બેડ બોય બેન સ્ટોક્સ એશીઝમાંથી બહાર

લંડનઃ વિવાદોમાં સપડાયેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી એશીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સ્ટોક્સના સ્થાને ફાસ્ટ બોલર સ્ટીવન ફિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત ૨૩ નવેમ્બરથી થઈ રહી છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટના ડિરેક્ટર એન્ડ્રયુ સ્ટ્રાઉસે કહ્યું, ”એશીઝ નજીકમાં જ છે. આ સ્થિતિમાં એ જરૂરી છે કે અમે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સમર્થકો સમક્ષ આ મુશ્કેલ પરિસ્થિતિ અંગે બધી વાતો સ્પષ્ટ રાખીએ. આ નિર્ણય અમે આવનારાં સપ્તાહમાં મદદ કરશે અને દરેક ખેલાડી તથા ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા તરફથી મળનારા પડકારનો સામનો કરવામાં મદદ મળશે.”
સ્ટોક્સનો જોકે ઈસીબીની ૨૦૧૭-૧૮ની કરાર યાદીમાં સામેલ કરાયો છે. આ મામલામાં જો સ્ટોક્સ સામે કોઈ પોલીસ કાર્યવાહી નહીં થાય તો તેને ટીમમાં સામેલ કરાઈ શકે છે. સ્ટ્રાઉસે કહ્યું, ”અમે સ્ટોક્સ સાથે વાત કરી છે અને તેને આશ્વાસન આપ્યું છે કે તેની સામે અમારો કોઈ પણ નિર્ણય પોલીસ તપાસ અને ક્રિકેટ શિસ્ત સમિતિની તપાસ બાદ જ લેવાશે.”

You might also like