ભીખ માગવી હવે ગુનો નહીં બનેઃ કેન્દ્ર દ્વારા નવું વિધેયક તૈયાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે એક એવો મુસદ્દો તૈયાર કર્યો છે, જેના હેઠળ ભીખ માગવી એ હવે અપરાધ ગણાશે નહીં. સામાજિક ન્યાય અને અધિકા‌િરતા મંત્રાલયે એક એવું વિધેયક તૈયાર કર્યું છે કે જેમાં હવે ભિખારીઓની ધરપકડ કરવાના પગલે તેમનું પુનર્વસન અને કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ભીખ માગવાની સમસ્યા સાથે કામ લેવા માટે કેન્દ્ર સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલ આ એક પ્રથમ વિધેયક છે. દિલ્હી સહિત મોટા ભાગનાં રાજ્ય અત્યાર સુધી ભીખ માગતા રોકવા સાથે સંકળાયેલ બાબતોમાં બોમ્બેના કાયદાનો અમલ કરતા હતા. આ કાયદા હેઠળ પોલીસ અધિકારીને કોઈ પણ જાતના વોરંટ વગર કોઈ પણ ભિખારીની ધરપકડ કરવાની સત્તા હોય છે.

હવે નવા ડ્રાફ્ટ વિધેયકની કલમ-૧૧(૩) હેઠળ ભીખ માગવી એ ગુનો બનશે નહીં. ત્યાર બાદ ભીખ માગનારા લોકોને માત્ર પુનર્વસન કેન્દ્રોમાં રાખવામાં આવશે. આ મુસદ્દા વિધેયકમાં જણાવાયું છે કે પુનર્વસન અને કાઉન્સેલિંગ બાદ જો કોઈ વ્યક્તિ વારંવાર ભીખ માગતી પકડાશે તો પોલીસની મદદથી તેના હિતમાં હોય ત્યાં સુધી તેને પુનર્વસન કેન્દ્રની કસ્ટડીમાં રાખવામાં આવશે.

આ વિધેયકમાં ભીખ માગવાની પ્રવૃત્તિ અને સંગઠિત રીતે ટોળકી બનાવીને ભીખ માગવાની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ પાડવામાં આવ્યો છે તેમાં એવું પણ જણાવ્યું છે કે કોઈ પણ બાળક કે નિઃસહાયને ભીખ માગવા માટે મજબૂર કરવા તે એક ગંભીર અપરાધ ગણાશે.

You might also like