બેંગલુરુમાં પ્રોફેશનલ્સને મળે છે સૌથી વધુ પગારઃ બીજા નંબરે પુણે

બેંગલુરુ: બેંગલુરુ દેશનું એવું શહેર છે કે જ્યાં પ્રોફેશનલ્સને સૌથી વધુ પગાર મળે છે. આ બાબતમાં ફાર્મા અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રી અવલ છે. તે પોતાના એમ્પ્લોઇને સૌથી વધુ પગાર આપેે છે. બેંગલુુરુમાં દરેક લેવલ અને ફંકશન્સ પર કર્મચારીઓની વાર્ષિક સરેરાશ સીટીસી ૧૦.૮ લાખ રૂપિયા છે. રેન્ડ સ્ટેન્ડ ઇન્ડિયાના રિસર્ચ એન્ડ એનાલિસીસ ડિવિઝનના અભ્યાસમાં આ બાબત સામે આવી છે.

બેંગલુરુ બાદ પુણેનું બીજું સ્થાન આવે છે. ત્યાં પ્રોફેશનલ્સને વાર્ષિક સરેરાશ ૧૦.૩ લાખ સીટીસી હોય છે. જ્યારે ૯.૯ લાખ રૂપિયાના સરેરાશ પગાર સાથે દિલ્હી-એનસીઆર ત્રીજા સ્થાને, ૯.ર લાખ રૂપિયા સાથે મુંબઇ ચોથા અને ૮ લાખ રૂપિયા સાથે ચેન્નઇ પાંચમા સ્થાને છે. હૈદરાબાદ ૭.૯ લાખ રૂપિયા અને કોલકાતા ૭.ર લાખ રૂપિયા સાથે આ યાદીમાં છઠ્ઠા અને સાતમા સ્થાને છે.

રેન્ડ સ્ટેન્ડ ઇન્ડિયાના એમડી અને સીઇઓ પોલ દુપનીસે કહ્યું કે પગારની યોગ્ય અને મજબૂત વ્યવસ્થા કોઇ પણ કંપનીમાં અનુભવી લોકોને ટકાવી રાખવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. રેન્ડ સ્ટેન્ડની ઇનસાઇડ સેલરી ટ્રેન્સ રિપોર્ટ ર૦૧૮માં યોગ્ય પગાર મુજબ અલગ અલગ સેકટરની ઓળખ પણ કરાઇ. આ બાબતમાં ૯.૬ લાખના વાર્ષિક વેતન સાથે ફાર્મા અને હેલ્થકેર સેકટર સૌથી ઉપર છે.

જીએસટી લાગુુ થયા બાદ નિષ્ણાતોની વધેલી ડિમાન્ડે વ્યવસાયલક્ષી સેવાઓની માગણીમાં બીજા સ્થાન પર આવવામાં મદદ કરી. આ સેકટરમાં લગભગ ૯.૪ લાખ રૂપિયાનું વાર્ષિક વેતન મળે છે. ૯.ર લાખ રૂપિયાના વાર્ષિક સરેરાશ સીટીસી સાથે એફએમસીજી સેકટર ત્રીજા સ્થાને છે. આઇટી સેકટર ૯.૧ લાખ રૂપિયા અને ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન ૯ લાખ રૂપિયા સાથે ક્રમશઃ ચોથા અને પાંચમા સ્થાને છે.

કામના પ્રકાર મુજબ સેવાઓમાં વધુ વેતન મળે છે. કેટલીક ભૂમિકાઓ એવી હોય છે કે જેમાં ૬થી ૧૦ વર્ષનો અનુભવ હોય તો તુલનાત્મક રીતે વધુ વેતન મળે છે. આ બાબતમાં નિષ્ણાત ડોકટરોનું સ્થાન સૌથી ઉપર છે. તેમને સરેરાશ ૧૮.૪ લાખ રૂપિયાનું વાર્ષિક વેતન મળે છે.

You might also like