રાજસ્થાનમાં બર્બરિક આજે પૂજાય છે ખાટુ શ્યામ તરીકે

બર્બરિકને ખાટુ શ્યામ થવાનું વરદાન ભગવાન શ્રીક્રૃષ્ણે આપ્યું હતું. બર્બરિકનાં મહાન દાનથી ખુશ થઈને ભગવાન શ્રીક્રૃષ્ણે બર્બરિક કળિયુગમાં ખાટુ શ્યામનાં નામથી પૂજાશે તેવું વરદાન પણ આપ્યું હતું. રાજસ્થાન સ્થિત ખાટુશ્યામજીનાં મંદિરમાં ભગવાન શ્રીક્રૃષ્ણનાં વરદાન સ્વરૂપ બર્બરિક જ ખાટુ શ્યામનાં રૂપમાં બિરાજમાન છે.

વીર પ્રસૂતા રાજસ્થાનની ઘરતી આમ તો પોતાના આંચલમાં અનેક ગૌરવ ગાથાઓને સમેટી છે, પરંતુ આસ્થાના મુખ્ય કેન્દ્ર ખાટુની વાત જ જુદી છે.  શેખાવાટીના સિકર જિલ્લામાં આવેલ છે પરમ ધામ ખાટુ. અહીં વિરાજમાન છે ભગવાન શ્રીકૃષ્ણના કલયુગી અવતાર ખાટુ શ્યામજી. શ્યામ બાબાના મહિમાનાં વખાણ કરનારા ભક્ત રાજસ્થાન કે ભારતમાં જ નહી પરંતુ દુનિયાના દરેક ખૂણે મળી રહેશે.

શ્યામ મંદિર ખૂબ જ જૂનું છે, પરંતુ વર્તમાન મંદિરની અધારશિલા ઈસ ૧૭૨૦માં મૂકવામાં આવી હતી.  ખાટુમાં ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બર્બરિકની પૂજા શ્યામના રૂપમાં કરવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાભારત યુદ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરિકને વરદાન આપ્યું હતું કે કલિયુગમાં તેમની પૂજા શ્યામ (કૃષ્ણ સ્વરૂપ)ના નામે થશે. ખાટુમાં શ્યામના માથાની પૂજા થાય છે, જ્યારે નજીકમાં જ આવેલ રિંગસમાં ઘડ સ્વરૂપની પૂજા થાય છે. દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં દેશ વિદેશના ભક્તો આવે છે.

હજારો લોકો અહીં પગપાળા પહોંચે છે, તો બીજી બાજુ દંડવત કરતા ખાટુ નરેશના દરબારમાં હાજરી આપે છે. નવમીથી દ્વાદશી સુધી ભરનારા મેળામાં લાખો શ્રદ્ધાળુ આવે છે. પ્રત્યેક અગિયારશ અને રવિવારે પણ અહીં ભક્તોની લાંબી લાઈન લાગે છે.

ખાટુ મંદિરમાં પાંચ ચરણમાં આરતી થાય છે. મંગલા આરતી સવારે ૫ વાગે, ધૂપ આરતી સવારે ૭ વાગે, ભોગ આરતી બપોરે ૧૨.૧૫ વાગ્યે, સંધ્યા આરતી સાંજે ૭.૧૫ વાગ્યે અને શયન આરતી રાત્રે ૧૦ વાગ્યે થાય છે. ગરમીના દિવસોમાં જો કે આ સમયમાં થોડો ફેરફાર થાય છે. કાર્તિક શુક્લા એકાદશીને શ્યામજીના જન્મોત્સવના પ્રસંગે મંદિરનાં દ્વાર ૨૪ કલાક ખુલ્લુ રહે છે.•

ભગવાન શ્રીકૃષ્ણે લીધી હતી બર્બરિકની પરીક્ષા
બર્બરિક ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો. બર્બરિક ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતો. તેણે કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ત્રણ અજય બાણ ભગવાન શિવ પાસે માગ્યાં હતાં. સાથે જ બાર્બરિકને અગ્નિદેવે પણ એક દિવ્ય ઘનુષ્ય આપ્યું હતું. બર્બરિકે યુદ્ધ કરવાની કળા તેની માતા પાસેથી શીખી હતી. તેને પોતાની માતાને યુદ્ધમાં અશક્ત પક્ષ તરફથી યુદ્ધ લડવાનું વચન પણ આપ્યું હતું.

