ભીખ માગવાને બહાને આવેલી મહિલાઓ ૨.૭૦ લાખ લઈ ફરાર

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં બે દિવસ અગાઉ જ કેટલીક મહિલાઓ દુકાનમાં ખરીદીના બહાને કપડાનું પાર્સલ લઇને ફરાર થઇ જવાની ઘટના બની હતી ત્યારે ઓઢવ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ભીખ માગવાના બહાને આવેલી પાંચથી છ સ્ત્રીઓએ દુકાનદારની નજર ચૂકવી દુકાનના કાઉન્ટર પર પડેલી પૈસા ભરેલી બેગમાંથી રોકડા રૂ. ૨.૭૦ લાખ લઇ ફરાર થઇ ગઇ હતી. આ અંગે દુકાન માલિકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવાનંદ બંગલોઝમાં અનિલકુમાર ગુપ્તા રહે છે. ઓઢવના સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સમાં આદ્યશક્તિદેવ નામની તેઓની દુકાન આવેલી છે. ગઇ કાલે સવારના સમયે તેઓએ દુકાન ખોલી હતી અને રોકડા રૂપિયા ભરેલી બેગ તેઓએ દુકાનના કાઉન્ટર પર મૂકી હતી. દરમિયાનમાં પાંચથી છ અજાણી સ્ત્રીઓ તેમની દુકાનમાં ભીખ માગવા આવી હતી અને તેઓની સાથે વાતચીતમાં રહી હતી અને અન્ય સ્ત્રીઓએ કાઉન્ટર પર પૈસા ભરેલી બેગમાંથી રૂ. ૨.૭૦ લાખ કાઢી લઇ ફરાર થઇ ગઇ હતી. બાદમાં અનિલકુમારે પોતાની બેગમાં તપાસ કરતાં પૈસા નહીં હોવાનું જણાતાં તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે આ અંગે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે.

You might also like