ચોથી વન ડેમાં પણ પાકિસ્તાનનો પરાજય, મેન ઓફ ધ મેચ બેરિસ્ટોના ૬૧ રન

લિડ્સઃ પાકિસ્તાનના ૨૪૮ રનના જવાબમાં ઈંગ્લેન્ડે ૪૮ ઓવરમાં છ વિકેટે ૨૫૨ રન બનાવી લઈને પાંચ મેચની શ્રેણીમાં ચોથી જીત હાંસલ કરી લીધી છે. આમ હવે ઈંગ્લેન્ડ શ્રેણીમાં ૪-૦થી આગળ છે. આ સાથે જ હવે ઈંગ્લેન્ડની નજર પોતાના વન ડે ઇતિહાસમાં બીજી વાર કોઈ શ્રેણીમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરવા પર ટકેલી છે. આ અગાઉ ઈંગ્લેન્ડે વર્ષ ૨૦૧૧માં ઝિમ્બાબ્વેને તેઓની જ ધરતી પર ૫-૦થી હરાવ્યું હતું.

ઈંગ્લેન્ડ તરફથી સ્ટોક્સ (૬૯) અને જોની બેરિસ્ટો (૬૧)ની અર્ધસદીઓ અને મોઇન અલીના અણનમ ૪૫ રનની મદદથી ઈંગ્લેન્ડે ૧૨ બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી, જોકે ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને એક સમયે ૧૫ ઓવરમાં જ ૭૨ રનના કુલ સ્કોર પર તેની ચાર વિકેટ પડી ચૂકી હતી.

ત્યાર બાદ સ્ટોક્સ અને બેરિસ્ટોએ શાનદર રમતનું પ્રદર્શન કરીને ૧૦૦ રનની નિર્ણાયક ભાગીદારી દ્વારા પોતાની ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર મોહંમદ ઇરફાન રહ્યો અને તેણે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઉમર ગુલ, હસન અલી અને ઇમાદ વસિમને એક-એક વિકેટ મળી હતી. બેરિસ્ટો રનઆઉટ થયો હતો.

આ અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ફરી એક વખત પાકિસ્તાન સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યાર બાદ પણ પાકિસ્તાન તરફથી કોઈ મોટી ભાગીદારી નોંધાઈ નહોતી. કેપ્ટન અઝહર અલીની સમજદારીપૂર્વકની બેટિંગ અને ઇમાદ વસીમની ઝડપી અર્ધસદીની મદદથી પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવવા છતાં આઠ વિકેટે ૨૪૭ રન બનાવ્યા હતા.

અઝહર અલીએ ૧૦૪ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૮૦ રન બનાવ્યા, જ્યારે વસીમે અંતિમ ઓવર્સમાં ૪૧ બોલમાં અણનમ ૫૭ રનની ઇનિંગ્સ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. પાક. ટીમ તરફથી ફક્ત એક જ અર્ધસદીની ભાગીદારી નોંધાઈ હતી, જે વસીમે આઠમી વિકેટ માટે હસન અલી સાથે નોંધાવી હતી. આ ભાગીદારીમાં હસન અલીનું યોગદાન ફક્ત નવ રનનું જ હતું.

You might also like