લગ્નસરાનો આરંભઃ ડિસેમ્બર સુધીમાં માત્ર ૧૦ શુભ મુહૂર્ત

અમદાવાદ: દેવપોઢી અગિયારશથી શરૂ કરીને સામાન્ય રીતે દેવઊઠી અગિયારશ સુધી માંગલિક શુભ કાર્યો ઉપર બ્રેક લાગે છે. કારણ કે હિંદુ સંસ્કૃતિ મુજબ ચાર મહિના સુધી દેવ પોઢી જતાં માંગલિક કાર્યો યોજી શકાતાં નથી, પરંતુ કારતક સુદ અગિયારશે દેવ ઊઠતાં જ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે અને એ સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થઇ જાય છે, પરંતુ આ વર્ષે ધનારક મહિનો શરૂ થાય તે પહેલાં બાકી રહેતા માત્ર ર૧ દિવસમાં લગ્નનાં ફકત ૧૦ જ મુહૂર્ત હોવાનું જાણવા મળે છે.જયોતિષી નરેશભાઇ દવેના જણાવ્યા મુજબ ધનારક મહિનામાં માંગલિક કાર્યો યોજી શકાતાં નથી. માટે માત્ર આવનારા ર૧ દિવસ દરમિયાન જ શુભ મુહૂર્ત હોવાથી માંગલિક કાર્યો યોજી શકાશે. જેઓ માને છે તેઓ આ બાબતને ચુસ્તપણે પાળે છે.

રર નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધીના સમયગાળામાં લગ્નનાં ૧૦ મુહૂર્ત, વાસ્તુપૂજનનાં બે મુહૂર્ત, ખાત મુહૂર્તનાં ત્રણ મુહૂર્ત અને મૂર્તિ પ્રતિષ્ઠાનાં ત્રણ મુહૂર્ત છે. જયારે યજ્ઞોપવીતનાં મુહૂર્ત ફેબ્રુઆરી માસમાં છે. ધનારક માસના કમુરતાં તા.૧૬ ડિસેમ્બર ર૦૧પથી શરૃ થઇ ૧૪ જાન્યુઆરી ર૦૧૬ સુધી રહેશે. ત્યારે માંગલિક કાર્યો યોજી શકાશે નહીં. ૩૦ નવેમ્બર શનિવારે સવારે ૭.૪૬ કલાકથીશુક્રનો તુલા રાશિમાં પ્રવેશ થશે. તુલા રાશિ શુક્રની પોતાની રાશિ રહીને તુલા રાશિના જાતકોને ફાયદાકારક બનશે. શુક્ર તુલા રાશિમાં રપ ડિસેમ્બર ર૦૧પ સુધી રહેશે.

શનિવાર તા.ર૮ નવેમ્બરે ૧.૩૧ કલાકે રવિ પુષ્યામૃત યોગ શરૂ થાય છે. જે રવિવારે આખો દિવસ રહેશે. રવિવારે રાત્રે ર.રર કલાક સુધી રવિ પુષ્યયોગ સંપન્ન થશે. જે રવિવાર તા.ર૯ નવેમ્બર સવારે ૯૦૦થી બપોરે ૧૦૦ અને સાંજે ૬૦૦થી ૭૩૦ સુધી રહેશે. પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી માટે આ સમય શુભ કહી શકાય.

You might also like