ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશને ભોજન સાથે લેવાથી થશે આ ફાયદાઓ

એવું કહેવામાં આવે છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુને જો યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ લેવામાં આવે તો તેની ક્યારેય આડઅસર થતી નથી.

આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાઓ પીતાં હોઇએ છીએ, પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

છાશ એ આંતરડાંને બળ આપીને પાચનમાં સુધારો કરે છે. છાશ પચવામાં પણ હળવી પડે છે. છાશ પિત્તને શાંત કરે છે. જે લોકો પિત્ત પ્રકૃતિવાળા હોય છે તેમ જ પિત્ત વિકાર માટે પણ છાશ બહુ લાભકારક સાબિત થાય છે જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ…

કેવી છાશ પીવી? મોળી કે ખાટી?

મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ આ વાત સાચી નથી, સાવ જ મોળા દહીંમાંથી બનાવવમાં આવેલી છાશ કાચી હોય છે અને તેનાથી શરીરમાં કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઇ શકે છે. સામાન્ય રીતે જો થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.

છાશ પાતળી હોવી જોઇએ કે જાડી?

દહીંમાં કેટલું પાણી ઉમેરવું? ઘણા લોકોને ગાઢી છાશ પસંદ હોય છે, તેમાં કેલ્શિયમ અને દહીંના ગુણો વધુ સારી રીતે મળે છે. જોકે દહીંમાં સાવ જ ઓછું પાણી અથવા તો જરાય પાણી ન ઉમેરીને બનાવવામાં આવેલી છાશ કફ કરે છે. જો રોજિંદા વપરાશમાં જમ્યા પછી છાશ પીવાની આદત રાખવી હોય તો દહીંમાં ચોથા ભાગનું પાણી ઉમેરી માખણ કાઢીને વલોવીને બનાવેલી છાશ બનાવવી. એ રોગોથી બચાવે છે.

ગાયના કે ભેંસમાંથી કોના દૂધમાંથી બનેલી છાશ બેસ્ટ:

ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી છે. છાશ પીવાથી રોગો દૂર થાય છે.

આંતરડાને રાખે છે હેલ્ધી:

આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંનો દુ:ખાવો દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે આ સાથે જ કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા જેવી બિમારીઓ દૂર થાય છે.

વાને દૂર કરવા માટે પણ ફાયદાકારક:

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ માં વધારો થાય છે ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન કરીને બળ આપે છે. વા પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વા વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું ફાયદાકારક સાબિત થાય છે.

સ્ફૂર્તિ આપે છે:

છાશ કફ પ્રકૃતિમાં આરામ આપીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ સામાન્ય રીતે માખણ કાઢેલી છાશ પીવી વધારે ફાયદાકારક સાબિત થાય છે.

વાળ માટે છે ઉત્તમ:

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધિત રોગોમાંથી પણ છૂટકારો મળે છે અને ઉંમર પહેલા વાળ સફેદ થવાની સમસ્યાને પણ દૂર કરે છે.

પેટના રોગોમાંથી મુક્તિ આપે છે:

પેટના રોગો માટે તો છાશ આશીર્વાદરૂપ છે. પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યાથી પીડાતા હોવ તો તો દિવસમાં 3-4 વખત છાશનું સેવન કરવું જોઈએ.

શરીરને ઠંડક આપે છે:

છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે એટલે માટે ગરમીથી બચવા માટે લોકો છાશનું સેવન કરતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી છે.

ભોજન સાથે છાશના ફાયદા:

ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાળુંથી મીઠું નાખવાથી તેની અસર સારી થાય છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.

You might also like