બેંગલુરુમાં નિર્દયી મહિલાએ આઠ ગલૂડિયાંને મારી નાખ્યાં

બેંગલુરુ: બેંગલુરુમાં એક મહિલાનો નિર્દય ચહેરો સામે આવ્યો છે. મહિલા પર એક કૂતરાનાં આઠ બચ્ચાં (ગલૂડિયાં)ને મારી નાખવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર મહિલાએ કૂતરી સામે બદલો લેવાના મકસદથી તેનાં બચ્ચાંની હત્યા કરી હતી. મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની વિગતો એવી છે કે બેંગલુરુના તુમકુર રોડ સ્થિત કૃષ્ણનગરમાં લગભગ ૧પ દિવસ પહેલાં એક કૂતરીએ આ કોલોનીના એક નાળામાં આઠ બચ્ચાંને જન્મ આપ્યો હતો. અહીં રહેતી પોન્નમ્માને આ વાત પસંદ પડી ન હતી. તેણે કૂતરીને પાઠ ભણાવવા તેનાં બચ્ચાંને નિર્દયતાથી મારી નાખ્યાં હતાં. આ મહિલા એક પૂર્વ લશ્કરી અધિકારીની પત્ની છે.

બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પડોશીઓનું કહેવું છે કે પ્રાણી-પશુઓને આ રીતે પાઠ ભણાવવાની પદ્ધતિ બિલકુલ અયોગ્ય છે અને મહિલા સામે કાર્યવાહી થવી જોઇએ.  અમ્મુ નામની કૂતરી છેલ્લાં ચાર વર્ષથી આ કોલોનીમાં રહે છે અને કોલોનીના લોકો વારાફરતી તેને ખાવાનું આપે છે. નિર્દયી મહિલાના આ કરતૂત સામે પાળિતા પશુઓની દેખભાળ કરતી એક સંસ્થાએ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે અને જો મહિલા દોષિત જણાશે તો તેને પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે.

You might also like