પર બસ કેટલા વાગ્યે આવશે તેની સાચી જાણકારી ન હોવાને કારણે મોટાભાગના મુસાફરોનો સમય વેડફાતો હતો. આથી જ ટેક્નોલોજી કંપની ઝોપહોપ દ્વારા બેસ્ટની બસો માટે સોફ્ટવેર અને મોબાઈલ એપ તૈયાર કરાઈ છે. હાલમાં બેસ્ટની ૧ર બસો પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ નવી ટેક્નોલોજીના ઉપયોગ માટે બેસ્ટની બસોમાં જીપીએસ લગાવવામાં આવશે અને મુસાફરોએ પોતાના એન્ડ્રોઈડ ફોનમાં બેસ્ટની આ એપ. ઈન્સ્ટોલ કરવી પડશે. આ એપ.ને આધારે મુસાફર જે સ્થળે હશે ત્યાં નજીકમાં કેટલાં બસસ્ટોપ છે તેની જાણકારી સાથે બસ કેટલા વાગ્યે સ્ટોપ પર પહોંચશે તેની પણ જાણકારી મળી રહેશે. હવે મુસાફરોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૃર નહીં પડે.

You might also like