બંગાળમાં મમતાના દુર્ગા વિસર્જનના આદેશ પર રાજકીય ધમાલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આદેશ આપ્યા છે કે દશમના આગલા દિવસે દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે, કારણ કે દશમના દિવસે મોહરમનું જુલૂસ પણ નીકળવાનું છે. તેથી રાજ્ય સરકાર તરફથી કોઈ ટક્કરથી બચવા આ આદેશ જારી કરાયા છે. સરકારના આ આદેશ પર રાજકીય ધમાલ શરૂ થઈ ચૂકી છે.

રાજ્યમાં ભાજપે આને ‘અલ્પસંખ્યકોનું તુષ્ટીકરણ’ ગણાવીને તેની વિરુદ્ધ કેમ્પેન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં ભાજપ તૃણમૂલ સરકાર વિરુદ્ધ મોટા પાયે સિગ્નેચર કેમ્પેન ચલાવે છે. ભાજપના મહાસચિવ શાયન્તન બાસુએ જણાવ્યું કે મમતા બેનરજી સરકાર રાજકારણ સાથે ધર્મને ભેળવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે ભાજપ કોર્ટ નહીં જાય, પરંતુ જે લોકો આ અંગે કાયદાની મદદ લેશે, ભાજપ સંપૂર્ણ રીતે તેમની સાથે છે.

બુધવારે રાજ્ય સરકારના આદેશની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે આ વર્ષે દશમ અને મોહરમ એક જ િદવસે છે. મોહરમનો િદવસ છોડીને દુર્ગા પ્રતિમા બે-ત્રણ કે ચાર ઓક્ટોબરે વિસર્જિત કરી શકાશે. આ પહેલાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે વિજયાદશમીના િદવસે સાંજે ૬.૦૦ વાગ્યા બાદ વિસર્જનનો કાર્યક્રમ નહીં થાય.

ભાજપ મહાસચિવનું કહેવું છે કે બંને કાર્યક્રમો માટે અલગ અલગ રસ્તા નિર્ધારિત કરી શકાતા હતા. બાસુએ કહ્યું કે લખનૌમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા છે. ૨૦૧૬માં પણ જ્યારે આવી સ્થિતિ આવી હતી ત્યારે હાઈકોર્ટે અલગ રસ્તો નિર્ધારિત કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ બહુમતીને ખૂણામાં ધકેલવા માટે અને લઘુમતીઓના તુષ્ટીકરણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

You might also like