રિયો પેરાલિમ્પિક બાદ ઇચ્છામૃત્યુ ઇચ્છે છે વેરવૂર્ટ

રિયોઃ એક પેરાએથ્લીટ રિયો રમતોત્સવમાં અંતિમ વાર ગોલ્ડ મેડલ જીતવાના ઇરાદાથી ભાગ લઈ રહી છે, કારણ કે હવે તે પોતાની જિંદગી ખતમ કરી દેવાની છે. બેલ્જિયમની મેરિકે વેરવૂર્ટે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૧૬ પેરાલિમ્પિક રમતોત્સવ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે, કારણ કે તે થોડા દિવસ જ આ ધરતી પરના અંતિમ દિવસો માની રહી છે.

વેરવૂર્ટને જેનો કોઈ ઇલાજ નથી એવી કરોડરજ્જુની બીમારી છે. આ બીમારી એટલું ગંભીર રૂપ ધારણ કરી ચૂકી છે, જે તેના દેશમાં કાયદાકીય રીતે કાયદેસર છે. બેલ્જિયમમાં વર્ષ ૨૦૦૨માં ઇચ્છામૃત્યુને કાયદેસર જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આના માટે ત્રણ ડોક્ટરની લેખિત મંજૂરી જરૂરી છે.

વેરવૂર્ટે આ અંગેનો ખુલાસો ફ્રાંસના એક અખબારમાં રિયો પેરાલિમ્પિક રમતોના પ્રારંભ પહેલાં કર્યો. ૨૦૧૨ લંડન પેરાલિમ્પિક રમતોમાં ૩૭ વર્ષીય આ વ્હિલચેર એથ્લીટે T-52 ક્લાસમાં ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ આ સ્પર્ધાઓમાં મેડલની આશા રાખી રહી છે, પરંતુ પેરાલિમ્પિક રમતોત્સવ પૂરો થવા પહેલાં પણ તેની સામે અનેક પડકારો છે. વેરવૂર્ટે કહ્યું, ”મારી પાસે ઇચ્છામૃત્યુ જ અંતિમ વિકલ્પ છે.”

૧૬ વર્ષથી ઝઝૂમી રહી છે
વેરવૂર્ટને વર્ષ ૨૦૦૦માં આ બીમારી લાગુ પડી અને ધીમે ધીમે તેની સ્થિતિ ખરાબ થતી રહી. ૧૭ જુલાઈએ તેણે ઓનલાઇન ડાયરીમાં લખ્યું, ”નસીબજોગે આજે મારી રાત સારી પસાર થઈ, જોકે ૪૫ મિનિટનો સમય મારા માટે મુશ્કેલીભર્યો રહ્યો.”

રાત્રે ફક્ત ૧૦ મિનિટ જ ઊંઘી શકે છે
વેરવૂર્ટે કહ્યું, ”ઘણી વાર તો દર્દ અસહ્ય બની જાય છે. બધાં મને ગોલ્ડ મેડલ સાથે હસતી જુએ છે, પરંતુ કોઈ પણ એની પાછળના અંધારાને નથી જોઈ શકતું. હું બહુ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. ઘણી વાર તો રાત્રે ફક્ત ૧૦ મિનિટ જ ઊંઘી શકું છું, આમ છતાં હું ગોલ્ડ મેડલ જીતું છું. સતત અનિદ્રાને કારણે હું ઘણી વાર બેભાન પણ થઈ જાઉં છું.”

You might also like