ગ્રીસને હરાવી બેલ્જિયમે ફિફા વિશ્વકપમાં ક્વોલિફાય કરી લીધું

પેરિસઃ રોમેલુ લુકાકુના ગોલની મદદથી બેલ્જિયમે ગ્રીસને ૨-૧થી હરાવીને ફિફા વિશ્વકપ ફૂટબોલમાં સ્થાન મેળવનારો પહેલો યુરોપીય દેશ બની ગયો છે, જ્યારે લક્ઝમબર્ગે ફ્રાંસને ડ્રો પર રોકીને હાલ ક્વોલિફાય કરવાથી ફ્રાંસને રોકી દીધું છે. રશિયામાં આગામી વર્ષે રમાનારા વિશ્વકપ માટે બેલ્જિયમ ઉપરાંત અત્યાર સુધી બ્રાઝિલ, ઈરાન, જાપાન, મેક્સિકો અને યજમાન રશિયાએ ક્વોલિફાય કરી લીધું છે.

માન્ચેસ્ટર યુનાઇટેડના સ્ટ્રાઇકર લુકાકુએ ૭૪મી મિનિટે થોમસ મેયુનિરના ક્રોસને ગોલમાં બદલી બેલ્જિયમને ૨-૧થી સરસાઈ અપાવી દીધી હતી. આ જીત સાથે જ ગ્રૂપ ‘એચ’માં બેલ્જિયમે ટોચ પર રહીને વિશ્વકપ માટે ક્વોલિફાય કરી લીધું. બેલ્જિયમને હજુ બે મેચ રમવાની બાકી છે. આ મેચના ત્રણેય ગોલ પાંચ મિનિટની અંદર જ થયા હતા. ૭૦મી મિનિટે જોન વેર્ટોઘેને બેલ્જિયમ માટે મેચનો પ્રથમ ગોલ કર્યો હતો. ટીમની આ સરસાઈ બહુ વાર ટકી નહોતી અને થોડી મિનિટ બાદ જ ગ્રીસના જીકાએ જવાબી ગોલ કરીને સ્કોરને બરાબર કરી દીધો હતો. જોકે લુકાકુના ગોલે ટીમને વિજયી સરસાઈ અપાવી દીધી હતી.

વિશ્વ રેન્કિંગમાં ૧૩૬મા સ્થાને રહેલા લક્ઝમબર્ગે ફ્રાંસને ડ્રો પર રોકીને બધાને ચોંકાવી દીધા છે. ૧૯૧૪ બાદ એવું પહેલી વાર બન્યું છે કે જ્યારે ફ્રાંસ લક્ઝમબર્ગને હરાવવામાં સફળ થયું નથી. જોકે ફ્રાંસ માટે રાહત આપનારી વાત એ છે કે ગ્રૂપ ‘એ’માં તે હજુ પણ ટોચ પર છે, જ્યારે સ્વિડન બીજા સ્થાન પર છે.

You might also like