હાલ મોતને ગળે લગાવવાનો યોગ્ય સમય નથીઃ મારિકા

રિયોઃ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી બેલ્જિયમની ખેલાડી મારિકા વેરવૂર્ટનું કહેવું છે કે તે ભવિષ્યમાં ઇચ્છામૃત્યુ પસંદ કરશે, હમણાં નહીં. સ્નાયુઓની વિકૃતીની અસાધ્ય બીમારી સામે ઝઝૂમી રહેલી ૩૭ વર્ષીય એથ્લીટે વ્હીલચેરની ૪૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ બીમારીને કારણે તેના પગમાં સતત અસહ્ય દર્દ થાય છે, જે તેને ઊંઘવા દેતું નથી. ૧૪ વર્ષની ઉંમરે મારિકાને પોતાની આ બીમારીની જાણ થઈ હતી, ત્યારથી તેની જિંદગી સતત ચાલી રહેલા જંગ જેવી બની ગઈ છે. તેણે જણાવ્યું કે તે ૨૦૦૮માં જ યુથેનિસિયા (ઇચ્છામૃત્યુ)ના કાગળ પર હસ્તાક્ષર કરી ચૂકી છે. ઇચ્છામૃત્યુ બેલ્જિયમમાં કાયદેસર છે.

બેલ્જિયમની સમાચાર એજન્સીઓએ એવા અહેવાલ આપ્યા હતા કે તે રિયો બાદ પોતાનું જીવન સમાપ્ત કરી શકે છે, પરંતુ મારિકાએ પોતાની જીત બાદ પત્રકાર પરિષદમાં આ બધી અટકળોને નકારી કાઢી હતી. તેણે કહ્યું, ”હાલ હું જીવનની દરેક નાની પળોનો આનંદ ઉઠાવી રહી છું. જ્યારે એવી પળ આવશે, જેમાં સારા દિવસોની સરખામણીએ મારી પાસે ખરાબ દિવસો વધુ હશે ત્યારે હું મારી ઇચ્છાથી મૃત્યુ પસંદ કરી લઈશ, પરંતુ હાલ એ સમય નથી આવ્યો.”

વ્હીલ ચેર રેસને પોતાની કરિયર તરીકે પસંદ કરનારી મારિકાએ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં ૧૦૦ મીટરમાં ગોલ્ડ અને ૨૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

You might also like