અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની શરૂઆત

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની શરૂઆત થઇ ચુકી છે. અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેનાં સાત રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક દ્વારા અલગ અલગ રેલવે સ્ટેશનો પરથી અને ટ્રેનમાંથી મળી આવતાં બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક મદદરૂપ થશે.

ઘરથી ભાગીને આવેલાં બાળકો, ખોવાયેલાં બાળકો કે પછી માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં કેટલાંક બાળકો મળી આવે છે. ત્યારે આવાં બાળકોને ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મદદરૂપ બનશે. આવાં બાળકોને એનજીઓ અથવા પોલીસ અથવા તેમના પરિવારને સોંપવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ગત વર્ષે પશ્ચિમ રેલવેએ ૧૦૦૮ બાળકોને બચાવ્યાં હતાં. જેમાં ૩૩પ બાળકી, ૬૭૩ બાળકો હતાં ચાલુ વર્ષમાં ગત મહિનાના અંત સુધીમાં ૩૩૦ બાળકોને બચાવાયાં છે.

જેમાં ૧૧૦ બાળકીઓ અને ૬૬૩ બાળકો હતાં. રેલવે તંત્ર દ્વારા આવાં બાળકોને તેમના ઘર સુધી કે પરિવાર સુધી પહોંચાડવા માટે પોલીસ કે એનજીઓની મદદ લેવામાં આવે છે. વર્ષ ર૦૧પમાં બાળકો માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવા માટે વિચારણા થઇ હતી. વર્ષ ર૦૧૮-૧૯ને મહિલા અને બાળક સુરક્ષા વર્ષ જાહેર કરાયું છે. હવે પશ્ચિમ રેલવેના અમદાવાદ સહિતનાં સાત સ્ટેશન અને દેશનાં ૮૮ રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ થઇ છે. જે ર૪ કલાક કાર્યરત રહેશે.

૧૦૯૮ ફોન દ્વારા ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક પરથી મદદ માગી શકાય છે. આ અંગે અમદાવાદ રેલવે સ્ટેશનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નં.૧ પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ કરાઇ છે. હજી શરૂઆત હોવાથી વધુ વિગતો પછીથી આપી શકાશે.

You might also like