અશક્ત પક્ષને યુદ્ધમાં સાથ આપવાના વચનને કારણે ભગવાન શ્રીકૃષ્ણ ન હતા ઈચ્છતા કે બર્બરિક મહાભારતનાં યુદ્ધમાં ભાગ લે. જો બર્બરિક મહાભારતનાં યુદ્ધમાં ભાગ લેત તો નક્કી તે સૌપ્રથમ તેના પિતા ભીમનાં પક્ષનો જ સાથ આપત, પણ જ્યારે કૌરવનો પક્ષ અશક્ત થવા લાગ્યો હોત ત્યારે તે તેમના પક્ષમાં જતો રહેતો. આ રીતે બર્બરિક તેના સિવાય બીજા બધાનો વિનાશ કરી નાખત.

પાંડવોને યુદ્ધમાં વિજયી બનાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરિક પાસે તેનું માથું દાનમાં માગ્યું હતું. બર્બરિકે પહેલાં માથું દાનમાં આપવાને બદલે બર્બરિકે આખું યુદ્ધ પોતાની આંખે જોઈ શકે તે માટે દિવ્ય દૃષ્ટિ માગી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેના માથાને એક ઊંચા ઝાડ પર સ્થિર કરી દીધું અને વગર શરીરનાં માથાને દિવ્ય દૃષ્ટિ પણ પ્રદાન કરી હતી જેના લીધે તે મહાભારતનું આખું યુદ્ધ પોતાની આંખોથી જોઈ શકે.

ભગવાન શ્રીકૃષ્ણ બર્બરિકની યોગ્યતા જાણવા માટે બર્બરિકની પરીક્ષા લેવા માગતા હતા. ભગવાન શ્રીકૃષ્ણે બર્બરિકને તપસ્યા દ્વારા મળેલા ત્રણ બાણનું મહત્વ સમજાવવા કહ્યું. ત્યારે બર્બરિકે તેનાં પ્રથમ બાણની ખાસિયત જણાવતા ક્હ્યું કે “આ બાણ એ બધી વસ્તુઓને નિશાન લગાવે છે, જેને હું નષ્ટ કરવા માગુ છું. બીજું બાણ એ બધી વસ્તુઓનું નિશાન લગાવે છે જેને હું બચાવવા માંગુ છું અને ત્રીજું બાણ નિશાન લગાવેલી બધી વસ્તુઓનો વિનાશ કરી નાખે છે અને છેલ્લે આ ત્રણેય બાણ મારી પાસે પાછાં આવતાં રહે છે.”

શ્રીકૃષ્ણે બર્બરિકને આ ત્રણ બાણનો પ્રયોગ કરવાનું કહ્યું. એક ઝાડનાં બધાં પત્તાંને તેના એક જ બાણથી વિંધવા માટે કહ્યું અને બર્બરિકની આ યોગ્યતાને જાણવા ભગવાન શ્રીકૃષ્ણે તે ઝાડનાં એક પત્તાંને પોતાના પગ નીચે રાખી દીધેલું. બર્બરિકે એક બાણથી ઝાડનાં બધાં પત્તાંની સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં પગ નીચે રાખેલાં પત્તાંને પણ વિંધી નાખ્યું. બર્બરિકનું આ પરાક્રમ જોઈને ભગવાન શ્રીકૃષ્ણને તેની યોગ્યતા પર વિશ્વાસ થઈ ગયો.

You might also like