સાબરમતી નદીમાં બહેરામપુરાના પ્રેમી યુગલે ઝંપલાવ્યુંઃ બંનેનાં મોત

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા પ્રેમી યુગલે ગઇ કાલે રાત્રે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતાં એકાદ કલાકની ભારે જહેમત બાદ બંનેની શોધખોળ કરી લાશને બહાર કાઢી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને ગઇ કાલે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે ગાંધીબ્રિજથી નેહરુબ્રિજ વચ્ચે પ્રેમી યુગલે નદીમાં ઝંપલાવ્યું છે. જેના આધારે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી.

આશરે એક કલાક જેટલી શોધખોળ બાદ કામા હોટલ પાછળના ભાગે આવેલ સાબરમતી નદીના વોક વે પાસેથી યુવક યુવતીની લાશ મળી આવી હતી.  મૃતક યુવકનું નામ ચાવડા કિરણભાઇ હિતુભાઇ (ઉ.વ.ર૩) અને યુવતીનું નામ હિના પરમાર (ઉ.વ. આશરે ૧૭) હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવક-યુવતી બહેરામપુરાના સંતોષનગરના રહેવાસી છે. બંને ઘેરથી સાબરમતી નદીમાં ઝંપલાવવા નીકળ્યાં હતાં તેમની પાછળ તેમનાં સગાં-સંબંધીઓ પણ દોડી આવ્યાં હતાં પરંતુ બચાવે તે પહેલાં જ તેઓએ સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું.

મૃતક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બંનેના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like