IPL AUCTION: ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને લોટરી લાગીઃ ૧૪.૫ કરોડમાં પુણેએ ખરીદ્યો

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૦મી સિઝન માટે ક્રિકેટ ખેલાડીઓની હરાજી (ઓક્શન) શરૂ થઇ ગઇ છે. આ હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝીએ ૩પ૦થી વધુ ખેલાડીઓ પર બોલી લગાવી હતી. હરાજીમાં ભાગ લઇ રહેલ ૩પ૦થી વધુ ક્રિકેટ ખેલાડીઓમાંથી વધુમાં વધુ ૭૭ ખેલાડીઓને લઇ શકાય છે. આજે દસ વર્ષના ચક્રની આખરી હરાજી છે. ત્યાર બાદ આગામી વર્ષની ટૂર્નામેન્ટ માટે તમામ ખેલાડી ફરીથી ઓક્શન પુલમાં સામેલ થશે. એક ટીમ પોતાના ખેલાડીઓની સંખ્યા વધુમાં વધુ ર૭ રાખી શકે છે.

આજે યોજાયેલી હરાજીમાં પ્રથમ વાર આઇપીએલમાં સામેલ થયેલ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ રૂ.૧૪.પ૦ કરોડમાં વેચાતાં આઇપીએલની હરાજીમાં ઇતિહાસ સર્જાયો છે. ઇંગ્લેન્ડનાે બોલર ટેમલ મિલ્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ.૧ર કરોડમાં ખરીદ્યો છે અને તેની બેઝ પ્રાઇસ પ૦ લાખ હતી. દ‌િક્ષણ આફ્રિકાના કેગીસો રબાડાને દિલ્હી ડેરડેવિલ્સે રૂ.પાંચ કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ રૂ.એક કરોડ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટને કોલકાતા નાઇટ રાઇડર્સે રૂ.પાંચ કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ રૂ.૧.પ કરોડ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પેટ કમીન્સ ૪.પ કરોડમાં વેચાયો છે અને દિલ્હી ડેરડેવિલ્સે તેને ખરીદ્યો છે, તેની બેઝ પ્રાઇસ રૂ.બે કરોડ હતી.

ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીની બેઝ પ્રાઇસ રૂ.બે કરોડ હતી. તેની દમદાર બોલિંગ અને બેટિંગ એક્શનને જોઇને તમામ ફ્રેન્ચાઇઝી બેન સ્ટોક્સને લેવા માટે આતુર હતા. ખાસ કરીને મુંબઇ અને દિલ્હીએ તેની કિંમત રૂ.૧૦ કરોડ સુધી પહોંચાડી દીધી હતી. ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે આ કિંમતને રૂ.૧૪.પ૦ કરોડ સુધી પહોંચાડી અને પછી તેમાં પુણેએ બાજી મારીને બેન સ્ટોક્સને પોતાની ટીમમાં સામેેલ કરી દીધો હતો. આ રીતે બેન સ્ટોક્સ આઇપીએલના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોટો ખેલાડી બની ગયો હતો. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસની બેઝ પ્રાઇસ બે કરોડ હતી અને એટલી જ કિંમતમાં દિલ્હી ડેરડેવિલ્સે ખરીદી લીધો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને કિંગ્સ ઇલેવન પંજાબે બેઝ પ્રાઇસ રૂ.બે કરોડમાં ખરીદ્યો છે. બોલીના પ્રથમ સેટમાં સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડના મા‌િર્ટન ગપ્ટિલનું નામ હતું, પરંતુ તેને કોઇએ ખરીદ્યો જ નથી, તેની બેઝ પ્રાઇસ રૂ.પ૦ લાખ હતી.

ત્યાર બાદ દિલ્હીએ ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસનને પણ રૂ.એક કરોડમાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. બોલીના બીજા સેટમાં કેપ્ડ ઓલરાઉન્ડર પર દાવ લગાવવામાં આવ્યો હતો, જેમાં સૌથી પહેલાં ગઇ સાલના સૌથી મોંઘા ભારતીય ખેલાડી રહેલા પવન નેગી પર બોલી લાગી હતી. આ વખતે તેની બેઝ પ્રાઇસ રૂ.૩૦ લાખ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને રૂ.એક કરોડમાં ખરીદ્યો હતો. ગઇ સાલ પવન નેગી દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ૮.પ કરોડમાં ખરીદાયો હતો.
ભારતના ઇરફાન પઠાણની બેઝ પ્રાઇસ પ૦ લાખ હતી, પરંતુ તેને હજુ સુુધી કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. સીન એબોટ અને ક્રિસ જોર્ડનને કોઇએ ખરીદ્યા નથી. વિદેશી ખેલાડીઓમાં ધુંઆધાર બેટ્સમેન મા‌િર્ટન ગપ્ટિલ, રોઝ ટેલર, ઇંગ્લેન્ડના ઓપનર જેશન રોય, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન અને ઓસ્ટ્રેલિયાના શીન એબોટ પણ અનસોલ્ડ રહ્યા છે. એ જ રીતે ભારતીય ખેલાડીઓમાં ફૈઝ ફસલ, સૌરવ તિવારી, ઇરફાન પઠાણ, ઇશાંત શર્મા જેવા ખેલાડીઓ પર કોઇ પણ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવવાનું યોગ્ય સમજ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like