Fifa World Cup 2018: ઇન્જરી ટાઇમમાં બેલ્જિયમે પાસું પલટી જાપાનને બહાર કર્યું

રોસ્તોવ એરીનાઃ ફિફા વિશ્વકપ ૨૦૧૮માં ગઈ કાલે પણ એક અપસેટ સર્જાતા રહી ગયો. રોસ્તોવ એરીનામાં રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેશક બેલ્જિયમે ઇન્જરી ટાઇમની અંતિમ પળોમાં ચાડલી દ્વારા કરવામાં આવેલા ગોલની મદદથી જાપાનને ૩-૨થી હરાવીને ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રીજી વાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો, પરંતુ એશિયન દિગ્ગજ જાપાને દુનિયાની ત્રીજા નંબરની ટીમને રીતસર હંફાવી દીધી હતી.

પ્રથમ હાફ ગોલ રહિત સમાપ્ત થયા બાદ બીજા હાફમાં જાપાને શરૂઆતમાં જ બે ગોલની સરસાઈ હાંસલ કરી લીધી હતી, પરંતુ બેલ્જિયમે વળતો હુમલો કરીને ફટાફટ ત્રણ ગોલ કરીને જાપાનનું પહેલી વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળી નાખ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં હવે બેલ્જિયમનો મુકાબલો પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બનેલી બ્રાઝિલની ટીમ સામે થશે. મેચમાં નોંધાયેલા પાંચેય ગોલ બીજા હાફમાં થયા હતા.

જાપાને રસ્તો રોક્યો
મુકાબલાના પહેલા હાફમાં પોતાનાથી બહુ જ શક્તિશાળી ટીમ સામે જાપાને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. બેલ્જિયમના મજબૂત આક્રમણ સામે જાપાને જબરદસ્ત ડિફેન્સનું પ્રદર્શન કર્યું અને એ પણ એવી ટીમ સામે, જેણે વિશ્વકપના ત્રણ ગ્રૂપ મુકાબલામાં નવ ગોલ કરી નાખ્યા છે. બોલ પર કબજો કરવાની બાબતમાં પણ બેલ્જિયમ અને જાપાનની ટીમ પહેલા હાફ સુધી એક જેવી સ્થિતિમાં હતી.

ચાર મિનિટની ચમત્કારિક રમત
બીજા હાફમાં કમાલ થઈ ગઈ. રાહ જોવાઈ રહી હતી કે બેલ્જિયમ ક્યારેય ગોલ કરે, પરંતુ બન્યું એનાથી ઊલટું અને જાપાને ૪૮મી મિનિટમાં ગોલ કરીને ૧-૦ની સરસાઈ મેળવી લીધી. બેલ્જિયમના વર્ટોગેનની ભૂલને કારણે જાપાનના હારાગુચીએ બેલ્જિયમના ગોલકીપરને ચકમો આપીને બોલને ગોલપોસ્ટમાં ધકેલી દઈ જાપાનનું ખાતું ખોલી નાખ્યું હતું.

ત્યાર બાદ બેલ્જિયમે વળતો હુમલો કર્યો, પરંતુ હેઝાર્ડનો જોરદાર શોટ ગોલપોસ્ટ સાથે ટકરાઈને બહાર નીકળી ગયો. બેલ્જિયમ હજુ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં જાપાને બીજો ગોલ કરીને બેલ્જિયમની છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો હતો. બાવનમી મિનિટે જાપાનના ઇનુઇએ કવાગા પાસેથી મળેલા પાસને કોર્ટિયસની ડાબી બાજુથી ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો. આમ જાપાને ૨-૦ની સરસાઈ મેળવી લીધી.

બેલ્જિયમનો વળતો હુમલો
બે ગોલ ખાધા બાદ બેલ્જિયમ થોડું આક્રમક બન્યું હતું અને તેના ખેલાડી વર્ટોગેનના ગોલે બેલ્જિયમની વાપસી કરાવી હતી. ૬૯મી મિનિટે કર્ટોગેનના હેડરને જાપાનનો ગોલકીપર હવાશીમા ઇજી સમજી શક્યો નહીં અને બોલ તેના માથાની ઉપરથી ગોલપોસ્ટમાં પહોંચી ગયો.

ત્યાર પછીની પાંચ મિનિટ બાદ ફેલાનીએ ગોલ કરીને બેલ્જિયમને ૨-૨ની સરસાઈ અપાવી દીધી. હેજાર્ડના ક્રોસ પર ફેલાનીએ ગોલ કર્યો હતો. નિર્ણાયક સમય સુધીમાં સ્કોર ૨-૨થી બરોબર રહ્યો હતો, પરંતુ બેલ્જિયમે ઇન્જરી ટાઇમની અંતિમ પળોમાં ચાડલી દ્વારા કરવામાં આવેલા ગોલની મદદથી જાપાનને ૩-૨થી હરાવીને ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રીજી વાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની ટક્કર બ્રાઝિલ સામે થશે.

જાપાની ગોલકીપર હવાશીમાનું શાનદાર પ્રદર્શન
જાપાનના આ લડાયક પ્રદર્શનમાં તેના ગોલકીપર હવાશીમાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી, જેણે મેચ દરમિયાન ઘણી વાર શાનદાર બચાવ કર્યો હતો. નિર્ધારિત સમય સમાપ્ત થવાની પાંચ મિનિટ પહેલાં મ્યુનિયરના હેડર અને પછી ડિફક્લેશન બાદ આવેલા બોલ પર લૂકાકુ દ્વારા લગાવવામાં આવેલા હેડરને હવાશીમાએ ગોલપોસ્ટની ઉપર ધકેલી દઈને ગોલની બે તકને નિષ્ફળ બનાવી દીધી હતી.

You might also like