મ્યુનિ. માને છે કે પાણીનાં પાઉચ ઉનાળામાં જ વેચાય છે, ગરમી પડતાં હવે નમૂના લેશે!

અમદાવાદ: આ વખતે ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. પાણીનાં પાઉચનો ધંધો શહેરમાં પાણીની પરબની સંખ્યા નહીંવત્ થવાથી ફક્ત ઉનાળા પૂરતો મર્યાદિત નથી રહ્યો. સમગ્ર વર્ષભર પાણીનાં પાઉચ વેેચાતાં હોય છે. આવા પાણીની ગુણવત્તા પણ અવારનવાર વિવાદગ્રસ્ત બને છે તેમ છતાં કોર્પોરેશન હવે પાણીનાં પાઉચના નમૂના લેવાનું છે.
આમ તો દર વર્ષે ઉનાળાની સિઝન દરમ્યાન કોર્પોરેશન પેકેઝ્ડ ડ્રિંકિંગ વોટર, કેરી-ચીકુનો રસ, મેંગો મિલ્ક શેક તેમજ ઠંડાં પીણાંના નમૂના લેવાની રાબેતા મુજબની કામગીરી કરે છે, જોકે અગાઉ માર્ચ મહિનાના પ્રારંભથી આવી કામગીરી હાથ ધરાવતી હતી, જોકે આ વર્ષે માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં તંત્ર હજુ સુધી નિષ્ક્રિય છે.

આ અઠવા‌િડયાથી પાણીનાં પાઉચના નમૂના લેવાની કામગીરી હાથ ધરાશે. “દરમ્યાન આમાં આઘાતજનક બાબત એ છે કે પાણીનાં પાઉચ ફક્ત ઉનાળામાં નથી વેચાતાં, આ ધંધો વર્ષભર ચાલતો રહે છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં દરરોજ બે લાખથી વધુ પાણીનાં પાઉચ વેચાય છે. તેમ છતાં તંત્ર ઉનાળાને અનુલક્ષી પાણીનાં પાઉચમાંના પાણીની ગુણવત્તા ચકાસશે. તંત્ર પાણીનાં પાઉચને માત્ર ‘સિઝનેબલ’ ધંધો ગણે છે.

એસ.જી. હાઇવે, વાસણા, વટવા જીઆઇડીસી, ઓઢવ જીઆઇડીસી, બહેરામપુરા અને દાણીલીમડા જેવા વિસ્તારમાં પાણીનાં પાઉચ બનાવવાના એકમોનો ધમધમાટ વધુ છે. આવા એકમોમાં ક્લો‌િરનેશન પ્લાન્ટ કે ફિલ્ટરેશન પ્લાન્ટનાં ઠેકાણાં હોતાં નથી. શહેરીજનો સાથે શુદ્ધ પાણીના નામે નક્કી છેતર‌પિંડી કરાય છે. અમુક લેભાગુ તત્ત્વો તો નળના પાણીથી પાણીનાં પાઉચ બનાવીને દરરોજ લાખો રૂપિયાની રોકડી કરી લે છે. કોર્પોરેશનનાે હેલ્થ વિભાગ આ પ્રકારની છેતરપિંડીથી વાકેફ હોવા છતાં ભ્રષ્ટાચારના કારણે કડક કાર્યવાહી કરતો નથી, ફક્ત ઉનાળા પૂરતી ‘ટોકન’ કામગીરી કરીને બાકીના દિવસોમાં લેભાગુ તત્ત્વોને મોકળું મેદાન આપી દે છે.

http://sambhaavnews.com/

You might also like